લેખક | નંદશંકર મહેતા |
---|---|
અનુવાદક | તુલશી વત્સલ, અબાન મુખર્જી |
પૃષ્ઠ કલાકાર | પીયા હઝારિકા (અંગ્રેજી) |
દેશ | India |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | ઐતિહાસિક નવલકથા |
પ્રકાશન સ્થળ | ગુજરાત |
પ્રકાશક |
|
પ્રકાશન તારીખ | ૧૮૬૬ |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૨૦૧૫ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત અને ડિજીટલ |
પાનાં | ૩૪૪ |
ISBN | 978-93-5214-011-4 |
OCLC | 299885117 |
દશાંશ વર્ગીકરણ | 891.473 |
મૂળ પુસ્તક | કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા વિકિસ્રોત પર |
કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા એ નંદશંકર મહેતા દ્વારા લખાયેલ ઐતિહાસિક નવલકથા છે.[૧] તે ૧૮૬૬માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા છે.[note ૧][૨][૩][૪][૫] ૨૦૧૫માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો છે.
આ નવલકથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાની, (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫) વાર્તા વર્ણવે છે. ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજીની સેના સામે કરણ વાઘેલાનો પરાજય થયો હતો. આ નવલકથા શૈક્ષણિક હેતુ માટે લખવામાં આવી હતી. આ કથા વિવિધ ઐતિહાસિક સ્રોતો પર આધારિત હતી, પરંતુ અમુક ઘટનાના નિરૂપણમાં લેખકે સ્વતંત્રતા લીધી હતી. આ નવલકથા સામાજિક તેમજ ધાર્મિક મુદ્દાઓ આવરી લે છે.
આ પુસ્તકને સારો આવકાર મળ્યો હતો અને તેનું મરાઠી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. તે પરથી નાટકો અને ફિલ્મો પણ બની છે.
રજપૂત રાજા કરણ વાઘેલા તત્સમયે ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણ પર રાજ્ય કરતો હતો. તેનો મુખ્યમંત્રી માધવ રાજકારભાર ચલાવવામાં તેને સહાયભૂત હતો. એક દિવસ રાજા અને માધવની પત્ની રૂપસુંદરીનો (સૌ સંસ્કારી સ્ત્રીઓ જેમ જ રૂપસુંદરી પણ એકાંતમાં રહેતી) ભેટો થયો અને વાતચીત થઈ.
રાજા તેની પાછળ ઘેલો થઈ ગયો અને તેને મેળવવાની કામના કરવા લાગ્યો. તેની પાછળ તે એટલો તે બહેકી ગયો કે તમામ શિષ્ટાચાર અને ઔચિત્યને નેવે મુકવા તે તૈયાર હતો. તેણે અમુક બહાને મુખ્ય પ્રધાન માધવને દૂર મોકલી દીધો અને રૂપસુંદરીનું અપહરણ કર્યું. ભાભીનું રક્ષણ કરવાના વેર પણ નિષ્ફળ પ્રયત્ન કરતા કરતા જતા રાજાના માણસો દ્વારા માધવના ભાઈની હત્યા કરવામાં આવી. તે જ દિવસે તેની માધવના ભાઈની પત્ની પોતાના વીર પતિના મૃત્યુ બાદ સતી થઈ. પોતાના શીલના રક્ષણ માટે રૂપસુંદરીએ રાજા પહોંચે તે પહેલાં જ આત્મહત્યા દ્વારા પ્રાણ તાગ્યો. આમ રૂપસુંદરી પોતાના અખંડ શીલ સાથે મૃત્યુ પામી અને રાજાને નાલેશી સિવાય કાંઈ ન મળ્યું.
આમ કરતાં તેણે માધવના સ્વરૂપમાં નવો શત્રુ ઊભો કર્યો. માધવ તેના પરિવારના નિકંદનમાંથી ભાગી નીકળ્યો. તેણે અણહિલવાડ પાટણ છોડ્યું અને તે સીધો દિલ્હી ગયો. તે પ્રવાસ દરમ્યાન તે પ્રવાસમાં તેને માઉન્ટ આબુ ના રહસ્યમય અનુભવ સહિત ઘણાં અન્ય સાહસિક અનુભવો થયા. માધવ આખરે દિલ્હી પહોંચ્યો અને તેણે મુસ્લિમ સુલતાન અલાઉદ્દીન ખીલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે પ્રેર્યો. આ માટે તેણે સુલતાનને બનતી મદદ અને અઢળક લૂંટની ખાત્રી આપી. માધવની સહાયતાથી દિલ્હીના સુલતાને ગુજરાત ઉપર આક્રમણ કર્યું, પાટણનો નાશ કર્યો અને રાજ્યના ખજાનાઓમાં લૂંટ ચલાવી. આ હુમલાના પ્રત્યુત્તરમાં રાજા કરણ વાઘેલા બહાદુરીથી લડ્યો, પણ છેવટે માત્ર રાજ્ય જ નહી પણ પોતાની પત્ની કૌલારાણીને પણ ગુમાવી બેઠો.
