દિલ્હીનો સંઘર્ષ | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ નો ભાગ | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
અંગ્રેજ સામ્રાજ્ય ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાનિક અનિયમિત દળો |
ક્રાંતિકારી સિપાહીઓ મુઘલ સામ્રાજ્ય | ||||||
સેનાનાયક | |||||||
આર્ચડેલ વિલ્સન જ્હોન નિકોલસન † |
|||||||
શક્તિ/ક્ષમતા | |||||||
૮,૦૦૦ પાયદળ ૨,૦૦૦ અશ્વદળ ૨,૨૦૦ કાશ્મીર અનિયમિત દળ ૪૨ તોપો ૬૦ ઘેરાની તોપો |
૧૨,૦૦૦ સિપાહી આશરે ૩૦,૦૦૦ અનિયમિત દળ આશરે ૧૦૦ તોપો | ||||||
મૃત્યુ અને હાની | |||||||
૧,૨૫૪ મૃત ૪,૪૯૩ ઘાયલ |
આશરે ૫,૦૦૦ મૃત અથવા ઘાયલ |
દિલ્હીનો ઘેરો એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિની એક નિર્ણાયક લડાઈ હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધની ક્રાંતિ સમગ્ર ઉત્તર ભારતમાં પ્રબળ હતી પણ તેના કેન્દ્રમાં કંપનીની બંગાળ પ્રાંતની (જેમાં ફક્ત બંગાળ નહિ પણ આસામથી પેશાવર સુધીનો પ્રદેશ સમાવિષ્ટ હતો) સેનાના ક્રાંતિકારી સિપાહીઓ હતા. એવા સ્તંભ જેની આસપાસ બળવાને દિશા આપી શકાય તેની શોધમાં સિપાહીઓએ આગલી સદીઓમાં ભારત પર શાશન કરનાર મુઘલ સામ્રાજ્યની સત્તાને પુનઃસ્થાપિત કરવા કોશિષ કરી. કોઈ કેન્દ્રિત દોરવણીના અભાવે ઘણા ક્રાંતિકારીઓ દિલ્હી ખાતે એકઠા થયા.
આમ બે કારણોસર ઘેરો નિર્ણાયક બન્યો. પ્રથમ મોટી સંખ્યામાં ક્રાંતિકારીઓએ અન્ય સ્થળો પર થઈ શકતા ફાયદાના ભોગે એક જ સ્થળનું રક્ષણ કરવા નિર્ણય કર્યો અને જેને કારણે દિલ્હી ખાતેની હારને બહુ મોટો સૈન્ય આઘાત ગણાયો. બીજું અંગ્રેજોએ દિલ્હી પર પુનઃકબ્જો કર્યો અને મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એ સંઘર્ષ ચાલુ રાખવા નકાર કર્યો જેને કારણે ક્રાંતિની રાષ્ટ્રિય ઓળખ નાશ પામી. દિલ્હીના ઘેરા બાદ પણ ક્રાંતિકારીઓના કબ્જામાં મોટા પ્રદેશો હતા પણ તેમની વચ્ચે કોઈ તાલમેલ નહોતો અને અંગ્રેજો તેમને હરાવવામાં સફળ રહ્યા.
ઘણા વર્ષો સુધી સિપાહીઓમાં અસંતોષ વધ્યા બાદ મેરઠ ખાતે સિપાહીઓએ અંગ્રેજો વિરુદ્ધ બળવો પોકાર્યો. તત્કાલીન તણખો નવતર ૧૮૫૩ની એન્ફિલ્ડ રાઇફલ માટેના દારુગોળા અંગે કંપનીના અધિકારીઓના પ્રતિભાવના કારણે સર્જાયો હતો. નવી રાઇફલને ભરવા માટે સિપાહીએ કારતુસને મોઢેથી તોડીને ખોલવી પડતી હતી. એવું માનવામાં આવતું હતું કે રાઇફલ સાથે આપવામાં આવેલા કારતુસના બહારના પડ પર ડુક્કરની ચરબી, જે મુસ્લિમો માટે વર્જ્ય છે અને ગાયની ચરબી, જે હિંદુઓ માટે પ્રતિબંધિત છે, તે લગાવવામાં આવતું હતું
બંગાળ આર્મીમાં અશાંતિની સ્થિતિ વિશે પહેલેથી સારી એવી જાણકારી હતી, છતાં ૨૪ એપ્રિલે ત્રીજી બંગાળ હળવા અશ્વદળના સહાનુભૂતિ ન ધરાવતા કમાન અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જ્યોર્જ કાર્મિકેલ-સ્મિથએ તેમના ૯૦ જવાનોને ગોળીબારનો અભ્યાસ કરવા આદેશ આપ્યો હતો. પાંચ સૈનિકોને બાદ કરતા બાકીના તમામે પોતાના કારતુસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ૯ મેના રોજ બાકીના 85 સૈનિકોને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા અને મોટા ભાગનાને દસ વર્ષની કેદની સજા કરવામાં આવી જેમાં સખત મજૂરીનો સમાવેશ થતો હતો. પ્રમાણમાં યુવાન અગિયાર સૈનિકોને પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. સજા પામેલા લોકોના ગણવેશ ઉતારી લેવાયા હતા અને બેડીઓમાં બાંધવામાં આવ્યા હતા અને બધાની સામે આખી છાવણીની પરેડ કરવામાં આવી હતી. તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે સજા પામેલા કેદીઓએ તેમને ટેકો ન આપવા બદલ પોતાના સાથીદારોની ટીકા કરી હતી. તેના બીજા દિવસે સાંજે ૩જા અશ્વદળ સિવાય ૧૧મી અને ૨૦મી પાયદળ સેનાએ બળવો કર્યો અને તેમના અંગ્રેજ અધિકારીઓ તેમજ નાગરિકોને ઠાર માર્યા.[૧]
