દીલીપ સંઘવી | |
---|---|
![]() | |
જન્મની વિગત | |
શિક્ષણ સંસ્થા | ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજ, યુનિવર્સિટી ઓફ કલકત્તા |
વ્યવસાય | સન ફાર્માસ્યૂટિકલ્સન સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર |
આવક | US$૧૪.૩ બિલિયન (ઓક્ટોબર ૨૦૨૧)[૨] |
જીવનસાથી | વિભા સંઘવી |
સંતાનો | આલોક (પુત્ર), વિભા (પુત્રી) |
પુરસ્કારો | પદ્મશ્રી (૨૦૧૬) |
દીલીપ સંઘવી (જન્મ ૧ ઓક્ટોબર ૧૯૫૫) એ એક ભારતીય ઉદ્યોગપતિ અને દેશના અબજપતિ ધનિકોમાંના એક છે. તેમણે સન ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના કરી હતી. [૩] ભારત સરકારે તેમને ૨૦૧૬ માં પદ્મશ્રી નાગરિક સન્માન આપ્યું હતું.[૪] ઈન્ડિયા ટુડે મેગેઝિને તેમને ૨૦૧૭ ના ભારતના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં ૮ મો ક્રમ આપ્યો છે.[૫]
ફોર્બ્સ અનુસાર, ઑક્ટોબર ૨૦૨૧માં, સંઘવી ભારતના ૧૪મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિ $૧૪.૩ અબજ ડોલર છે.[૨]
દીલીપ સંઘવી ગુજરાતી કપોળ વૈષ્ણવ પરિવાર[૬] [૭] માં જન્મ્યા હતા. તેમનો જન્મ ગુજરાતના અમરેલી નામના એક નાના શહેરમાં શાંતિલાલ સંઘવી અને કુમુદ સંઘવીને ઘેર થયો હતો.[૧][૮] સંઘવીએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી કોમર્સ સ્નાતકની પદવી મેળવી હતી.[૯] તેમણે પોતાનું બાળપણ અને કૉલેજ જીવન તેમના માતાપિતા સાથે કલકત્તાના બૂર્રાબજાર વિસ્તારમાં પસાર કર્યું હતું. તેઓ જે. જે. અજમેરા હાઈસ્કૂલ અને ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજના આદ્ય વિદ્યાર્થી છે, જ્યાં તેમણે શાલેય અભ્યાસ અને સ્નાતક (ગ્રેજ્યુએશન)નો અભ્યાસ કર્યો.[૧૦] [૧૧][૧૨]
તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત કોલકાતામાં પિતાના જેનરિક દવાઓના જથ્થાબંધ વ્યવસાયથી કરી.[૧] આ કાર્ય દરમ્યાન જ તેમણે બીજાઓના ઉત્પાદનો વેચવાને બદલે પોતાની દવાઓ બનાવવાનો વિચાર કર્યો.
સંઘવીએ ૧૯૮૨ માં રૂ. ૧૦,૦૦૦ ની મૂડી સાથે વાપીમાં એક મનોચિકિત્સાની દવાના ઉત્પાદનનું કારખાનું સ્થાપી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી.[૧] [૩] ૧૯૯૭ માં, આ કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહકો સુધી પહોંચવા ત્યાંની કારાકો ફાર્મા નામની ખોટ કરતી એક અમેરિકન કંપની હસ્તગત કરી. ઈ.સ. ૨૦૦૭ માં ઇઝરાઇલની ટેરો ફાર્મા પણ તેમણે ખરીદી હતી. [૧૩] સંઘવીએ ૨૦૧૨ માં કંપનીનું અધ્યક્ષ અને સીઈઓ પદ છોડ્યું હતું અને તેવા ફાર્માસ્યુટિકલ્સના પૂર્વ સીઇઓ ઇઝરાઇલ મૅકોવને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા અને પોતે મેનેજિંગ ડિરેક્ટર બન્યા.[૧૪] એપ્રિલ ૨૦૧૪ માં, સન, રેનબેક્સી અને દાઇચી સાન્ક્યો (રેનબેક્સીમાં બહુમતી શેરધારક) એ વાતે સંમત થયા હતા કે સન ફાર્મા $ ૩.૨ અબજમાં રૅનબૅક્સીના તમામ શેર હસ્તગત કરશે અને સાથે રેનબેક્સીનું $ ૮૦૦ મિલિયન દેવું પણ લેશે. આ સોદો માર્ચ ૨૦૧૫ માં પૂરો થયો હતો અને સન એ ભારતની સૌથી મોટી દવા કંપની અને વિશ્વની પાંચમી સૌથી મોટી દવાની કંપની બની હતી અને ડાઇચીને સનનો બીજો સૌથી મોટો શેરહોલ્ડર બનાવ્યો હતો.[૧૫] [૧૬] [૧૭]
જાન્યુઆરી ૨૦૧૮ માં, ભારત સરકારે સંઘવીને ભારતીય રિઝર્વ બેંકની ૨૧-સભ્યોની સેન્ટ્રલ બોર્ડ કમિટીમાં નિયુક્ત કર્યા હતા.[૧૨] તે આઈ. આઈ. ટી. મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ છે.[૧૮] તેમને ૨૦૧૭ માં ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં રોડ્સ શિષ્યવૃત્તિ કાર્યક્રમના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા.[૧૯]
તેમણે વિભા સંઘવી સાથે લગ્ન કર્યા છે.[૮][૨૦] તેમને એક આલોક નામનો એક પુત્ર અને વિધી નામની એક પુત્રી છે, જે બંને સન ફાર્માસ્યુટિકલ્સમાં કામ કરે છે.[૨૧]