જીવરામ જોષી | |
---|---|
જન્મ | ગરણી, ગુજરાત, ભારત | July 6, 1905
મૃત્યુ | April 28, 2004 અમદાવાદ | (ઉંમર 98)
વ્યવસાય | લેખક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો | મિયાં ફૂસકી |
સંબંધીઓ | ભવાનીશંકર (પિતા), સંતોકબેન (માતા) |
જીવરામ ભવાનીશંકર જોષી (૬ જુલાઇ, ૧૯૦૫ - ૨૮ એપ્રિલ ૨૦૦૪) જાણીતા ગુજરાતી બાળસાહિત્યકાર હતા.[૧]
જીવરામ જોષીનો જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે થયો હતો. ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો અને કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણો સમય સ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગાળ્યો અને છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. તેઓ બાળસાપ્તાહિક ઝગમગના તંત્રી હતા.[૨]
તેમણે બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે.[૩] મિયાં ફૂસકીના ૩૦ ભાગ, છકો મકોના ૧૦ ભાગ, છેલ છબોના ૧૦ ભાગ, અડુકિયો દડુકિયોના ૧૦ ભાગ, ઉપરાંત એમણે પ્રેરક પ્રસંગવાર્તાવલિના ૨૦ ભાગ, બોધમાળાના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં બાળસાહિત્ય સર્વસંગ્રહ (૧૯૩૬) નું પણ સ્થાન છે. તેમની તભા ભટ્ટ, રાણી ચતુરા અને રાજા વિક્રમ વાર્તાઓ પણ લોકપ્રિય છે.[૪] તેમણે રમત ગમત ગીતો (૧૯૫૨) લખ્યા હતા જે રમતી વખતે ગાવાના ગીતો છે. તેમની વાર્તાઓ છકો મકો (૧૯૬૩) અને પાણીદાર મોતી (૧૯૬૫)નું તેમણે નાટ્યરૂપાંતરણ કર્યું હતું.[૫]
તેમનું પાત્ર મિયાં ફૂસકી બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટસમયે બુદ્ધિથી માર્ગ કરતો, દશ ભાગોમાં વહેંચાયેલી બાળવાર્તાનો બાળવાચકોને અત્યંત પ્રિય નાયક છે.
અડુકિયો દડુકિયો અને ગલુ જાદુગર પરથી ૨૦૦૮માં ગુજરાતી ચલચિત્ર બન્યું હતું.[૬] મિયાં ફૂસકી પાત્રનું નાટકો, ટેલિવિઝન ધારાવાહિક અને ચલચિત્રમાં રૂપાંતર થયેલું છે.[૭] ઉદ્યોગપતિ રશ્મિન મજેઠિયાની કંપની જીવરામ જોષીની ૧૨૫ વાર્તાઓ અને તેના પાત્રોનો પ્રકાશાનાધિકાર ધરાવે છે, જે કંપનીએ જોષીના વારસદારો પાસેથી મેળવ્યો હતો. મજેઠિયાએ આ સર્જનનું અન્ય માધ્યમોમાં રૂપાંતરણ કરવાની જાહેરાત કરી હતી.[૮]