મેરઠ ખાતે કંપનીના અધિકારીઓ આ ઘટનાથી આશ્વર્યમાં મૂકાઈ ગયા. અગાઉ બેરહામપુર, બરાકપુર અને અંબાલા ખાતેની અસંતોષની ઘટનાઓને કારણે તેમને સ્થિતિ વિશે અંદાજ હોવા છતાં તેમણે મેરઠ માટે એમ ધાર્યું કે અન્ય સ્થળો કરતાં યુરોપી અને ભારતીય સિપાહીઓની સરાશરી વધારે હોવાથી બળવો નહિ થાય. બળવાની શરુઆતનો દિવસ રવિવાર હતો જે આરામ અને પૂજા કરવાનો ખ્રિસ્તીઓનો દિવસ હતો. કેટલાક ભારતીય સૈનિકોએ ઓફ-ડ્યુટી જુનિયર યુરોપીયન અધિકારીઓ (તે સમયે ઘોડેસવાર દળના લેફ્ટનન્ટ હ્યુજ ગોફ સહિત)ને ચેતવણી આપી હતી કે જેલમાં પૂરાયેલા સૈનિકોને બળપ્રયોગથી છોડાવવાની યોજના છે, પરંતુ જે વરિષ્ઠ અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી તેમણે તેની નોંધ લીધી ન હતી. મેરઠ શહેરમાં પણ અશાંતિ હતી જ્યાં બજારમાં ગુસ્સા સાથે પ્રદર્શનો થયા અને કેટલીક ઇમારતો સળગાવી દેવાઇ હતી. સાંજે, મોટા ભાગના યુરોપીયન અધિકારીઓ દેવળમાં હાજરી આપવા તૈયારી કરી રહ્યા હતા, જ્યારે ઘણા યુરોપીયન સૈનિકોને ફરજ પર રજા હતી અને તેઓ કેન્ટીનમાં અથવા મેરઠની બજારમાં ગયા હતા. ઉનાળાને કારણે દેવળનો સમય અડધો કલાક મોડો તે રવિવારથી કરાયો હતો જેને કારણે કેટલાક અંગ્રેજ સૈનિકો પોતાના આવાસમાં હતા અને તેમને રક્ષણ માટે તુરંત શસ્ત્રસજ્જ કરાયા હતા.[૨]
મેરઠ ખાતે પોતાના આવાસ અને શસ્ત્રાગારોના રક્ષણ સિવાય અંગ્રેજ અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાં અને તેમણે આસપાસના સૈન્ય મથકોને ચેતવ્યા પણ નહિ. તારની સુવિધા કપાઈ ગઈ હતી પણ જો ઘોડેસવાર સંદેશવાહકને રવાના કરાયા હોત તો તેઓ ક્રાંતિકારી સિપાહીઓ પહેલાં દિલ્હી આસાનીથી પહોંચી શક્યા હોત. બીજા દિવસે ૧૧ મે એ જ્યારે અધિકારીઓએ બળવો દાબવા અંગ્રેજ સૈનિકોને તૈયાર કર્યા ત્યારે તેમને જાણ થઈ કે મેરઠ શાંત હતું અને સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરી ગયા હતા.
દિલ્હી મુઘલ સામ્રાજ્યનું પાટનગર હતું અને તેણે પુરોગામી સદી દરમિયાન પોતાનું મહત્ત્વ ગુમાવ્યું હતું. બાદશાહ બહાદુર શાહ ઝફર ૮૨ વર્ષના હતા અને તેમને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જાણ કરી હતી કે તેમની પદવી તેમના મૃત્યુ સાથે ખતમ થશે. તે સમયે દિલ્હી કંપનીના વહીવટનું મોટું કેન્દ્ર નહોતું પણ તેના જ અધિકારીઓ શહેરના ન્યાયાલયો અને આર્થિક મામલાઓ સંભાળતા હતા. તેઓ પરિવાર સહિત શહેરની ઉત્તરે ''સિવિલ લાઇન્સ''માં રહેઠાણ ધરાવતા હતા.
શહેરમાં તે સમયે અંગ્રેજ સૈન્ય અથવા યુરોપી પલટણના કોઈપણ સૈનિકો નિયુક્તિ નહોતા ધરાવતા પણ શહેરથી આશરે ૩ કિમી ઉત્તર પશ્ચિમે બંગાળ સ્થાનિક પાયદળના ૩૮મા, ૫૪મા અને ૭૪મા પલટણના સૈનિકો સૈનિક આવાસમાં રહેત હતા. તેઓ દિલ્હીના કિલ્લામાં ઉત્તરના છેડે આવેલા કાશ્મીરી દરવાજા અને પાસેના ચોકિયાત દરવાજા માટે ચોકિયાતો, કાર્યકર્તા ટુકડીઓ અને અન્ય માનવ જરુરિયાતો પૂરી પાડતા હતા. આ સિવાય શહેરમાં રહેલ શસ્ત્રાગાર અને અન્ય મકાનોને પણ ચોકિયાતો પૂરા પાડતા હતા. સંજોગવસાત ૧૧ મે ના રોજ સવારમાં કવાયત દરમિયાન અધિકારીઓએ બરાકપુર ખાતે બળવાની કોશિષ કરનાર સિપાહી મંગળ પાંડેને અપાયેલ મૃત્યુદંડ અને ૩૪મી બંગાળ સ્થાનિક પાયદળ ને વિખેરી નાખવાની કાર્યવાહી વિશેની જાણકારી આપતો હુકમ વાંચ્યો. તેને કારણે સિપાહીઓમાં મોટાપાયે ચર્ચા થઈ.[૨]
