અંબાજી

અંબાજી

માં ગબ્બરવાળીનું/આરાસુરવાળીનું ધામ
નગર
અંબાજી તરફ જતા રસ્તો
અંબાજી તરફ જતા રસ્તો
અન્ય નામો: 
મોટા અંબાજી
અંબાજી is located in ગુજરાત
અંબાજી
અંબાજી
ગુજરાતમાં સ્થાન
અંબાજી is located in India
અંબાજી
અંબાજી
અંબાજી (India)
અક્ષાંશ-રેખાંશ: 24°20′N 72°51′E / 24.33°N 72.85°E / 24.33; 72.85
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૭,૭૫૩
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૫૧૧૦
ટેલિફોન કોડ૯૧-૦૨૭૪૯
વાહન નોંધણીGJ-8

અંબાજી અથવા મોટા અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે.

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન

[ફેરફાર કરો]
ગબ્બર પર્વત પર આવેલું માતાજીનું હાલમાં જિર્ણોદ્ધાર પામેલું પ્રાચીન મંદિર

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફૂટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. શ્રી અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને શ્રી આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.[]

અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું મંદિર હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.[] વર્તમાન સમયે મંદિરની ઉપરનો કળશ છે એ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત ધ્યાન આપવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના વાસ્તવિક સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા પ્રગટે છે.

માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વાર કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુજા કરી શકતા હતાં. વર્તમાન સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના સમયે બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.

અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને "ચાચરના ચોકવાળી માં " પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન સમયે પુષ્કળ ઘી હોમે છે.

અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા સમયે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

દંતકથાઓ

[ફેરફાર કરો]
અંબાજી માતાનું મંદિર
અંબાજી મંદિર રાત્રિના સમયે
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોબનાસકાંઠા
દેવી-દેવતાઅંબાજી માતા (શક્તિ)
સંચાલન સમિતિશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (SAAMDT), ૧૯૬૩
સ્થાન
સ્થાનઆરાસુર, બનાસકાંઠા જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારહિંદુ
નિર્માણકારઅજ્ઞાત
ઊંચાઈ61 m (200 ft)
વેબસાઈટ
http://www.ambajitemple.in/ , http://www.51shaktipeethambaji.org/

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને પૌરાણિક પુરાવાઓ તપાસીએ તો, માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવ નો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સન. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સન ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. અર્થાત કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ સ્થાન પર વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે ઉત્તર આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ ઉત્તર થી ક્રોધિત થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની સહાયતા માંગી. ભગવાન શિવે સહાયતા માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં માં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા પ્રમાણે માં સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો.

દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા માં અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Welcome to Ambaji Temple". www.ambajitemple.in. મેળવેલ 2018-12-15.
  2. "Welcome to Ambaji Temple". www.ambajitemple.in. મેળવેલ 2018-12-15.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: