બાંભોર અથવા ભાંબોર (ઉર્દૂ: بنبهور), એ પાકિસ્તાનના સિંધમાં આવેલું ઈસ્વીસન પૂર્વે પ્રથમ સદીમાં વસેલું પ્રાચીન શહેર છે.[૧][૨] સિંધુ નદીના મુખ પર આવેલા આ શહેરના અવશેષો કરાંચી શહેરની પૂર્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ N-5 પર આવેલા છે. આ શહેર પહેલાં શકો અને પછીથી પર્થીયન લોકોના કબજામાં હતું. મુસ્લિમ શાસકોએ આઠમીથી તેરમી સદી સુધી આ શહેર પર રાજ કર્યું અને ત્યારબાદ આ શહેર છોડી દેવામાં આવ્યું. આ વિસ્તારની સૌથી જૂની મસ્જીદો પૈકીની એક મસ્જીદ, જે ૭૨૭માં બાંધવામાં આવી હતી, તેના અવશેષો હજુ પણ અહીં મોજુદ છે.[૩][૪][૫] ૨૦૦૪માં પાકિસ્તાનના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવા યુનેસ્કોમાં વિનંતી કરવામાં આવેલી છે.[૧]
પાકિસ્તાનના સિંધના થટ્ટા જિલ્લામાં આવેલી ઘારો ખાડીના ઉત્તરીય કિનારે આ સ્થળ આવેલું છે જે કરાંચીથી 65 km (40 mi) દુર છે.[૧] આ શહેરના અવશેષો કરાંચી શહેરની પૂર્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એન-પ પર ધાબેજી અને ઘારો વચ્ચે આવેલા છે.
બાંભોર શહેર ઈસ્વીસન પૂર્વે પ્રથમ સદીથી શરુ કરીને તેરમી સદી સુધી વસવાટ માટે ઉપયોગમાં હતું.[૧] પુરાતત્વીય આધારોની મદદથી આ સ્થળના સમયને ત્રણ ભાગમાં વહેંચી શકાય: શક-પર્થીયન (ઈસ્વીસન પૂર્વે પ્રથમથી બીજી સદી સુધી), હિંદુ-બૌદ્ધ (બીજીથી આઠમી સદી) અને શરૂઆતકાલીન મુસ્લિમ (આઠમીથી તેરમી સદી).[૨] તેરમી સદી પછી સિંધુ નદીનું વહેણ બદલાતા આ શહેરની વસ્તી ધીમે ધીમે ઓછી થતી ગઈ.[૫]
કેટલાક પુરાતત્વવિદો અને ઇતિહાસકારોના માટે બાંભોર જ ઐતિહાસિક દેબલ શહેર હતું જે આરબ સરદાર મુહંમદ બિન કાસીમ દ્વારા સિંધમાં છેલ્લા મુસ્લિમ રાજા દાહિરને હરાવી ૭૧૧-૭૧૨માં જીતી લેવામાં આવ્યું હતું.[૨][૫] જોકે ઘણા સંશોધન અને ખોદકામ પછી પણ આ બાબતે સહમતી સધાઈ નથી. ૧૯૨૮માં રમેશચંદ્ર મજુમદાર અને બાદમાં ૧૯૫૧માં લેસ્લી અલ્કોક દ્વારા પ્રાથમિક ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯૫૮ થી ૧૯૬૫ દરમિયાન પાકિસ્તાની પુરાતત્વવિદ ડૉ. એફ. એ. ખાન દ્વારા આ સ્થળે મોટે પાયે ખોદકામ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો.[૫] માર્ચ ૨૦૧૨માં સિંધ સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સ્થળે પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ પુરાતત્વવિદો અને તજજ્ઞો દ્વારા તેમનું સંશોધન રજુ કરવામાં આવ્યું હતું.[૬]
ઐતિહાસિક સ્થળ બર્બરી અને બર્બરીકોનનું નામ પણ ક્યારેક બાંભોર સાથે સાંકળવામાં આવે છે પણ તે અંગે પુરાવા સાથે સંશોધન થયેલ નથી.[૭]
પુરાતત્વીય સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે આ શહેરને ફરતે પથ્થર અને માટીની બનેલી દીવાલ હતી. આ કિલ્લો વચ્ચે આવેલી મજબુત પથ્થરની દીવાલ દ્વારા પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વહેંચાયેલ હતો. પૂર્વીય ભાગમાં ૭૨૭નું શીલાલેખન ધરાવતી એક મસ્જિદના અવશેષો છે. આ મસ્જીદ સિંધના મુસ્લિમ શાસન નીચે આવ્યાના સોળ વરસ બાદ બંધાયેલ માલુમ પડે છે અને તેથી જ તે આ વિસ્તારની સૌથી જૂની મસ્જીદો પૈકીની એક ગણવામાં આવે છે.[૧] ૧૯૬૦માં આ મસ્જિદના અવશેષો જડી આવેલા હતા.[૮] આ કિલ્લાની અંદર અને બહાર મકાનો, શેરીઓ અને અન્ય બાંધકામોના અવશેષો મળી આવેલા છે.[૨] આ સ્થળને સંલગ્ન ત્રણેય સમયગાળાના બાંધકામોના અવશેષો અહીં મળ્યા છે: અર્ધગોળાકાર અને પથ્થરના મહેલાત, હિંદુ શિવ મંદિર અને મસ્જીદ. ખોદકામ દરમિયાન આ કિલ્લાના ત્રણ દ્વાર પણ મળ્યા હતા.[૫]
બાંભોર મધ્યયુગમાં ઉદ્યોગ અને ધંધાથી ધમધમતું બંદર શહેર હતું. વિદેશથી આવતા સિરામિક અને ધાતુના સાધનો અને બીજા ઉદ્યોગોનો અહીં વિકાસ થયો હતો. સિંધુ નદીના મુખ પર આવેલા હોવાના કારણે તે શક-પર્થીયન રાજ્યોને હિંદ મહાસાગરના આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે જોડતું હતું.[૧] પુરાતત્વીય શોધખોળ દરમિયાન અહીં પથ્થરના તળિયાવાળો લંગરવાડો મળી આવેલો જ્યાં કદાચ સામાન ભરેલ જહાજો લાંગરવામાં આવતા હશે.[૫] આ બંદર સિંધુ નદીએ દિશા બદલતા ત્યજી દેવામાં આવ્યું કારણકે તેની ખાડીમાં રેતી ભરાતી ગઈ જેથી જહાજ લાંગરવા શક્ય ન રહ્યા.[૧]
જાન્યુઆરી ૨૦૦૪માં બાંભોર બંદરને પાકિસ્તાનના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવા યુનેસ્કોમાં વિનંતી કરવામાં આવેલી છે. આ સ્થળ સંભવિતોની યાદીમાં સાંસ્કૃતિક શ્રેણી હેઠળ સમાવિષ્ટ કરવામાં આવેલ છે.[૧]
... the Jami' Masjid of Banbhore is one of the earliest known mosques in the Indo-Pakistan subcontinent.