તેના થોડા જ કલાકો બાદ મેરઠ ખાતેના ક્રાંતિકારી સિપાહીઓ અણધાર્યા યમુના નદી ઓળંગી દિલ્હી ખાતે પહોંચ્યા. ત્રીજી અશ્વદળની પ્રથમ ટુકડી દિલ્હી પહોંચી હતી. મહેલમાં બાદશાહના આવાસની બારીમાંથી તેમણે તેમને બોલાવ્યા અને નેતાગીરી સ્વીકારવા જણાવ્યું. બહાદુરશાહે આ સમયે કંઇ ન કર્યું (તેમણે સૈનિકોને સામાન્ય અરજદારો તરીકે ગણ્યા), પરંતુ મહેલમાં રહેલા અન્ય લોકો તરત બળવામાં સામેલ થયા હતા. ત્યારબાદ કંપનીના અધિકારીઓએ શહેરના દરવાજા બંધ કરવા પ્રયાસ કર્યો પણ તેઓ ઘણા મોડા હતા અને ક્રાંતિકારી સિપાહીઓ રાજઘાટ દરવાજાથી અંદર પ્રવેશી ચૂક્યા હતા. તેઓના પ્રવેશ બદ લોકોનું ટોળું તેમની સાથે જોડાયું અને કંપનીના અધિકારીઓ પર હુમલા કરવાની શરુઆત કરી. દિવસ દરમિયાન બળવો ફેલાયો હતો.[૩]
કેટલાક અંગ્રેજ અધિકારીઓ અને નાગરિકોએ મુખ્ય ચોકિયાત દરવાજામાં શરણ લીધી પણ ત્યાં રહેલ સિપાહીઓએ પણ બળવો પોકાર્યો અને તેમને ઠાર માર્યા. સૈનિક આવાસ ખાતેથી કેટલાક અધિકારીઓ સિપાહીઓનું સૈન્ય જે બળવામાં નહોતા જોડાયા અને બે તોપો લઈ આવ્યા અને મુખ્ય ચોકિયાત દરવાજા પર કબ્જો કર્યો. તે દરમિયાનમાં શહેરમાં જ્યોર્જ વિલોબીના નેતૃત્વ હેઠળ દારુગોળાનો ભંડાર ધરાવતા શસ્ત્રાગારનું રક્ષણ કરી રહ્યા હતા. તેમના સિપાહીઓ અને મજૂરોએ પોતાના ફરજનું સ્થળ છોડી ભાગવા પ્રયાસ કરતાં અંગ્રેજ અધિકારીઓએ પોતાના જ સિપાહીઓ પર ગોળીબાર કર્યો. પાંચ કલાકની લડાઈ બાદ તેમણે પોતે જ શસ્ત્રાગારનો નાશ કર્યો જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને આસપાસના મકાનોને નુક્શાન થયું. માત્ર ત્રણ જ અંગ્રેજો જીવિત બચ્યા.[૪]
ટૂંક સમય બાદ મુખ્ય ચોકિયાત દરવાજા પરના સિપાહીઓને પીછેહઠ કરવા આદેશ અપાયો જેમણે બળવો નહોતો કર્યો. આ આદેશ મળતાં તેમણે પણ બળવો કર્યો અને અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો જેમાંથી થોડા જીવિત બચી નીકળવામાં સફળ રહ્યા.[૨]
ભાગવામાં સફળ થયેલા યુરોપીયન અધિકારીઓ અને નાગરિકો દિલ્હીની ઉત્તરમાં ફ્લેગસ્ટાફ મિનારમાં એકત્ર થયા હતા, જ્યાંથી ટેલિગ્રાફ ઓપરેટરો ઘટનાઓના સમાચાર અન્ય અંગ્રેજ મથકો પર મોકલવા કોશિષ કરી રહ્યા હતા. મેરઠથી જે મદદની અપેક્ષા હતી તે નહીં આવે તે સ્પષ્ટ થઇ ગયા બાદ તેઓ ઘોડાગાડીઓમાં બેસીને કરનાલ જવા રવાના થયા. જેઓ મુખ્ય ભાગથી અલગ થઇ ગયા અથવા મિનાર પહોંચી શક્યા ન હતા તેઓ પણ પગપાળા કરનાલ જવા રવાના થયા.[૩] કેટલાકને રસ્તામાં ગામવાસીઓએ મદદ કરી હતી, અન્યોને લૂંટી લેવાયા હતા અથવા હત્યા કરવામાં આવી હતી.
૧૨ મે ના રોજ ઘણા વર્ષો બાદ બહાદુર શાહે પ્રથમ વખત દરબાર ભર્યો. તેમાં ઘણા સિપાહીઓએ ભાગ લીધો.[૩] બહાદુર શાહે અવ્યવસ્થા અને લૂંટની ઘટનાઓ વિરુદ્ધ અણગમો વ્યક્ત કર્યો પણ તેમણે ક્રાંતિ માટે ટેકાની જાહેરાત કરી. ૧૬ મે ના રોજ સિપાહીઓ અને મહેલના સેવકોએ બંદી બનાવેલ ૫૨ અંગ્રેજોની બહાદુર શાહના વિરોધ છતાં હત્યા કરી. હત્યાઓ મહેલની સામે રહેલા પીપળાના વૃક્ષ હેઠળ કરવામાં આવી. હત્યા પાછળનો ઉદ્દેશ એ હતો કે બહાદુર શાહને તેમના માટે જવાબદાર ગણાવવામાં આવે જેથી તેઓ કંપની સાથે વાટાઘાટ કરી સમજૂતી ન કરી શકે.[૩]
શહેરનો વહીવટ અને તેનું સૈન્ય અવ્યવસ્થાથી ગ્રસ્ત હતું પણ તે કાર્ય કરતું રહ્યું. બાદશાહે તેમના પુત્ર મિરઝા મુઘલને સેનાધ્યક્ષ તરીકે નીમ્યા પણ તેમને કોઈ સૈન્ય અનુભવ નહોતો અને તેમના માટે સિપાહીઓમાં સન્માનની લાગણી નહોતી. વધુમાં સિપાહીઓમાં પણ કોઈ એક વડા માટે સહમતી નહોતી અને વિવિધ પલટણોના સિપાહીઓ પોતાની પલટણના ઉપરીનો આદેશ માનતા હતા. જોકે મિરઝા મુઘલે નાગરિક વહીવટને સુવ્યવસ્થિત કરવા પ્રયાસ કર્યો પણ તેમની આણ શહેર પૂરતી સિમીત હતી. પ્રવાસીઓ પર ગુર્જરોએ પોતાનો કર વસૂલવાની શરુઆત કરી અને શહેરમાં ખાધાખોરાકી અછત સર્જાવા લાગી.[૩]
મેરઠ ખાતેના બળવા અને ક્રાંતિકારોના દિલ્હી પરના કબ્જાના સમાચાર સમગ્ર દેશમાં ફેલાઈ ગયા અને તેને કારણે અન્ય સ્થળોએ પણ ક્રાંતિની શરુઆત થઈ. જોકે કંપનીને તારની સુવિધાને કારણે દિલ્હીની ઘટનાઓની જાણકારી બહુ પહેલાં મળી ચૂકી હતી.
