મંજીરા

મંજીરા
ઝાંઝ કે તાલ એ મંજીરાનું મોટું સ્વરૂપ છે

મંજીરા એ ભારતનું એક સંગીત વાદ્ય છે. તેના સરળ સ્વરૂપમાં તે હાથમાં પકડવાની ધાતુની બે તકતીઓ હોય છે.[] તે તાલ, કરતાલ તરીકે પણ જાણીતા છે.

મંજીરા સામાન્ય રીતે લોક અને ભક્તિ સંગીતમાં વપરાય છે. તે ભારતમાં ધાર્મિક પ્રસંગોમાં અને ખાસ કરીને ભજનમાં વપરાય છે. મંજીરા એ પ્રાચીન સંગીત સાધન છે અને ઘણાં પ્રાચીન મંદિરોનાં ચિત્રોમાં જોવા મળે છે.

મંજીરા બનાવવા માટે ખાસ કરીને તાંબુ, પિત્તળ કે જસત વપરાય છે. ધાતુની બે તકતીઓ મધ્યમાંથી પસાર થતી દોરી વડે જોડાયેલ હોય છે અથવા ઘણી વખત જોડાયેલ નથી પણ હોતી. બે તકતીઓ જ્યારે એક-બીજા સાથે અથડાવવામાં આવે ત્યારે ઉચ્ચ તીવ્રતા વાળો ધ્વનિ પેદા થાય છે. આ ધ્વનિ તકતીઓના કદ, વજન અને બનાવટની ધાતુઓ પર આધાર રાખે છે. બે તકતીઓના સંપર્કનું સ્થાન પણ ધ્વનિની તીવ્રતા નક્કી કરે છે.

ગુજરાતમાં કાંસાના પણ મંજીરા બને છે. મોટા કદના અને કાંસાના બનાવેલા મંજીરાને ઝાંઝ કે કાસીજોડાં પણ કહે છે. ઝાંઝ, કાંસીજોડાં, કાંસિયાં, ઝાંઝરી, કરતાળ, કરતાલ, છલ્લૈયાં, વગેરે તેના અન્ય નામો છે. હિંદી અને બંગાળી ભાષામાં સાદા મંજીરાને કરતાલ કહે છે, જ્યારે ગુજરાતમાં કરતાલ નામનું એક અલગ વાદ્ય છે, જે લાકડાની પટ્ટીઓના ખાંચામાં ધાતુની પાતળી તક્તિઓથી બનેલા નાના મંજીરા પરોવીને બનાવેલું હોય છે. નરસિંહ મહેતાના ચિત્રોમાં તેમને જે વાદ્ય વગાડતા દર્શાવવામાં આવે છે તે છે કરતાલ હતું.

ગુજરાતી લોક સંગીત

[ફેરફાર કરો]

મંજીરા ગુજરાતી અને મરાઠી લોક સંગીતમાં મહત્વના છે. મહારાષ્ટ્રમાં તે તાલ (टाळ) તરીકે જાણીતા છે. શરૂઆતમાં મંજીરા આરતી દરમિયાન વગાડવામાં આવતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભજન, સંતવાણી અને ડાયરામાં મંજીરા અગત્યના છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Caudhurī, Vimalakānta Rôya (૨૦૦૭). The Dictionary Of Hindustani Classical Music. Delhi, India: Motilal Banarsidass. પૃષ્ઠ ૧૭૩. ISBN 978-81-208-1708-1., ૨૦૦૦માં પ્રકાશિત