રેવરન્ડ. જોસેફ વાન સોમેરન ટેલર ( બેલ્લારી, ૩ જુલાઈ ૧૮૨૦ – ઍડિનબર્ગ, ૨ જૂન ૧૮૮૧), અન્ય નામ જે. વી. એસ. ટેલર, એ એક સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી અને ગુજરાતી ભાષામાં લખનારા લેખક હતા. તેમણે પશ્ચિમના દેશોમાં ગુજરાતીનું વ્યાકરણ લખવાનો પ્રારંભિક પ્રયાસ કર્યો, [૧] અને ગુજરાતીમાં બાઇબલનો અનુવાદ પણ કર્યો.
ગુજરાતમાં અગાઉની પ્રથમ લંડન મિશનરી સોસાયટીના મિશનરી તરીકે જ્હોન ટેલર એમ. ડી. [૨] ૧૮૦૫ માં ગુજરાત આવ્યા હતા. પરંતુ આ મિશનની સ્થિતિથી નિરાશ થઈને તેમણે સરકારી સેવામાં પ્રવેશ કર્યો. [૩]
જોસેફ ટેલર (મૃત્યુ. મુંબઈ, નવેમ્બર ૧૮૫૨ અથવા ૧૮૫૯) એ ૧૮૧૨થી બેલ્લારીમાં એક મિશનરી હતા. સપ્ટૅમ્બર ૧૮૨૦થી તેઓ બેલગામમાં રહ્યા. આ જોસેફ ટેલર, જે. વી. એસ. ટેલરના પિતા હતા. [૪] રેવરન્ડ. જે. વી. એસ. ટેલરે બે લગ્ન કર્યા હતા. એલિઝા મેરી પ્રીચાર્ડ (૧૮૪૭) તેમની પ્રથમ પત્ની હતા જ્યારે જ્યોર્જિના બ્રોડી (૧૮૫૯) સાથે તેમણે બીજી વાર લગ્ન કર્યા. તેમની બંને પત્નીઓ સ્કોટીશ હતી. [૫] તેમનો એક પુત્ર, ડૉ. લેચમર ટેલર, આગળ જતાં એડિનબર્ગ મેડિકલ મિશનરી સોસાયટીના નિર્દેશક બન્યા.
જી. વી. એસ. ટેલરનો જન્મ ૩ જુલાઈ ૧૮૨૦ના દિવસે તત્કાલીન મૈસૂર રાજ્યના બેલ્લારી કે બેળગાંવ (બેલગામ) ખાતે થયો હતો. [૧] ૧૫ વર્ષની ઉંમર સુધી તેમણે કલકત્તાની બિશપ કૉલેજમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ૧૮૩૮ માં ઇંગ્લેન્ડ ગયા. અહીં તેમણે યુવાન ડેવિડ લિવિંગસ્ટોન સાથે ગાઢ મૈત્રી વિકસાવી. (૧૮૭૩ માં આફ્રિકામાં લિવિંગસ્ટોનના મૃત્યુ સુધી આ મિત્રતા ચાલુ રહી). ૧૮૪૦ માં, તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ૧૮૪૩માં તેમણે બી. એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. તે જ વર્ષે લંડન મિશનરી સોસાયટીએ તેમને મિશનરી તરીકે સ્વીકાર્યા અને તેમને મદ્રાસમાં રહેવા માટે ભારત મોકલ્યા.
૧૮૪૬માં તેઓ ગુજરાતના વડોદરામાં આવ્યા [૧] અને વિલિયમ ક્લાર્કસન સાથે મહી કાંઠા ગયા જ્યાં તેમણે ટૂંક સમયમાં સ્થાનિક ભાષા શીખી. ૧૮૫૦માં તેમના લેખો પ્રથમ વખત એક મિશનરી સામયિકમાં પ્રકાશિત થયા. ૧૮૫૪ માં ક્લાર્કસનની નિવૃત્તી પછી, મિશનને આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું, જ્યાં તેમણે ગુજરાતી ભાષા અને લોકો પ્રત્યેની રુચિને કારણે ગુજરાતમાં પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.[૬] તેઓ ગુજરાતના બોરસદ અને શાહવાડી ( રાણીપુર )માં આવેલા ચર્ચ ઑફ નોર્થ ઈન્ડિયા (સી એન આઈ) સંચાલિત ચર્ચોના સ્થાપક હતા.