સિમલા અને આસપાસના વિસ્તારમાં કંપની પાસે સંખ્યાબંધ તેમને વફાદાર પલટણો હોવા છતાં પરિવહન અને પુરવઠાના અભાવે તેઓ દિલ્હી પર પુનઃકબ્જો કરવાની કાર્યવાહીમાં ધીમા રહ્યા. આર્થિક કારણોને ધ્યાનમાં લેતાં બીજું આંગ્લ-શીખ યુદ્ધ બાદ પરિવહન પલટણોને વિખેરી નાખવામાં આવી હતી. વધુમાં, ઘણા અંગ્રેજ અધિકારીઓ વયસ્ક હતા અને તેથી તેઓ કાર્યવાહી કરવામાં ધીમા અને નિર્ણય લેવાની ક્ષમતામાં નબળા હતા.
ભારતમાં હાજર યુરોપીયન દળોને સંગઠિત કરીને ગોઠવવામાં સમય લાગ્યો હતો. પરંતુ અંતે બે ટુકડીઓ મેરઠ અને સિમલા માટે રવાના થઈ હતી. તેઓ દિલ્હી તરફ ધીમી ગતિએ આગળ વધી હતી અને રસ્તામાં તે ભારતીયો સામે લડી, હત્યાઓ કરી અને અસંખ્ય લોકોને ફાંસીએ ચઢાવી દીધા હતા.[૫] મેરઠમાં પ્રથમ બળવો ફાટી નીકળ્યાના બે મહિના પછી આ બે દળો કરનાલ પાસે ભેગી થઈ. મેરઠના સૈન્યની કમાન બ્રિગેડિયર આર્ચડેલ વિલ્સન હસ્તક હતી જેઓ ક્રાંતિકારી સિપાહીઓને મેરઠથી દિલ્હી આવતાં રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તે દરમિયાન અંગ્રેજ સેનાધ્યક્ષ જનરલ જ્યોર્જ એનસન કોલેરાને કારણે કરનાલ ખાતે ૨૭ મે ના રોજ મૃત્યુ પામ્યા અને મેજર જનરલ હેન્રી બર્નાર્ડ પર દિલ્હી તરફ કૂચ કરવા જવાબદારી આવી.
૮ જૂનના રોજ ક્રાંતિકારી સિપાહીઓએ શહેરની બહાર રક્ષણાત્મક હરોળમાં ગોઠવણી કરી હતી. તેમણે મોટા પણ અવ્યવસ્થિત સૈન્ય વિરુદ્ધ બદલી-કે-સેરાઇ ખાતે બળવાખોરોની સામે લડાઈ કરી અને તેમને પાછા દિલ્હી ધકેલ્યા.[૫] અંગ્રેજોએ બદલાની ભાવના રાખી દિલ્હીની ઉત્તર પશ્ચિમે રહેલ સૈનિક આવાસોને સળગાવી દીધા. આ કાર્યવાહી ભૂલભરેલી હતી કેમ કે તેને કારણે ઘેરો ઘાલનાર સિપાહીઓ અને ઘાયલોને ઉનાળુ હવામાન અને બાદમાં ચોમાસા દરમિયાન તંબુઓમાં રહેવા ફરજ પડી.
કાબુલ દરવાજાથી આશરે એક કિમી દૂર જ એક ટેકરાની શરુઆત થતી હતી જે ૬૦ ફિટ ઉંચો હતો અને યમુના નદીથી આશરે ૫ કિમી દૂર હતો. યમુનાથી પશ્ચિમમાં એક નહેર કાઢેલી હતી જેના કિનારે હુમલો કરનાર સૈન્યએ પડાવ નાંખ્યો અને તેમને ટેકરા તથા નહેરનું રક્ષણ મળ્યું. વધુમાં, નહેર દ્વારા પીવા માટે તાજું પાણી પણ મળી રહ્યું. શહેરની સૌથી નજીક અને ખુલ્લો વિસ્તાર હતો તે ''હિંદુ રાવના ઘર'' તરીકે જાણીતો હતો જેનું રક્ષણ સિરમુર પલટણના ગુરખા સૈનિકો કરી રહ્યા હતા. તેની દક્ષિણે સંખ્યાબંધ ગામડાં અને દીવાલબંધ બગીચા હતા જે વિસ્તાર સબ્ઝી મંડી તરીકે ઓળખાતો હતો. તે સ્થળ પર ક્રાંતિકારીઓ એકઠા થઈ અને અંગ્રેજો પર જમણી તરફથી હુમલો કરી શકે તેમ હતા.
તે વાત તુરંત જ સ્પષ્ટ થઈ ગઈ કે ઓચિંતા આશ્ચર્યચકિત કરનાર હુમલા વડે દિલ્હી પર કબ્જો કરવો શક્ય નથી કેમ કે તેનું રક્ષાત્મક કવચ ખાસ્સું એવું મજબુત છે. જૂન ૧૩ ના રોજ સવારમાં બર્નાર્ડએ હુમલા માટે આદેશ આપ્યા પણ તે અસ્પષ્ટ હતા અને મોટા ભાગના અધિકારીઓને સમયસર પહોંચવામાં નિષ્ફળ ગયા. અનેક આરોપ પ્રતિઆરોપ વચ્ચે હુમલો રદ કરવો પડ્યો. ત્યારબાદ એ નક્કી થયું કે સીધા હુમલા દ્વારા શહેર પર કબ્જો કરવો અશક્ય હતો.
