અંજની | |
---|---|
નવજાત હનુમાન સાથે અંજની (કાંસ્ય - પલ્લવ સમયગાળો). | |
જોડાણો | અપ્સરા, વાનર |
ગ્રંથો | રામાયણ અને તેની અન્ય આવૃત્તિઓ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | કેસરી |
બાળકો | હનુમાન |
અંજની (સંસ્કૃત: अञ्जना),[૧] અંજના અને અંજલિ તરીકે પણ ઓળખાય છે. તેઓ હિંદુ દેવતા રામના પરમ ભક્ત અને સાથી હનુમાનની માતા છે. શાસ્ત્રોમાં તેઓ કિષ્કિંધાના રહેવાસી હોવાનું કહેવાય છે.[૨]
દંતકથાના એક સંસ્કરણ અનુસાર અંજની પૂંજિકાસ્તલા નામની અપ્સરા હતી, જેનો જન્મ પૃથ્વી પર એક ઋષિના શ્રાપને કારણે વાનર રાજકુમારી તરીકે થયો હતો.[૩] અંજનાના લગ્ન વાનરના વડા અને બૃહસ્પતિના પુત્ર કેસરી સાથે થયા હતા.[૪]
અંજની હનુમાનની માતા હતી. અંજનીના પુત્ર હોવાને કારણે તમિલ પરંપરામાં હનુમાનને અંજનેય અથવા અંજનાયર પણ કહેવામાં આવે છે.[૫] હનુમાનના જન્મ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. એકનાથના ભાવાર્થ રામાયણ (૧૬મી સદી) અનુસાર જ્યારે દેવી અંજની વાયુની પૂજા કરી રહી હતી ત્યારે અયોધ્યાના રાજા દશરથ પુત્રપ્રાપ્તિ માટે પુત્રકામેષ્ઠી યજ્ઞની વિધિ કરી રહ્યા હતા. યજ્ઞના ફળસ્વરૂપે તેમને તેમની ત્રણ પત્નીઓને વહેંચવા માટે કેટલોક પવિત્ર પ્રસાદ પ્રાપ્ત થાય છે, પરિણામે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થાય છે. દૈવી સંયોગ દ્વારા, એક સમડી તે પ્રસાદ (ખીર)નો એક ટુકડો છીનવી લઈ તેને જંગલમાં ઉડતી વખતે જ્યાં અંજની તેની પૂજામાં રોકાયેલી હતી ત્યાં ફેંકી દીધો. વાયુ દેવે તે ખીરના ટુકડાને અંજની સુધી પહોંચાડ્યો. આ ખીરના ટુકડાને આરોગવાથી તેને ત્યાં હનુમાનનો જન્મ થયો હતો.[૬][૭] અન્ય એક સ્રોત પ્રમાણે, અંજની અને કેસરીએ વાયુ દેવને તેમના બાળક તરીકે જન્મ લેવા માટે તીવ્ર પ્રાર્થના કરી. તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને વાયુદેવે દંપતિને તેમનું ઇચ્છિત વરદાન આપવાની કૃપા કરી હતી.[૬][૮][૯] શૈવ મતના લોકો ઘણીવાર હનુમાનને શિવનો અગિયારમો અવતાર માને છે.
હિમાચલ પ્રદેશમાં અંજની દેવીને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. ધર્મશાળા નજીક 'મસરેર' ખાતે તેમને સમર્પિત એક મંદિર છે. એવું માનવામાં આવે છે કે શ્રી અંજની એકવાર આવ્યા હતા અને થોડો સમય ત્યાં રહ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ તેમની ઇચ્છા વિરુદ્ધ જઈને અન્ય ગામલોકો સમક્ષ તેમની સાચી ઓળખ જાહેર કરી. તે તરત જ ત્યાંથી ચાલી ગઈ, પરંતુ તે ગામવાસીને પથ્થરમાં ફેરવતા ગયા, જે આજે પણ તેના મંદિરની બહાર છે. તેનું વાહન (વાહન) વીંછીનું છે, તેથી ભાવિકો વીંછી કરડ્યા પછી અંજનીની પૂજા કરે છે.[૧૦]
ઇન્ડોનેશિયાની જાવા સંસ્કૃતિમાં દેવી અંજની વાયંગ (ઇન્ડોનેશિયન કઠપૂતળી)ની દુનિયામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જાવા વાયંગ અનુસાર, દેવી અંજની દેવી ઇંદ્રાદી ઋષિ ગૌતમનું સૌથી મોટું સંતાન છે, જે બહારા અસ્મરાથી ઉતરેલી એક દેવી છે.
અંજની પર અનેક ભારતીય ફિલ્મો બની છે. જેમાં શ્રીનાથ પાટણકરની સતી અંજની (૧૯૨૨) અને કાનજીભાઈ રાઠોડની સતી અંજની (૧૯૩૪) નો સમાવેશ થાય છે.[૧૧]
પૌરાણિક ધારાવહિક અને ચલચિત્રોમાં અંજનીનું પાત્ર જોવા મળે છે:
વર્ષ | નામ | કલાકાર | ચેનલ |
---|---|---|---|
૧૯૭૬ | બજરંગબલિ (ચલચિત્ર) | દુર્ગા ખોટે | |
૧૯૯૭ | જય હનુમાન (ટેલિવિઝન ધારાવાહિક) | ફાલ્ગુની પારેખ | દૂરદર્શન (નેશનલ) |
૨૦૦૮ | રામાયણ | હેતલ યાદવ | ઇમેજીન ટીવી |
૨૦૧૦ | જય જય જય બજરંગબલિ | અપર્ણા | સહારા વન |
૨૦૧૫ | સંકટમોચન મહાબલી હનુમાન | બરખા બિષ્ત સેનગુપ્તા | સોની એન્ટરટેઇન ટિલિવિઝન |
૨૦૨૩ | શ્રીમદ રામાયણ | સોની સેટ |