તેની હાર પછી કરણ ઘેલો પોતાના કુટુંબ અને અનુચરોને લઈ દક્ષિણ ગુજરાતમાં આવેલા બાગલણ ગયો. જ્યાં તેણે તેના જુના મિત્ર, દેવગઢના મરાઠા રાજા રામદેવ પાસે આશ્રય માંગ્યો. કરણની કુંવારી બાળક પુત્રી દેવળ તેની સાથે હતી. યુદ્ધની ધૂળ શાંત થાય અને શાંતિવાર્તા શરૂ થાય તે પહેલાં જ કરણને એક અન્ય મુસીબતનો સામનો કરવો પડ્યો. દ્વેષી ખીલજીએ પોતાના પુત્ર અને વારસ ખેઝ્ર ખાન માટે દેવળનો હાથ માંગ્યો. કરણને આ પ્રસ્તાવ માન્ય ન હતો અને તેણે ખીલજીની માંગણી નકારી, તે સાથે જ બીજા યુદ્ધના બીજ રોપાયા. બીજા યુદ્ધની તૈયારી સાથે જ કરણને તેની પુત્રીની અને તેના ભવિષ્યની ખૂબ ચિંતા થવા લાગી. આથી તેણે પોતાની પુત્રી દેવળનો હાથ તેના આશ્રય દાતા તથા મિત્રના પુત્ર, સંકલદેવને આપવાનો નિર્ણય કર્યો. ખીલજી સાથેના બીજા યુદ્ધની થોડાં સમય પહેલાં જ તે બંનેનું વેવિશાળ થયું. છેવટે યુદ્ધ થયું, કરણ તેમાં હાર્યો અને પુત્રીને પણ ગુમાવી. યુદ્ધમાં લડતાં લડતાં જ કરણ શહીદ થયો અને પુત્રીના પતન અને મુસલમાન આક્રમણકારી દ્વારા માતૃભૂમિના નિકંદનના સાક્ષી થવામાંથી બચી ગયો તેટલો તે નસીબવંત નીવડ્યો. તેની હારથી ગુજરાતમાં રાજપૂત (હિંદુ) શાસનનો અંત આવ્યો.
નંદશંકર મહેતા સુરતની એક અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાચાર્ય (હેડમાસ્ટર) હતા. તે સમયે બોમ્બે પ્રેસીડેન્સીના બ્રિટિશ અધિકારીઓ સ્થાનિક ભારતીય લેખકોને શૈક્ષણિક પુસ્તકો લખવા માટે પ્રોત્સાહિત કરતા હતા.[૬][૩]
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના નંદશંકર મહેતાએ જાતે લખી છે.[૬]
તેમણે ૧૮૬૩માં આ નવલકથા લખવાની શરૂઆત કરી, જે ૧૮૬૬માં પૂર્ણ થઈ.[૩] તેમના પુત્ર અને ચરિત્ર કથાકાર વિનાયક મહેતા અનુસાર નંદશંકર મહેતા ગુજરાતની કોઈ એક ઐતિહાસિક ઘટના પર આધારિત નવલકથા લખવા માંગતા હતા. તેમણે ચાંપાનેરની પડતી અને સોમનાથના ધ્વંસ ઉપર નવલકથા લખવાનો વિચાર કર્યો હતો, પણ છેવટે તેમણે ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણનો વિષય પસંદ કર્યો. આ આક્રમણ પછી ગુજરાત પર મુસ્લિમ રાજકર્તાઓનું શાસન શરૂ થયું. આ હારને કારણે કરણ વાઘેલાને "ઘેલો" (મૂર્ખ[૨]) વિશેષણ મળ્યું. તેમણે પશ્ચિમ શૈલીમાં નવલકથા લખી હતી જેમાં તેણે વાર્તામાં વાર્તા વણી લેવાની સ્થાનીય શૈલીનો પ્રયોગ પણ કર્યો.[૬]