તે દરમિયાન દિલ્હી તરફ ક્રાંતિકારી સિપાહીઓ અને સ્વયંસેવકો કૂચ કરતા આવતા રહ્યા.[૬] બંગાળ આર્મીની ૭૫ નિયમિત સ્થાનિક પાયદળ રેજિમેન્ટમાંથી ૫૪એ બળવો કર્યો હતો જોકે કેટલીકને તાત્કાલિક વિખેરી નાખવામાં આવી હતી અથવા તેના સિપાહીઓ પોતાના ઘરે જતા રહેતા તે તૂટી ગઇ હતી. બાકીની ૨૧ રેજિમેન્ટમાં બળવો ન થાય તે માટે તેમાંથી ઘણી રેજિમેન્ટને નિઃશસ્ત્ર કરવામાં આવી હતી અથવા વિખેરી નાખવામાં આવી હતી. બંગાળ અશ્વદળની તમામ દશ રેજિમેન્ટે બળવો કર્યો હતો. આમ, મોટી સંખ્યામાં સિપાહીઓ અને મુખ્યત્ત્વે મુસ્લિમ ધર્મયોદ્ધાઓ દિલ્હી આવી રહ્યા હતા. તેમની સંખ્યા વધતાં તેમણે ચોકીઓ પર હુમલા કરવાની શરુઆત કરી જેમાં એક મોટો હુમલો ત્રણ દિશામાંથી ૧૯ જૂનના રોજ હિંદુ રાવના ઘર પર કરવામાં આવ્યો. તેમાં અંગ્રેજો વિરુદ્ધ સફળતાના આરે પહોંચવા છતાં તેઓએ હુમલો રોકી દીધો.[૩] ૨૩ જૂનના રોજ પ્લાસીની લડાઈના ૧૦૦મી વર્ષીએ મોટો હુમલો કર્યો કેમ કે તે દિવસે કંપનીની હાર થવાની ભવિષ્યવાણી સમગ્ર ભારતમાં પ્રચલિત હતી.
આ હુમલાઓને સફળતાપૂર્વક ખાળવા છતાં અંગ્રેજો થાક અને રોગચાળાને કારણે નબળા પડી ગયા હતા. પરિસ્થિતિ અત્યંત અણગમો પ્રેરનાર અને બિનસ્વાસ્થ્યપ્રદ હતી.[૫] જનરલ બર્નાર્ડ ૫ જુલાઈના રોજ કોલેરાને કારણે મૃત્યુ પામ્યા અને તેમના અનુગામી રીડ પણ તેનો જ શિકાર બન્યા. અંતે કમાન આર્ચડેલ વિલ્સનના હાથમાં આવી જેમને મેજર જનરલની બઢતી આપવામાં આવી. તેમણે છાવણીનો વહીવટ સુધારવા, મૃતદેહો અને અન્ય નિકાલની ચીજોને દફનાવવા તેમજ ચોકિયાત ટુકડીઓ વધુ સુદૃઢ કરવા પ્રયાસ કર્યો પણ તેઓ પોતે કમાન સંભાળવા સક્ષમ નહોતા. તેમણે લખેલ દરેક પત્રમાં તેઓ પોતાના થાક અને સહાયતાની ફરિયાદ કરતા. એક યુવા અધિકારી બ્રિગેડિયર નેવિલ ચેમ્બરલેન જે સક્ષમ નેતૃત્વ કરી શક્યા હોત તેઓ ૧૪ જુલાઈના રોજ એક ચોકિયાત હુમલા દરમિયાન ગંભીર રીતે જખ્મી થયા.
બહાદુર શાહના પુત્ર મિરઝા મુઘલ અને પ્રપૌત્ર મિરઝા અબુ બકરની સૈન્ય નિષ્ફળતાને કારણે દિલ્હીમાં મનોબળ નબળું પડ્યું હતું. કંપની સૈન્યના વરિષ્ઠ તોપચી અધિકારી બખ્ત ખાનના નેતૃત્વ હેઠળ બરેલી ખાતેથી મોટી સંખ્યામાં સિપાહીઓ સહાય માટે આવ્યા હતા. તેમણે લાવેલ ખજાનાથી ખુશ થઈ બહાદુર શાહે બખ્ત ખાનને સેનાધ્યક્ષ બનાવ્યા. બખ્ત ખાન શહેરના અર્થતંત્રને સુધારવામાં સફળ થયા અને ક્રાંતિકારી સિપાહીઓને વધુ પ્રયત્ન કરવા ઉત્સાહિત કર્યા. બહાદુર શાહ જોકે નિરાશામાં ઉતરી રહ્યા હતા અને તેમણે અન્ય ક્રાંતિકારી નેતાઓની સહાયની અપીલને નકારી.[૨]
પંજાબ જેને અંગ્રેજોએ ટૂંક સમય પહેલાં જ કબ્જે કર્યું હતું ત્યાં બંગાળ પાયદળ પલટણોને તુરંત જ નિઃશસ્ત્ર કરાયા હતા અને જેમણે બળવો કર્યો તેમને તુરંત દબાવી દેવાયા. વધુમાં તેઓને પંજાબ અનિયમિત દળો સાથે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના સૈનિકો શીખ અને પખ્તુન હતા જેમને બંગાળ પાયદળના સિપાહીઓ સાથે સાંસ્કૃતિક સમાનતા નહોતી.
પંજાબમાં સ્થિતિ સુધરતાં ત્યાંની પલટણોને દિલ્હીના ઘેરામાં સહાય કરવા રવાના કરવામાં આવી. સૌપ્રથમ ગાઇડ કોરના સૈનિકો હતા જેમણે સેંકડો કિમીની પગપાળા સફર ઉનાળા દરમિયાન કરી અને દિલ્હી પહોંચ્યા. વધુમાં તે રમઝાન મહિના દરમિયાન કરાઈ હતી જેમાં મુસ્લિમ સૈનિકો દિવસ દરમિયાન ભૂખ્યા અને તરસ્યા રહેતા હતા. તેમ છતાં તેઓએ આવતાંવેત લડાઈમાં ભાગ લીધો.
વધુમાં પંજાબથી ''ફ્લાઇંગ કોલમ'' નામે ૪,૨૦૦ સૈનિકોને બ્રિગેડિયર જ્હોન નિકોલસનના નેતૃત્વ હેઠળ રવાના કરવામાં આવી. આ બાબતની ક્રાંતિકારીઓને જાણ થતાં તેમણે તેને વચ્ચે જ આંતરવા એક સૈન્ય રવાના કર્યું. ૨૫ ઓગષ્ટના રોજ તેમની વચ્ચે નજફગઢની લડાઈ લડવામાં આવી. તેના અંતે અંગ્રેજો વિજયી નીવડ્યા.
