ભાવસિંહજી દ્વિતીય | |
---|---|
અભ્યાસ સંસ્થા | |
જીવન સાથી | Maharani Nandkuvarba ![]() |
બાળકો | Manhar Kunverba ![]() |
માતા-પિતા |
કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતીય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું.[૧]
તેઓ તખ્તસિંહજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૭૬ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું હતું.[૧]
તેઓ રજી બોમ્બે લાન્સર્સ સાથે જોડાયેલા હતા અને ભાવનગર સ્ટેટ ફોર્સિસમાં ૧૮૯૪-૧૮૯૬ દરમિયાન કર્નલનો હોદ્દો ધરાવતા હતા. તેમને ૧૯૧૮માં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મળ્યો હતો.[૨]
ભાવસિંહજીના પ્રથમ લગ્ન દેવગઢબારિયાના દેવકુંવરબા સાથે થયા હતા અને આ લગ્નથી તેમને પુત્રી હતી.[૩] દેવકુંવરબાના મૃત્યુ પછી તેઓ ખીરસરાના નંદકુંવરબા સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્નથી તેમને કૃષ્ણકુમારસિંહ ૧૯૧૨માં થયા હતા. જેમણે ભાવસિંહજી પછી ગાદી સંભાળી હતી.[૩][૪]
તેમણે દેવરગઢ પેલેજ, ભાવનગર ખાતે ૧૦ ફેબ્રુઆરી ૧૮૯૬ના રોજ ગાદી (તાજ) સંભાળી હતી.[૧][૪][૨][૩]
તેમણે સુધારાવાદી શાસક તરીકે નામ મેળવ્યું અને તેમના પિતા તખ્તસિંહજી દ્વારા શરૂ કરેલા આધુનિકીકરણ અને વિકાસના કાર્યક્રમો ચાલુ રાખ્યા.[૫] તેમના શાસન દરમિયાન ૧૯૦૦માં રાજ્યે ભયંકર દુષ્કાળનો સામનો કર્યો અને તેમણે આ દરમિયાન રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોના જાતે મુલાકાત લીધી. દુષ્કાળમાં રાહત માટે તેમણે બધી ન એકઠી કરેલ આવકને મફત ભેટો તરીકે વહેંચી. ભવિષ્ય માટે તેમણે મોટા તળાવનું બાંધકામ આ સમય દરમિયાન કરાવ્યું.[૪]
ભાવનગર સ્વ-રાજ્યનું બંધારણ ધરાવતું પ્રથમ રાજ્ય હતું જેમાં લોકોનું પ્રતિનિધિત્વ થતું હતું. તેમાં ખેડૂતો, વેપારીઓ, ચૂંટાયેલ નગરસમિતિના સભ્યો અને જાગીરદારોનો સમાવેશ થતો હતો.[૩][૪]
વધુમાં, તેમણે ૧૯૧૨માં પોતાના રાજ્યના દલિતો માટે પ્રથમ હરિજન શાળાની શરૂઆત કરી હતી અને ઇંગ્લેન્ડ, અમેરિકા અને જાપાનમાં ખાસ કરીને ચિકિત્સા અને વિજ્ઞાનના વધુ અભ્યાસની મદદ માટે શિષ્યવૃત્તિઓની શરૂઆત કરી હતી.[૩]
દુષ્કાળની રાહત માટે તેમણે ૧૯૦૨માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી હતી, જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી અને સહકારી મંડળીની શરૂઆત કરી. આ બેંકની સ્થાપના તેમણે અને ભાવનગરના પ્રધાન મંત્રી સર પ્રભાશંકર પટ્ટણીએ કરી હતી જે પછીથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં વિસ્તરી..[૬]
તેમને નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઇંડિયાનો ખિતાબ ૧૯૦૪માં મળ્યો હતો.[૪]
પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ લશ્કરને મદદ કરવા માટે ભાવનગરનું લશ્કર મોકલવામાં આવ્યું હતું. ભાવસિંહજી અને તેમની પત્નિએ ૧૯૧૬માં પોતાના અંગત ફાળાથી યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે ભાવનગર વોર હોસ્પિટલ બનાવી હતી અને સૈનિકોને સ્ટેટ વોર મેડલ એનાયત કર્યા હતા.[૭]
તેઓ વિવિધ ક્ષેત્રોમાં વિદ્વાન હતા. તેમણે સંગીત માળાના ચાર ભાગો સંપાદિત કર્યા હતા, જે ભારતીય છોડોના વૈધકિય ગુણધર્મોનું સંકલન હતું. તેમણે ભારતીય આયુર્વેદ પર પુસ્તક પ્રકાશિત કર્યું હતું.[૨] વધુમાં તેમણે હોમરના મહાકાવ્ય ઇલિયાડનું ભાષાંતર કર્યું હતું.[૨] તેઓ રાજકોટની રાજકુમાર કોલેજની સંચાલન સમિતિમાં હતા અને રાજકુમાર કોલેજના ચાલીસ વર્ષો (૧૯૧૧)નું સાત ભાગમાં પ્રકાશન કર્યું હતું.[૮]
ભારતીય સંગીતમાં સોલ-ફા નોટેશન પદ્ધતિની શરૂઆત મોટાભાગે તેમના પ્રયત્નોથી થઇ હતી.[૨]
તેઓ ૧૬ જુલાઇ ૧૯૧૯ના રોજ મૃત્યુ પામ્યા અને તેમના પછી તેમના પુત્ર કૃષ્ણ કુમારસિંહ ભાવસિંહે ભાવનગર સ્ટેટની ગાદી સંભાળી.[૩][૪]
તેમના પુત્ર સર કૃષ્ણકુમારસિંહજી વડે સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટની ૧૯૩૨માં સ્થાપના કરવામાં આવી હતી, જે ૧૯૪૯થી કાર્યરત થઇ.[૯]