તેમને ઇતિહાસમાં રસ હતો અને આ નવલકથા માટે ઘણા ઐતિહાસિક દસ્તાવેજોનો ઉપયોગ કર્યો. જેમ કે સ્થાનીય ઇતિહાસ, ચારણ કથાઓ, જૈન વૃત્તાંત, ફારસી સ્ત્રોતો વગેરે. ગુજરાતના ભાટ અને ચારણો ખીલજીનું આક્રમણ, માધવનું વેર, કરણ વાઘેલાની હાર અને પાટણનું પતન વિષયો ઉપર શ્રુત કથાઓ કહેતા. તે સાથે ઘણાં સમકાલીન જૈન વૃત્તાંતો જેમકે મેરુતુંગ લિખિત પ્રબંધચિંતામણી (૧૩૦૫), ધર્મારણ્ય (૧૩૦૦ અને ૧૪૫૦ વચ્ચે) અને જીનપ્રભસૂરિ રચિત તીર્થકલ્પતરુ આ હુમલાનો ચિતાર આપે છે. ઈ.સ. ૧૪૫૫માં પદ્મનાભ લિખિત મધ્યકાલીન કૃતિ કાન્હડદે પ્રબંધમાં પણ આ આક્રમણનો ઉલ્લેખ છે.[૬]
નંદશંકર મહેતાએ કરણ વાઘેલાની મૂળ વાર્તા અને અન્ય ઐતિહાસિક ઘટનાઓ રાસમાળા નામના ગ્રંથમાંથી લીધી હતી. આ ગ્રંથ ચારણ કથાઓ, ફારસી લખાણો, જૈન વૃતાંતો, ગુજરતના લોકસાહિત્ય આદિનો સંગ્રહ છે. આ ગ્રંથ એલેકઝાન્ડર કિનલોક ફાર્બસે દલપતરામની મદદ વડે ૧૮૫૬માં પ્રસિદ્ધ કર્યો હતો.[૬]
દિલ્હીમાં ઘટેલી ઘટનાઓ માટે તેમણે ખીલજીના રાજ કવિ અમીર ખુશરોના ફારસી લખાણો અને ઝિઆઉદ્દીન બાર્નીના લખાણોનો ઉપયોગ કર્યો હતો. કરણ વાઘેલાના ખીલજી સાથેના બીજા સાથે યુદ્ધ અને તેની પુત્રી દેવળના અપહરણનો ઉલ્લેખ અમીર ખુશરોની કૃતિ મસનવી દેવલ દેવી ખીઝ્ર ખાનમાં મળી આવે છે. આ કૃતિ ઈશ્કિયા તરીકે પ્રચલિત છે. દેવળ દેવી અને ખીઝ્ર ખાનના પ્રેમની વાત ૧૬મીએ સદીના ઇતિહાસકાર ફેરીશ્તાએ પણ લખી છે.[૬]
નંદશંકર મહેતા સામાજિક અને ધાર્મિક સુધારક હતા. તેથી તેમણે સમગ્ર નવલકથામાં અનેક સામાજિક અને ધાર્મિક વિચારોની ચર્ચા કરી છે. દેવળ દેવી અને શંકરદેવની પ્રેમ કથા થકી તેમણે ગોઠવાયેલા લગ્ન અને બાળક લગ્ન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે સંમતિ, પ્રતિબદ્ધતા, મહેનત અને અન્યોન્ય સન્માન આધારિત વિવાહોની હિમાયત કરી હતી. માધવ અને રૂપસુંદરીના પુનઃમિલન દ્વારા અત્યાચારનો ભોગ બનેલ મહિલાને ફરીથી સ્વીકારનું સમર્થન દર્શાવ્યું હતું. રૂપસુંદરી અને માધવના ભાઈની પત્નીના ઉદાહરણ દ્વારા તેમણે સતી અને જૌહર પ્રથાઓ વિષેની દલીલો મૂકી હતી.[૬]
મહેતાએ પ્રથમ આવૃત્તિમાં લખ્યું હતું કે,[૬]
કથાની રચનામાં વિવિધ પ્રકારના ઐતિહાસિક સ્રોત વાપરવાને લીધે તે ઐતિહાસિક ઘટનાનું ચોક્કસ વૃત્તાંત આપે છે. તેમણે કરણ વાઘેલાને બહાદૂરીથી લડતા લડતા શહીદ થતો બતાવવાની છૂટ લીધી છે, જ્યારે અન્ય સ્રોત અનુસાર એ ભાગી ગયો હતો.[૬] ફારસી સ્ત્રોત વર્ણવે છે, ગુજરાત પરનો વિજય એ માત્ર લશ્કરી ચડાઈ હતી અને કાંઈ પણ વધારે મહેનત વગર સફળ થઈ. કન્હાડદે પ્રબંધ આ આક્રમણ દ્વારા થયેલા વિનાશનું વર્ણન કરે છે અને તેને માટે માધવને જવાબદાર ગણે છે. રાજપૂત્ર સ્રોત માધવને દોષી ગણે છે અને આ ઘટનાને ક્ષત્રિય ધર્મ ન અનુસરવાનું પરિણામ માને છે. લેખક કરણ વાઘેલાની પોતાના જ કરેલી ભૂલોને આક્રમણ માટે જવાબદાર ગણે છે.[૬]
