ભવની ભવાઈ | |
---|---|
દિગ્દર્શક | કેતન મેહતા |
લેખક |
|
આધારીત |
|
નિર્માતા | સંચાર ફિલ્મ કોપરેટીવ સોસાયટી લિ. |
કલાકારો | |
છબીકલા | પમ્મી |
સંપાદન | રમેશ આશર |
સંગીત | ગૌરાંગ વ્યાસ |
રજૂઆત તારીખ | ૧૯૮૦ |
અવધિ | 135 minutes |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
બજેટ | ₹૩.૫ lakh (US$૪,૬૦૦)[૧] |
ભવની ભવાઈ એ ૧૯૮૦માં રજૂ થયેલ કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ, બેન્જામિન ગિલાની અને મોહન ગોખલે જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ ભવાઈના માધ્યમ દ્વારા અસ્પૃશ્યતાની વાર્તા કહેવાઈ છે.
ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. ઘણાં આલોચકોએ તેને વખાણી હતી. ૨૮ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો જ્યારે મીરા લાખિયાને ઉત્કૃટ પ્રોડક્શન ડિઝાઈન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મ્યુઝીયમ ઑફ મોર્ડન આર્ટના ફિલ્મ મેળા માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી અને થ્રી કોન્ટીનેન્ટ્સ ફેસ્ટીવલમાં તેને યુનેસ્કો ક્લબ હ્યુમન રાઈટ્સનો પુરસ્કાર મળ્યો.[૨]
કથાની શરૂઆત એક ગામમાં સ્થળાંર કરીને રાતવાસો રહેલા હરિજનોની ટોળીઓથી થાય છે જ્યાં એક વૃદ્ધ (ઓમ પુરી) રાજા ચક્રસેનની વાર્તા માંડે છે.
રાજા ચક્રસેન (નસરુદ્દીન શાહ)ને વારસદારની ખુબ તીવ્ર વાસના હતી, પરંતુ તેની બેમાંથી કોઈ પણ રાણીને પુત્ર ન થયો.
એક દિવસ ચક્રસેનને તેના દરબારમાં દુર્ગંધ આવી. શોધ કરતાં જણાયું કે ભંગીઓના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ રજા પર હતા અને સફાઈ કરવા આવ્યા ન હતા. ક્રોધે ભરાઈ રાજાએ તેમને પકડી લાવી કોરડાના મારની સજા ફરમાવી. તે સમય દરમ્યાન રાજાના જાસૂસો સમાચાર લાવ્યા કે તેની પ્રજા તેની વિરુદ્ધ બંડ કરવા ધારે છે. બંડથી વિરુદ્ધ પ્રજાનું ધ્યાન દોરવા, રાજાના મંત્રી (બેન્જામિન ગિલાની)એ તેને પાડોશી રાજ્ય પર આક્રમણ કરવાની સલાહ આપી. રાજાની જાણ બહાર તેના મંત્રી અને તેની નાની રાણી (સુહાસિની મુલે) વચ્ચે આડા સંબંધો હતા. ચક્રસેન પાડોશી પર હુમલો કરે તે પહેલાં, આવાં જ કારણોને લીધે પાડોશી રાજાએ ચક્રસેનના રાજ્ય પર હુમલો કર્યો. ચક્રસેનની સેના યુદ્ધ જીતી પણ તેને મોટી જાનહાનિ ભોગવવી પડી. તેજ સમયે રાજાને સમાચાર મળ્યા કે તેની મોટી રાણી સગર્ભા છે. આ વાતથી દ્વેષ પામી નાની રાણી અને મુખ્ય મંત્રીએ રાજ જ્યોતિષની મદદથી ષડયંત્ર કર્યું, અને રાજાને જણાવ્યું કે નવજાત રાજ કુમારનો ચહેરો જોતા જ રાજા તરત જ મૃત્યુ પામશે. મૃત્યુથી ભયભીત રાજા રાજકુમારને મારી નાખવાની આજ્ઞા આપે છે. જે સિપાહીને આ કામ સોંપાયું, તેના હૃદયમાં દયા આવી અને તેણે રાજકુમારને એક લાકડાની પેટીમાં નાખી નદીમાં તારી દીધો. આ પેટી માલો ભગત (ઓમ પુરી) નામના ભંગીને મળી. તેણે તેની પત્ની, ધોળી (દીના પાઠક) સાથે તે બાળક, ‘જીવા’ને પોતાના સગા બાળકની જેમ ઉછેરવાનો નિર્ણય કર્યો. આ બાજુ રાજ જ્યોતિષીએ રાજાને જણાવ્યું કે જો તેને વારસની ઇચ્છા પૂર્તિ કરવી હોય તો તેણે એક વાવ ચણાવવી જોઈએ, તે માટે રાજા તૈયાર થયો.
વર્ષો વીત્યા, વાવનું કામ ચાલતું રહ્યું પણ વાવમાં પાણી નથી. આ બાજુ જીવો (મોહન ગોખલે) યુવાન બન્યો અને ઉજમ (સ્મિતા પાટીલ) નામની વણજારીના પ્રેમમાં પડ્યો. અકસ્માતે જીવો એ રાજાનો પુત્ર છે એ વાત રાજ જ્યોતિષીના જાણમાં આવી. તેણે રાજાને કહ્યું કે વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા પુત્રની બલિ ચઢાવવી જોઈએ અને આખા રાજ્યમાં જીવો એક માત્ર યોગ્ય પુરુષ છે. જીવાને પકડવા સેના નીકળે છે પણ તે નાસી છૂટે છે. રંગલાને (નિમેશ દેસાઈ) આ વાતની જાણ થાય છે અને તે આ વાત મોટી રાણીને કહેવા ધારે છે. પણ તે પહેલા મંત્રી તેને પકડી જેલમાં નાખે છે. જીવો ઉજમ સાથે મળીને એક યોજના ઘડે છે અને રાજાને કહેવડાવે છે કે જો તે પોતાના રાજ્યમાંથી તેને જાત પ્રત્યેની અસ્પૃશ્યતા દૂર કરે તો તે આત્મ સમર્પણ કરે નહિ તો તે આત્મહત્યા કરશે અને રાજાની બલિદાનની ઇચ્છા પૂરી નહી થાય. પોતાઆ મંત્રીઓ સાથે ચર્ચા કરી કમને રાજા જીવાની માંગણી સ્વીકારે છે. બલિદાનના દિવસે જીવો જેલમાંથી નાસી છૂટે છે અને રાજાને કહે છે કે જીવો તેનો પોતાનો જ પુત્ર છે જે સાંભળી રાજા ખુશ થાય છે અને બલિ અટકાવે છે અને તેજ ક્ષણે વાવમાંથી પાણી નીકળે છે.
જેવો વાર્તાનો અંત આવે છે ત્યારે એક હરિજન ત્યાં આવે છે અને તે વૃદ્ધને જુઠા "સુખદ અંત" સંભળાવી ભ્રમિત ન કરવા કહે છે અને તે વાર્તાનો બીજો અંત જણાવે છે. આ અંત અનુસાર રંગલો જેલમાંથી ભાગીને સત્ય હકીકત કહી શકતો નથી, યોજના પ્રમાણે બલિ ચડે છે તેમ છતાં પણ વાવમાંથી પાણી આવતું નથી. પોતાના પુત્રનું મૃત્યુ ન જોઈ શકનારી માતા મૃત્યુ પામે છે અને રાજાને શાપ આપતો માલો વાવમાં આત્મહત્યા કરે છે. માલાનું મૃત્યુ થતાં વાવમાં પાણી ભરાવા માંડે છે જેમાં રાજા અને તેના મંત્રીઓ ડૂબી મરે છે. ફિલ્મના અંતમાં લોકોના વિગ્રહને ભારતીય સ્વતંત્રતાને હિંસક ચળવળના સાથે મેળવી દર્શાવાય છે.
ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટ માંથી સ્નાતક બની કેતન મહેતા એક સેટૅલાઈટ ચેનલ માટે કામ કરતા હતાં. ગામડાઓમાં ફરતાં તે લોકોની તકલીફોના પરિચયમાં આવ્યા, ખાસ કરીને અસ્પૃશ્યતાની. તેજ સમયે ધીરુબેન પટેલનું ભવાઈ નાટક ભવની ભવાઈ તેમના વાંચવામાં આવ્યું.[૩] તેણે તે પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો.[૪] તે સમયે માત્ર ૩.૫૦ લાખના નજીવા બજેટમાંથી એ ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું ભંડોળ એન.ડી.એફ.સી. એ આપ્યું હતું. મોટા ભાગના અભિનેતાઓ જેમકે નસરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ આદિએ વગર મહેનતાણાએ અભિનય આપ્યો હતો.
કેતન મહેતા સાથે પહેલા નસરુદ્દીન શાહે યુજીન આયનેસ્કોનું નાટક દ લેસન દિગ્દર્શિત કર્યું હતું. તેના અનુભવને આધારે પ્રથમ તો નસરુદ્દીન શાહે આ પાત્ર ભજવવાની ના પાડી હતી. પરંતુ કેતન મહેતાના આગ્રહથી અને આ ફિલ્મ ગમવાથી છેવટે નસરુદ્દીન શાહે આ ફિલ્મ કરવા હા પાડી, અલબત્ત એક ધુની રાજાનું પાત્ર ભજવવા માટે તેઓ દુવિધામાં હતા.[૫]
કેતન મહેતાએ આ ફિલ્મ રમૂજી પાત્રો દ્વારા વાર્તા વર્ણન સ્વરૂપે બનાવી હતી. આથી, આ ફિલ્મ એસ્ટેરીસ્ક ના રચયિતા બેરટોલ્ટ બ્રેચ્ટ્ અને ગોસ્કીની ને સમર્પિત કરાઈ હતી. આ ફિલ્મ ભવાઈના જનક એવા અસૈત ઠાકરને પણ સમર્પિત કરાઈ છે, અસૈત ઠાકર શુદ્ર લોકોમાં રહેનાર એક નાત બહાર બ્રાહ્મણ હતો. ભવાઈએ ભારતનો સૌથી વધુ ઉર્જા ધરાવતો લોક સંગીત, નૃત્ય અને નાટક છે. આ ફિલ્મનું છેલ્લું દ્રશ્ય પાટણ, ગુજરાત માં આવેલા વિશ્વ ધરોહર સ્થળ, રાણકી વાવમાં ફિલ્માવાયું છે.[૬]
ભવની ભવાઈ | |
---|---|
ગીત ગૌરાંગ વ્યાસ દ્વારા | |
રજૂઆત | ૧૯૮૦ |
શૈલી | ફિલ્મ સંગીત |
ભવની ભવાઈ ફિલ્મના ગીતો ધીરુબેન પટેલે લખ્યા અને તેને ગૌરાંગ વ્યાસે સંગીત બદ્ધ કર્યા હતા.
ક્રમ | શીર્ષક | ગીત | કલાકાર | અવધિ |
---|---|---|---|---|
1. | "પાછું વળીને જોયું ના" | ધીરુબેન પટેલ | ભુપેન્દ્ર સિંહ | ૩:૩૯ |
2. | "હું માળાનો દીકરો જીવો" | ધીરુબેન પટેલ | પફુલ્લ દવે, વર્ષા ભોંસલે | ૨:૫૮ |
3. | "રંગલો આવે રાજા રંગલો આવે" | ધીરુબેન પટેલ | પ્રીતિ સાગર, પ્રફુલ્લ દવે, નિમેશ દેસાઈ | ૫:૫૬ |
4. | "પાતા।ળ પાણી તોયે નીકળ્યા નહીં" | ધીરુબેન પટેલ | પ્રીતી સાગર | ૨:૩૦ |
ભવની ભવાઈ ને સમાલોચકો દ્વારા ઘણા સારા પ્રતિભાવો મળ્યા અને તેને આજ સુધીની એક ઉત્કૃષ્ટ ગુજરાતી ફિલ્મ ગણવામાં આવે છે. તે સમયમાં પૌરાણિક અને ધાર્મિક ફિલ્મોના કાળમાં કડવી રમૂજ વક્રોક્તિ ધરાવતી આ ફિલ્મે એક અલગ ચિલો ચિતર્યો હતો. આ ફિલ્મમાં સૌ પ્રથમ વખત 'બ્રેકીંગ ધ ફોર્થ વૉલ' નામની તકનીકનો પ્રયોગ થયો હતો અને તેની સરાહના કરવામાં આવી હતી.[૭]
ન્યૂ યોર્ક ટાઈમ્સે તેનું વર્ણન કરતા જણાવ્યું હતું કે "આ ફિલ્મ તેના રસિક વેશભૂષા અને સમાવિષ્ટ સંવાદને લીધે નીખરી છે, પારંપારિક રીતે આગળ વધતી આ લોકકથા સામાજિક સંદેશો પણ આપે છે."[૮] વેરાયટી સામાયિકે લખ્યું હતું કે "આ એક આહલાદક અને પ્રબોધક લોકકથા છે જેમા દરેક સ્તરે બ્રિચેશિય પ્રભાવ સાફ દેખાઈ આવે છે." ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના ખાલિદ મોહમદે લખ્યું કે, "આ ફિલ્મ એક ખાસ, વહેતી, સૂક્ષ્મ - નવરચના છે, આ ફિલ્મ ખૂબ જ સરળ, સંગીતમય છે મનોરંજનના વહેણમાં તે ગંભીર વિષયને વણી લે છે. અમેરિકન ફિલ્મ સમાલોચક જેહોબરમેને આ ફિલ્મ જોઈ કહ્યું હતું કે તેમણે ભારતમાં જોયેલી આ એક સુંદરત્તમ ફિલ્મ છે અને તેને અચિત્રીકરણના વખાણી તેને વૈશ્વિક સુલભ ગણાવી હતી.[૯] નિર્દેશક સુધીર મિશ્રાએ જણાવ્યું હતું ભવની ભવાઈ જેવી ફિલ્મ જોઈને તેમને ફિલ્મ બનવાની પ્રેરણા મળી હતી.