ઈન્દુમતી ચીમનલાલ શેઠ | |
---|---|
જન્મની વિગત | અમદાવાદ, બૉમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત | 28 November 1906
મૃત્યુ | 11 March 1985 અમદાવાદ, ગુજરાત, ભારત | (ઉંમર 78)
વ્યવસાય | સામાજિક કાર્યકર, સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી, શિક્ષણવિદ |
માતા-પિતા |
|
પુરસ્કારો | પદ્મશ્રી (૧૯૭૦) |
ઈન્દુમતી ચીમનલાલ શેઠ (૨૮ નવેમ્બર ૧૯૦૬ – ૧૧ માર્ચ ૧૯૮૫) એ ગુજરાત, ભારતના એક સ્વાતંત્ર્ય ચળવળકાર, રાજકારણી, સામાજિક કાર્યકર અને કેળવણીકાર હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે બોમ્બે રાજ્યના નાયબ શિક્ષણ પ્રધાન અને ગુજરાતના શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. ૧૯૭૦માં તેમના સામાજિક કાર્ય માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
ઈન્દુમતીનો જન્મ અમદાવાદમાં ૨૮ નવેમ્બર ૧૯૦૬ના રોજ માણેકબા અને ચીમનલાલ નગીનદાસ શેઠને ત્યાં થયો હતો. ૧૯૦૮માં તેમના પિતાનું અવસાન થયું હતું. અંબાલાલ સારાભાઈ તેમના પિતાના પિતરાઈ ભાઈ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું હતું. તેઓ ૧૯૨૧માં બોમ્બે પ્રેસિડેન્સીમાં મેટ્રિક પરીક્ષામાં પ્રથમ સ્થાને રહ્યા હતા અને ચેટફિલ્ડ પુરસ્કાર મેળવ્યો હતો. તેઓ ૧૯૨૬માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સમાજશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા હતા. અહીં તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થયા હતા.[૧][૨]
તેમણે થોડા સમય માટે ગુજરાત વિદ્યાપીઠમાં માનદ વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. બાદમાં તેઓ તેમની માતા દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા નિર્મિત શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં જોડાયા હતા.[૧][૩] તેમણે ૧૯૨૦ના દાયકામાં અસહકારની ચળવળમાં અને ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જેના માટે તેમને બ્રિટિશ સત્તાવાળાઓએ કેદ કર્યા હતા.[૧][૪] તેમણે ૧૯૪૧-૪૨માં અમદાવાદમાં થયેલાં રમખાણો દરમિયાન શાંતિ માટે અપીલ કરી હતી અને કામ કર્યું હતું.[૧][૫][૨]
તેમણે શિક્ષણ અને રોજગાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે સમઉન્નતિ ટ્રસ્ટ અને મહિલા મુદ્રાણાલયની સ્થાપના કરી હતી.[૧] તેઓ અમદાવાદમાં મહિલા સશક્તિકરણના પાયા જ્યોતિસંઘના સભ્ય પણ હતા.[૫] તેમણે સ્વદેશી (સ્થાનિક પેદાશો)ને પ્રોત્સાહન આપ્યું હતું અને ખાદીનાં વસ્ત્રોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં ખાદી મંદિરની સ્થાપના કરી હતી.[૧][૬][૭] તેમણે અડાલજમાં માણેકબા વિનયવિહારની પણ સ્થાપના કરી હતી.[૨] તેમણે ગુજરાતમાં યુનિવર્સિટીના વ્યાવહારિક (પ્રેક્ટીકલ) અભ્યાસ માટેની સમિતિમાં સેવા આપી હતી.[૮]
તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમદાવાદ એકમ સાથે સંકળાયેલા હતા. ૧૯૩૭માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયા હતા.[૯] ૧૯૪૬માં તેઓ મુંબઈ વિધાનસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. સ્વતંત્રતા પછી, તેમણે ૧૯૫૨થી ૧૯૬૦ સુધી બોમ્બે રાજ્યના નાયબ શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.[૧][૧૦][૨] ૧૯૬૧માં, તેમણે શારીરિક પ્રશિક્ષકોને તાલીમ આપવા માટે વ્યાયામ વિદ્યાભવનની સ્થાપના કરી હતી, તેમજ નવા સ્થપાયેલા ગુજરાત રાજ્યની પ્રથમ લલિત કલા કોલેજની સ્થાપના પણ કરી હતી.[૯] તેઓ ૧૯૬૨માં એલિસબ્રિજ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા અને ૧૯૬૨થી ૧૯૬૭ દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણ, સમાજ કલ્યાણ, નશાબંધી અને આબકારી અને પુનર્વસન મંત્રી તરીકે સેવા આપી હતી.[૧][૧૧][૩][૯][૨] ૧૯૬૯માં તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૯]
૧૯૭૦માં તેમને ભારત સરકાર દ્વારા તેમના સામાજિક કાર્યો બદલ પદ્મશ્રી નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[૨][૧૨] તેમનું અવસાન ૧૧ માર્ચ ૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.[૨]
ગુજરાતી લેખક સ્નેહરશ્મિએ તેમનું જીવનચરિત્ર સંસ્કારમૂર્તિ ઇન્દુબેન (૧૯૮૭) લખ્યું હતું.[૧]