સપ્ટેમ્બરની શરુઆતે છ ૨૪ પાઉન્ડ વાળી, આઠ ૧૮ પાઉન્ડ વાળી, છ આઠ ઇન્ચ વાળી અને ચાર ૧૦ ઇન્ચ વાળી તોપો અને ૬૦૦ ગાડાં ભરીને દારુગોળો પંજાબથી આવી પહોંચ્યો.[૫] ૮ સપ્ટેમ્બરે વધુ ચાર તોપો આવી.[૭]
વિલ્સનના વડા ઇજનેર રિચાર્ડ સ્મિથે શહેરની દિવાલમાં છીડું પાડી અને હુમલો કરવા માટે યોજના બનાવી. વિલ્સન કોઈ પ્રકારનું જોખમ લેવા નહોતા માગતા પણ નિકોલસને પ્રોત્સાહિત કરતાં સ્મિથની યોજના મંજૂર કરવામાં આવી. અંગ્રેજ અધિકારીઓમાં છૂપી ચર્ચા થઈ સહમતી થઈ હતી કે જો યોજના માટે મંજૂરી ન મળે તો વિલ્સનને હટાવી નિકોલસનને કમાન સોંપવી.
પ્રાથમિક પગલાં તરીકે ૬ સપ્ટેમ્બરના રોજ છ તોપોની ''બેટરી'' બનાવાઈ જેને મોરી બુરજ પર રહેલ ક્રાંતિકારીઓની તોપોને શાંત કરવા જવાબદારી સોંપાઈ. તેના દ્વારા પૂરા પડાતા રક્ષણ વચ્ચે ચાર તોપોએ કાશ્મીર ગઢ પરની તોપો સામે ગોલંદાજીની શરુઆત કરી. વધુ સાત તોપોએ મોરી ગઢ પર તોપમારો કર્યો. આ તમામ તોપો પૂર્વમાંથી ગોલંદાજી કરી રહેલ હોવાથી ક્રાંતિકારીઓને ગેરસમજ થઈ કે અંગ્રેજો ઉત્તરને બદલે પૂર્વમાંથી હુમલો કરશે.[૭]
૧૦ સપ્ટેમ્બરના રોજ ''લડલો કિલ્લા'' આસપાસના વિસ્તારમાં ગોઠવી અને કુલ ૧૮ તોપોએ કાશ્મીરી ગઢ પર તોપોમારો શરુ કર્યો. યમુના પાસેના વિસ્તારમાં છ તોપો અને બાર મોર્ટાર તોપોએ પાણી ગઢ પર તોપમારો કર્યો. ચોથી તોપચી ટુકડીએ ખુદસિઆ બાગ ખાતેથી તોપમારાની શરુઆત કરી. પ્રથમ તોપચી ટુકડી સિવાયની ટુકડીઓ ગોઠવાતી વખતે આશ્વર્યનો લાભ તેમણે ગુમાવ્યો હતો. ગોઠવણીનું તમામ કાર્ય ભારતીય તોપચીઓએ કર્યું હતું અને તેમાં તેમણે ૩૦૦ સૈનિકો ગુમાવ્યા હતા. પણ ૫૦ તોપોએ દિવસ રાત ગોલંદાજી કરી અને દિવાલોમાં ગાબડાં પાડવાની શરુઆત કરી.[૫]
ઘેરાના આ તબક્કા દરમિયાન જ ક્રાંતિકારી સિપાહીઓએ દારુગોળાની અછત સર્જાઈ હોય અને તે કારણે તેમની ગોલંદાજીએ અસરકારકતા ગુમાવી. વિલિયમ હડસન દ્વારા મોકલાયેલા જાસુસોએ ક્રાંતિકારીઓમાં હતાસાનો માહોલ ઉભી કરતી અફવાઓ પણ આ સમયે ફેલાઈ હતી.
૧૪ સપ્ટેમ્બરના રોજ સવારમાં ત્રણ વાગ્યાનો સમય હુમલા માટે નક્કી કરવામાં આવ્યો. સપ્ટેમ્બર ૧૩ની રાત્રિમાં જ હુમલો કરનાર ટૂકડીઓ નિશ્વિત સ્થળ પર નિયુક્ત થઈ ગઈ. તત્કાલીન ગૌણ અધિકારી અને ભવિષ્યના ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટસ્ એ તેમના સૈન્યના બંધારણી નોંધ આ પ્રમાણે કરી.
૧લી ટુકડી- બ્રિગેડિયર નિકોલસન
૭૫મી પાયદળ - ૩૦૦
૧ બંગાળ ફ્યુઝિલર્સ - ૨૫૦
૨ પંજાબ પાયદળ - ૪૫૦
કુલ- ૧,૦૦૦
૨જી ટુકડી- બ્રિગેડિયર જોન્સ
૮મી પાયદળ - ૨૫૦
૨ બંગાળ ફ્યુઝિલર્સ - ૨૫૦
૪થી શીખ - ૩૫૦
કુલ- ૮૫૦
૩જી ટુકડી - કર્નલ કેમ્પબેલ
૫૨મી પાયદળ - ૨૦૦
કુમાઉં પલટણ (ગુરખા) - ૨૫૦
૧ પંજાબ પાયદળ - ૫૦૦
કુલ- ૯૫૦
૪થી ટુકડી- મેજર રીડ
સિરમુર પલટણ (ગુરખા)
ગાઇડસ્ પાયદળ
અન્ય ચોકિયાતો
કુલ - ૮૫૦
તે સિવાય કાશ્મીરની ટુકડી અનામત - ૧૦૦૦
૫મી ટુકડી- બ્રિગેડિયર લોંગફિલ્ડ
૬૧મી પાયદળ - ૨૫૦
૪થી પંજાબ પાયદળ - ૪૫૦
બલુચ પલટણ (ફક્ત એક ભાગ) - ૩૦૦
કુલ- ૧૦૦૦
૬૦મી રાઇફલની ટુકડી જેમાં ૨૦૦ સૈનિકો હતા તેઓ દરેક ટુકડીની આગળ હતા. દરેક ટુકડી સાથે ઇજનેરો જોડાયેલા હતા.[૫]
વધુમાં જેમ્સ હોપ ગ્રાન્ટના વડપણ હેઠળ અશ્વદળ સૈન્ય અનામતમાં હતું જેમાં:
પ્રથમ ત્રણ ટુકડીઓ ખુદસિઆ બાગ ખાતે એકઠી થઈ. તે મુઘલ બાદશાહોનું ભૂતકાળનું ઉનાળુ રહેઠાણ હતું. તે દિવાલની ઉત્તરે અડધો કિમી દૂર હતું. ચોથી ટુકડીએ કાબુલ દરવાજા પાસે ગોઠવણી કરી તેણે અન્ય ટુકડીઓ શહેરમાં પહોંચી અંદરથી દ્વાર ખોલે ત્યારબાદ જ હુમલો કરવાનો હતો. પાંચમી ટુકડીને પણ અનામત સાથે રાખવામાં આવી.
