પ્રમોદ કરણ સેઠી | |
---|---|
જન્મની વિગત | વારાણસી, ભારત | 28 November 1927
મૃત્યુ | 6 January 2008 | (ઉંમર 80)
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | પી. કે. સેઠી |
વ્યવસાય | હાડકાંના નિષ્ણાત તબીબ (ઓર્થોપેડિક સર્જન), શોધક |
પ્રખ્યાત કાર્ય | જયપુર ફૂટ |
પ્રમોદ કરણ સેઠી અથવા પી. કે. સેઠી (૨૮ નવેમ્બર, ૧૯૨૭ – ૬ જાન્યુઆરી, ૨૦૦૮) વિશ્વભરમાં જાણીતા જયપુર ફૂટના પ્રણેતા હતા. એમણે શ્રી રામચંદ્ર શર્મા સાથે મળીને ઈ. સ. ૧૯૬૯ના વર્ષમાં જયપુર ફૂટ નામથી સસ્તા અને લચીલા (flexible) કૃત્રિમ પગનું સંશોધન તેમ જ વિકાસ કરેલ છે. વ્યવસાયે હાડકાંના નિષ્ણાત તબીબ એવા ડૉ. પી. કે. સેઠીના આ યોગદાન બદલ એમને ઈ. સ. ૧૯૮૧ના વર્ષનો મેગ્સેસે પુરસ્કાર[૧] તેમ જ પદ્મશ્રી પુરસ્કાર[૨] વડે નવાજવામાં આવ્યા હતા.
કાશી હિંદુ વિશ્વવિદ્યાલય ખાતે ભૌતિકશાસ્ત્રના અધ્યાપક ડૉ. નિહાલ કરણ સેઠીને ત્યાં ૧૯૨૭માં જન્મેલ પ્રમોદ સેઠી આગ્રા વિશ્વવિદ્યાલય ખાતે સાતેસાત વિષયોમાં સર્વોચ્ચ પરિણામ મેળવી એમબીબીએસ થયા હતા.[૩] ઈ. સ. ૧૯૫૨ના વર્ષમાં તેઓ એમ. એસ. (માસ્ટર ઓફ સર્જરી)ની પદવી મેળવી નિષ્ણાત તબીબ બન્યા હતા. આ ઉપરાંત ઈ. સ. ૧૯૫૩ના વર્ષમાં ઈંગ્લેન્ડમાં આવેલ એડિનબરો ખાતેથી એમણે એફ આર સી એસની પદવી મેળવી હતી.
ડૉ. પી. કે. સેઠીએ સર્જન તરીકે ઈ. સ. ૧૯૫૪ના વર્ષમાં જયપુરમાં આવેલ સવાઈ માનસિંહ હોસ્પિટલ ખાતે પોતાની સેવા આપવાની શરૂઆત કરી અને ત્યાં નવા શરુ થયેલા અસ્થિ વિભાગમાં એમણે નિષ્ણાત તરીકે સ્થાપિત થયા.
અહીં કાર્યરત શ્રી રામચંદ્ર શર્મા, કે જેઓ અશિક્ષિત કારીગર હતા, એમના સહયોગથી ડૉ. સેઠીએ જયપુર ફૂટનો વિકાસ કરી એને વિશ્વભરમાં સ્થાન અપાવ્યું. એમની આ શોધને કારણે કોઈપણ કારણસર પોતાનો પગ ગુમાવનાર લાખો-કરોડો લોકો ફરી ચાલી શકવાને સમર્થ બની શક્યા છે.[૪]