નંદશંકર મહેતાએ કરણ ઘેલો ૧૮૬૬માં પ્રકાશિત કરી. તે ગુજરાતી ભાષાની પ્રથમ મૂળ નવલકથા હતી.[૭]તેને અત્યંત ઝડપી સફળતા મળી. આ પુસ્તક ઘણું પ્રસિદ્ધિ પામ્યું અને ૧૮૬૬થી ૧૯૩૪ દરમિયાન તેના ૯ પુનઃમુદ્રણ પ્રકાશિત થયા. તેને છેવટે પુનઃસજીવન કરી ૧૯૮૬ અને ૨૦૦૭માં છાપવામાં આવી. નંદશંકર મહેતાએ એક માત્ર નવલકથા લખી હતી.[૧][૬][૩][૮]
શિશિર કુમાર દાસ નોંધે છે કે આ વાર્તા પ્રાચીન સુરત શહેરની મહિમાના ગુણગાન કરનારી હોવાથી લોકપ્રિય બની. શ્રી મહેતા સુરતના રહેવાસી હતા. તેઓ એમ નોંધે છે કે પુસ્તક સવિસ્તર વર્ણનો ધરાવે છે, પણ વર્ણનની શૈલી એટલી રોચક નથી. તેઓ આ નવલકથાને ગુજરાતી ઐતિહાસિક નવલકથાની આધારશિલા માને છે.[૨] ૧૮૬૦ના સમયગાળાને વર્ણવતા ઑપન મેગેઝિનના અર્સિતા સત્તાર આ નવલકથાને "ગુજરાતથી આવેલી વસાહતી ક્ષણ" તરીકે ઓળખાવે છે.[૯]
આ નવલકથામાં એક લલિત છંદમાં કવિતા લખાઈ છે: "કરણ રાજ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને શીદને રહ્યો; કરમ ફૂટિયું, પ્રાણ જાય રે; સુખ સદા ગયું, હાય હાયરે". આ કવિતાને સંગીતબદ્ધ કરવામાં આવી હતી અને તે ખૂબ લોકપ્રિય થઈ હતી. આ નવલકથાના ૧૮૬૮ના પ્રકાશનના બે વર્ષ બાદ મુંબઈના પારસી થિયેટર ઓફ બોમ્બેએ તે પરથી નાટક રજૂ કર્યું : ગુજરાતનો છેલ્લો રાજા કરણ ઘેલો. આ નવલકથાનો મરાઠી અનુવાદ મરાઠી સામાયિક વિવિધ જણાંન વિસ્તારમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થયો હતો .[૬][૩]
૧૯૨૪માં શ્રીનાથ પાટણકર દ્વારા બનાવાયેલ મૂંગી ફિલ્મ કરણ ઘેલો પણ આ નવલકથા પર આધારિત હતી.[૧]
૨૦૧૫માં તુલસી વત્સલ અને અબાન મુખર્જી દ્વારા આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો અને પેંગ્વીન બુક્સ ઇન્ડિયાના વાઇકિંગ પ્રકાશન વિભાગ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું.[૧][૬]
આ વાર્તા ગુજરાતી જનમાનસ પર ટકી રહી છે. તેને ગુજરાતી ભાષાની કાલ્પનિક ઐતિહાસિક નવકકથાની આધારશિલા માનવામાં છે.[૨] આ પુસ્તકને ગુજરાતી માધ્યમની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે શીખવાડવામાં આવતું હતું. આ વિષયને આધારે ચંદ્રવદન મહેતાએ સમ્ધ્યાકાળ નામનું નાટક લખ્યું. આ વિષયને આધારે મહાગુજરાત આંદોલન સમયે બે નવલકથાઓ રચવામાં આવી હતી: કનૈયાલાલ મુનશી લિખિત ભગ્નપાદુકા (૧૯૫૫) અને ધૂમકેતુ રચિત રાય કરણ ઘેલો (૧૯૬૦). ગુજરાતની પ્રાદેશિક ઓળખના મૂળ શોધવા માટે વિદ્વાનો આ નવલકથાનો અભ્યાસ કરે છે.[૬][૩]
|access-date=
(મદદ)