હુમલો વહેલી સવારમાં કરવાનો હતો પણ રક્ષણકર્તા ક્રાંતિકારીઓએ રાત્રિ દરમિયાન દિવાલમાં પડેલ કેટલાક ગાબડાંને રેતીની ગુણીઓ ગોઠવીને સમારી લીધાં હતાં. આથી વધુ તોપમારાની જરુર પડી. અંતે નિકોલસન તરફથી આદેશ મળતાં હુમલાખોરો આગળ વધ્યા. પ્રથમ ટુકડીએ કાશ્મીરી ગઢમાં ગાબડા વાટે અને બીજી ટુકડીએ યમુના તરફના પાણી ગઢમાં ગાબડા વાટે પ્રવેશ કર્યો પણ તેમને બહુ મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમની મોટાભાગની સીડીઓ ભાંગી ગઈ.[૫]
ત્રીજી ટૂકડીએ કાશ્મીરી દરવાજા પર હુમલો કર્યો. બે અંગ્રેજ અધિકારીઓએ અંગ્રેજ અને ભારતીય સૈનિકોની નાની ટુકડી લઈ અને આત્મઘાતી હુમલો કર્યો. તેમાં તેમણે ચાર દારુગોળાના પીપ દરવાજા પાસે ગોઠવી દીધા. તેની ચિનગારી ચાંપવામાં ટુકડીના મોટાભાગના સભ્યો માર્યા ગયા અથવા ઘાયલ થયા. પણ તે વિસ્ફોટમાં દરવાજો આંશિક રીતે નાશ પામ્યો. આ જગ્યામાંથી ત્રીજી ટુકડી હુમલો કરવા ધસી ગઈ.[૫]
તે દરમિયાનમાં ચોથી ટુકડીને કાબુલ દરવાજાની બહાર કિશનગંજ ખાતે ક્રાંતિકારી સિપાહીઓનું સૈન્ય સામે આવ્યું. તેઓ હુમલો કરે તે પહેલાં જ અંગ્રેજ ટુકડીમાં અંધાધૂંધી સર્જાઈ. ટુકડીનું નેતૃત્વ કરી રહેલ મેજર રીડ ગંભીર રીતે જખ્મી થયા અને તે ટૂકડી પીછેહઠ કરી ગઈ. ક્રાંતિકારીઓએ તેમનો પીછો કર્યો અને ચાર તોપો કબ્જે કરી અને અંગ્રેજ છાવણી પર હુમલો કરવા તૈયારી કરી. તેમને હિંદુ રાવના ઘર પાસે સ્થિત અંગ્રેજ તોપચીઓએ લડત આપી અને બાદમાં રીડના સ્થાને ગ્રાન્ટના અશ્વદળને ગોઠવવામાં આવ્યું. તેમના પર પણ ક્રાંતિકારીઓએ ગોલંદાજી કરી તેમાં મોટી ખુવારી થઈ પણ પાયદળના આગમન સુધી ગ્રાન્ટનું સૈન્ય ટકી રહ્યું.
મોટા આઘાતો છતાં નિકોલસન હુમલો ચાલુ રાખવા દૃઢ હતા. તેમણે બર્ન ગઢ કબ્જે કરવા સાંકડી શેરીમાં એક ટુકડી સાથે રાખી હુમલો કર્યો. તેની આસપાસ ઉંચા સ્થળો પર ક્રાંતિકારીઓ ગોઠવાયેલ હતા અને તેમણે ગોલંદાજીની શરુઆત કરી. બે ધસારા મોટી ખુવારી સાથે નિષ્ફળ રહ્યા ત્યારે ત્રીજાનું નેતૃત્વ નિકોલસને પોતે લીધું અને તેમાં તેઓ મરણતોલ જખ્મી થયા.
હંગામી પીછેહઠ કરી અંગ્રેજો સેંટ જેમ્સના દેવળ પાસે એકઠા થયા જે કાશ્મીર ગઢની દિવાલની અંદર જ હતું. તેમણે ૧,૧૭૦ સૈનિકો ગુમાવ્યા હતા. આર્ચડેલ વિલ્સને આયોજનબદ્ધ પીછેહઠ કરવા નિર્ધાર કર્યો પણ આ આદેશ સાંભળી મરણ પથારી પર રહેલ નિકોલસને તેમને ઠાર મારવા ધમકી આપી. થોડી ચર્ચા બાદ સ્મિથ, ચેમ્બરલેન અને અન્ય અધિકારી વિલ્સનને હુમલો ચાલુ રાખવા મનાવવામાં સફળ રહ્યા.