૨ જૂન ૧૮૮૧ ના દિવસે એડિનબર્ગમાં તેમનું અવસાન થયું [૧] અને એડિનબર્ગના ન્યુનિંગ્ટન સ્મશાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. [૫] તેમના પુત્ર, ડૉ જ્યોર્જ પ્રીચાર્ડ ટેલર ભારતમાં રહ્યા અને વિલિયમ ફ્લેમિંગ સ્ટીવન્સન (૧૮૩૨-૧૬૮૬) ના નામ પરથી સ્ટીવન્સન ડિવીનિટી કૉલેજ, અમદાવાદના પ્રથમ આચાર્ય બન્યા. જી. પી. ટેલરે તેમના પિતાના પ્રથમ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ (૧૮૬૭)માં સુધારા કરી, તેમજ પોતાનો ઉમેરો કરી તેનું પ્રકાશન કર્યું. [૭]
તેમણે ૧૮૬૭માં ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રકાશિત કર્યું જેનાથી તેમને "ગુજરાતી વ્યાકરણના પિતા" તરીકેની પદવી મળી. પ્રથમ પ્રકાશન ન હોવા છતાં, સ્થાનીય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો અને ગુજરાતી ભાષામાં જ ગુજરાતી વ્યાકરણ લખવાનો આ એક પ્રારંભિક પ્રયાસ હતો. [note ૧] [૮] તેમનું કાર્ય વધુ વ્યાપક અને સંપૂર્ણ હતું. બોમ્બે પ્રેસિડેન્સીની શાળાઓમાં તેનો ઉપયોગ થતો હતો અને ૧૯૦૩ સુધી તેની ઘણી આવૃત્તિઓ છપાઈ. પાછળથી કમળાશંકર ત્રિવેદી દ્વારા લખાયેલ ગુજરાતી ભાષાનુ બૃહદ વ્યાકરણ (૧૯૧૯)એ આ પુસ્તકનું સ્થાન લીધું. [૧] [૯]
તેમણે વ્રજલાલ શાસ્ત્રી સાથે મળી, ધાતુસંગ્રહ (૧૮૭૦) નામના ગુજરાતી મૂળના વ્યુત્પત્તિકીય શબ્દકોશનું સંકલન પણ કર્યું. [૧૦] તેમનો સ્તોત્ર સંગ્રહ ધર્મગીતા (૧૮૫૧) અને કાવ્યાર્પણ (૧૮૬૩) આજે પણ સ્થાનિક ચર્ચોમાં લોકપ્રિય છે. તેઓને ગુજરાતી ખ્રિસ્તી કવિતાના પિતા માનવામાં આવે છે અને તેમના ભજનસંગ્રહામાં ૯૦ મૂળ અને ૧૮ ભાષાંતરિત ગીતો છે. તેમાં કેટલાક લોકપ્રિય ગીતો છે જેમ કે પિતા તણે પરાક્રમે (વિથ ધ વિશ એન્ડ માઈટ ઑફ માય હેવનલી ફાધર - મારા સ્વર્ગીય પિતાની ઇચ્છા અને શક્તિ સાથે, સ્તોત્ર નંબર ૨૮૭), મારા પાલક, દેવ છે (ધ લોર્ડ ઇઝ માય શેફર્ડ, સ્તોત્ર નંબર ૧૮). તેમણે ક્રિશ્ચિયન ગોટલોબ બાર્થની ચર્ચ હીસ્ટરીનો ૧૯૬૨માં, અને ૧૮૭૮માં વેસ્ટમિન્સ્ટર શોર્ટર કૅટિચિઝમનો "લઘુ પ્રશ્નોતરાવળી" નામે અનુવાદ કર્યો. વેસ્ટમિન્સ્ટર કન્ફેશન ઑફ ફેઈથ નો અનુવાદ ૧૮૮૮માં તેમના મરણોપરાંત પ્રકાશિત થયો. [૧] [૧૧] તેમણે જ્હોન બુન્યાનના પુસ્તક "ધ હોલી વૉર"નો ગુજરાતીમાં અનુવાદ "શુદ્ધ પ્રયુદ્ધ" નામે શ્રી મણિલાલ સી. શાહ સાથે મળી કર્યો હતો. જેને રેવરન્ડ જે. આઈ. ચૌહાણે સુધારી ફરી "પવિત્ર યુદ્ધ" નામે પ્રકાશિત કર્યો.
૧૮૨૦માં સેરમપોર મિશન પ્રેસ દ્વારા બાઇબલનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિલિયમ કેરેએ તેમાં ફાળો આપ્યો હતો. લંડન મિશનરી સોસાયટીના જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાયવીએ આ કામ ચાલુ રાખ્યું. આ તમામ પ્રાચીન અનુવાદોનું સ્થાન જે. વી. એસ. ટેલરના ૧૮૬૧ નાં "ઓલ્ડ વર્ઝન" અનુવાદે લીધું જે આજે પણ એક પ્રમાણભૂત સંસ્કરણ છે. [૧૨] [૧૩] [૧૪]