અંગ્રેજ સૈન્ય અસ્તવ્યસ્ત બન્યું હતું. ઘણા અંગ્રેજ અધિકારીઓ મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા હતા અને તેમના પલટણના સૈનિકો અસમંજસમાં હતા. અંગ્રેજોએ કબ્જે કરેલ વિસ્તારમાં દારુના પીઠા પણ સામેલ હતા અને ઘણા સૈનિકો દારુના નશામાં કોઈ કાર્યવાહી માટે બે દિવસ સુધી અક્ષમ રહ્યા. બીજી તરફ ક્રાંતિકારીઓને અંગ્રેજો શહેરમાં પ્રવેશી શક્યા તે બાબતની હતાસા હતી અને ખાધાખોરાકીની અછત હતી. મુસ્લિમ ધર્મયોદ્ધાઓ પોતાના વિસ્તારના મકાનોનું રક્ષણ કરવામાં સફળ રહ્યા હતા પણ તેઓ આયોજનબદ્ધ વળતો હુમલો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
વિલ્સને અંતે તમામ દારુનો નાશ કરવા આદેશ કર્યો અને શિસ્ત ફરી લાગુ થઈ. ધીમે ધીમે અંગ્રેજ સૈન્યએ ક્રાંતિકારીઓ પાસેથી શહેરને પુનઃકબ્જામાં લેવાની શરુઆત કરી. તેમણે શસ્ત્રાગાર ૧૬ સપ્ટેમ્બરના રોજ કબ્જે કર્યું. અંગ્રેજ સૈન્યએ બહાદુર શાહનો મહેલ અને જામા મસ્જિદ પર ૧૮ સપ્ટેમ્બરના રોજ કબ્જો કર્યો. તેમણે સલિમગઢના કિલ્લા અને આસપાસના પુલ પર પણ કબ્જો કર્યો. મોટાભાગના ક્રાંતિકારી સિપાહીઓએ શહેરના તમામ દરવાજા પર અંગ્રેજોનો કબ્જો થાય તે પહેલાં શહેર છોડવાનું મુનાસીબ માન્યું.
૨૧ સપ્ટેમ્બરના રોજ દિલ્હી પર કબ્જો જાહેર કરવામાં આવ્યો અને નિકોલસનનું બીજે દિવસે મૃત્યુ થયું.
અંગ્રેજ પક્ષે કુલ ૧,૨૫૪ મૃત, ૪,૪૯૩ ઘાયલ અને ૩૦ ગુમ થયા હતા. મરનાર અથવા ઘાયલ થનાર ક્રાંતિકારીઓનો ચોક્કસ આંકડો નક્કી કરવો અશક્ય છે પણ બિનસત્તાવાર આંક ૫,૦૦૦ મૃત્યુ અથવા ઘાયલ ક્રાંતિકારી જેટલો ગણવામાં આવે છે.
નાગરિકોના મૃત્યુ વિશે પણ કોઈ સત્તાવાર આંકડો નક્કી ન કરી શકાયો. લડાઈ બાદ ઘણા નાગરિકોને શહેર છોડવા ફરજ પાડવામાં આવી કેમ કે વિસ્તારમાં વ્યવસ્થા ન સર્જાય ત્યાં સુધી તેમને ખાધાખોરાકી પૂરી પાડવા કોઈ વ્યવસ્થા નહોતી. લડાઈના અંત બાદ ચાર દિવસ સુધી ઘેરો ઘાલનારી ફોજના સૈનિકોએ શહેરમાં લૂંટફાટ શરૂ કરી હતી. બળવાખોર સિપાહીઓ દ્વારા માર્યા ગયેલા યુરોપીયન અને ભારતીય નાગરિકોના મોતનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકોને મારી નાખવામાં આવ્યા હતા. શેરીની લડાઇ દરમિયાન શહેરની મુખ્ય મસ્જિદમાં આર્ટિલરી ગોઠવવામાં આવી હતી અને આસપાસના વિસ્તાર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. તેમાં સમગ્રા ભારતમાંથી આવેલા મુસ્લિમ ઉમરાવવર્ગના મકાનો તથા મોટી સંખ્યામાં સાંસ્કૃતિક, કળા, સાહિત્ય અને નાણાકીય સમૃદ્ધિનો ભોગ લેવાયો હતો.
અંગ્રેજો કોઈને પણ બંદી બનાવવાના મતના નહોતા અને બળવામાં ભાગ લેવાની આશંકાના આધારે તેમણે સેંકડો શંકાસ્પદ ક્રાંતિકારીઓ અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવનાર લોકોને ફાંસી આપી જેમાં કોઈ ન્યાયિક ખટલો ન ચલાવાયો.
બહાદુર શાહ ઝફર પહેલેથી નાસીને સહપરિવાર હુમાયુનો મકબરોએ પહોંચ્યા હતા. તેમને બખ્ત ખાન સાથે જોડાઈ વધુ ક્રાંતિકારીઓને એકઠા કરવા જવા માટે સલાહ આપવામાં આવી પણ ઝફરે એમ ઘાર્યું કે અંગ્રેજો ફક્ત સિપાહીઓ વિરુદ્ધ બદલો લઈ રહ્યા છે અને તેમને કોઈ હાનિ નહિ પહોંચે. અંગ્રેજોએ તરત બહાદુર શાહની ધરપકડ કરી અને બીજા દિવસે બ્રિટિશ ઓફિસર વિલિયમ હડસને દિલ્હી દરવાજા નજીક ખૂની દરવાજા (લોહીયાળ દરવાજો) ખાતે ટોળાં એ કેદીઓને છોડાવવા પ્રયાસ કર્યો તે બહાના હેઠળ તેમના પુત્રો મિર્ઝા મુઘલ, મિર્ઝા ખિઝર સુલ્તાન અને પૌત્ર મિર્ઝા અબુ બકરને ઠાર માર્યા હતા. આ સમાચાર સાંભળીને ઝફરે આઘાતમાં મૌન થઇને પ્રત્યાઘાત આપ્યો. તેમના માથાં બહાદુર શાહને આપવામાં આવ્યા.[૩]
ભારતીય પાટનગર પર ક્બ્જો કરી અને અંગ્રેજોએ ભારતીય ક્રાંતિકારીઓના મનોબળ પર મોટો આઘાત કર્યો. દિલ્હીના પતન બાદ તરત હુમલાખોર વિજેતાઓએ એક ટુકડીની રચના કરી હતી જેણે આગ્રામાં ઘેરાયેલી અન્ય એક કંપનીની ફોજને મુક્ત કરાવી હતી અને ત્યાંથી કાનપુર રવાના થઈ હતી જેને તાજેતરમાં જ પુનઃકબ્જામાં લેવાયું હતું.
|archive-date=
(મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref>
ટેગ; નામ "AHAmin" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે