મધ્યમહેશ્વર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | માનસૂના, ગઢવાલ |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°38′13″N 79°12′58″E / 30.63694°N 79.21611°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | પાંડવો, દંતકથા અનુસાર |
પૂર્ણ તારીખ | અપ્રાપ્ય |
મધ્યમહેશ્વર અથવા મદમહેશ્વર (સંસ્કૃત: मध्यमहेश्वर, અંગ્રેજી: Madhyamaheshwar) ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવેલા માનસૂના ગામ ખાતે આવેલ છે. સમુદ્રસપાટી થી 3,497 m (11,473.1 ft) જેટલી ઊંચાઈ પર આવેલ આ સ્થળનો, ગઢવાલ પ્રદેશમાં પંચકેદારનાં પાંચ શિવ મંદિરોની યાત્રા દરમિયાન ચોથા ક્રમના મંદિર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ યાત્રામાં સમાવિષ્ઠ અન્ય મંદિરો: કેદારનાથ, તુંગનાથ અને રુદ્રનાથ ખાતે મંદિરોની મુલાકાત લીધા પછી પ્રથમ મધ્યમહેશ્વર અને ત્યારપછી કલ્પેશ્વર ખાતે મંદિરની યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે. વૃષભનો મધ્ય ભાગ (વચ્ચેનો ભાગ) અથવા પેટનો ભાગ અથવા નાભિ (દુંટી)ને ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ ગણવામાં આવે છે તેમ જ આ સ્વરૂપમાં ભગવાન શિવનું પૂજન આ મંદિર ખાતે કરવામાં આવે છે. આ મંદિર હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.[૧]
મધ્યમહેશવર મંદિરની દંતકથા એ પંચકેદારની દંતકથાનો એક અભિન્ન ભાગ છે, જે દંતકથા અનુસાર પાંડવોએ મહાભારતના યુદ્ધ દરમિયાન તેમના પિતરાઈ બંધુ કૌરવોની હત્યા (ગોત્ર-હત્યા) તેમ જ પૂજારીઓની હત્યા (બ્રહ્મ-હત્યા)ના પાપનું પ્રાયશ્ચિત કરવાના પ્રયાસરૂપે આ સ્થળ ખાતે મંદિરની સ્થાપના કરી હતી. સંતો અને તેમના વિશ્વાસુ ભગવાન શ્રીકૃષ્ણની સલાહ મુજબ પાંડવોએ ભગવાન શિવ પાસે માફી માટે માંગ કરી હતી અને મોક્ષ મેળવવા તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રાથના કરી હતી. ભગવાન શિવ કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન તેમની સાથે પાંડવોના આચારથી નારાજ હતા, આથી તેમણે પાંડવોને ટાળવા માટે વૃષભ (અથવા નંદી કે આખલો)નું રૂપ ધારણ કર્યું હતું અને હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવી ગયા હતા. પરંતુ માફી માગવા આતુર પાંડવોએ ભગવાન શિવને ગુપ્તકાશીની પહાડીઓમાં વૃષભ સ્વરૂપમાં વિહરતા જોયા પછી બળજબરીથી વૃષભની પુંછડી તેમ જ પગ પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તરત વૃષભ જમીનમાં અદ્રશ્ય થઈ ગયા અને ત્યારપછી પુનઃ ભગવાન શિવ પાંચ સ્થળોએ પ્રગટ થયા હતા; ખૂંધ (ઢેકો) સ્વરૂપે કેદારનાથ, બાહુ (હાથ) સ્વરૂપે તુંગનાથ ખાતે, મુખ (ચહેરા) સ્વરૂપે રુદ્રનાથ ખાતે, નાભિ (દુંટી) અને પેટ સ્વરૂપે મધ્યમહેશ્વર અને જટા (વાળ) સ્વરૂપે કલ્પેશ્વર ખાતે પ્રગટ થયા હતા. પ્રાયશ્ચિત માટે ઉત્સુક પાંડવો દ્વારા ભગવાન શિવના સાક્ષાત્કારના આ પાંચ સ્થળોએ વિવિધ સ્વરૂપોમાં મંદિરો બાંધવામાં આવ્યાં હતાં. ત્યાં તેમણે શિવની પૂજા કરી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ મેળવ્યા હતા.
આ મંદિર પર્વતની ધાર પર ઘાસનું મેદાન ધરાવતી જગ્યા પર ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલ છે. અહીંથી ઉપરના ભાગમાં આશરે દોઢ કિલોમીટર દૂર આવેલ જૂનું મંદિર, જેને 'બુઢા-મદમહેશ્વર કહેવામાં આવે છે, તે એક કાળા પથ્થરનું નાનું મંદિર છે અને એક નાના સરોવરના તટ પર આવેલ છે. બુઢા મદમહેશ્વર મંદિર ખાતેથી ચૌખંભા શિખર સીધું જ જોઈ શકાય છે. વર્તમાન મંદિર ખાતે કાળા પથ્થરમાંથી નિર્મિત નાભિ આકારનું શિવ-લિંગ સ્થિત છે. ત્યાં અન્ય બે નાના મંદિરો, એક શિવ પત્ની પાર્વતીને સમર્પિત અને બીજું અર્ધનારીશ્વર (અર્ધ-શિવ અને અર્ધ-પાર્વતીની પ્રતિમા)ને સમર્પિત છે. પાંડવોમાંથી બીજા ક્ર્મના ભીમ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલ છે અને તેણે અહીં શિવની પૂજા કરી હતી, એમ માનવામાં આવે છે. મુખ્ય મંદિરથી જમણી તરફ એક નાનું મંદિર આવેલ છે, જ્યાં હિંદુ દેવી સરસ્વતી માતા, કે જેની વિદ્યાની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે, તેમની આરસમાંથી બનાવવામાં આવેલ પુનિત પ્રતિમા સ્થાપિત છે.[૨]
આ મંદિર ખાતેના પાણીને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે માત્ર થોડા ટીપાં જ છાંટવાનું પર્યાપ્ત છે. આ મંદિર ખાતે પૂજાકાર્ય દર વર્ષે ચોક્કસ સમયથી શરૂ કરવામાં આવે છે, જેની શરૂઆત ઉનાળાથી કરવામાં આવે છે અને ઓક્ટોબર/નવેમ્બર પછી શિયાળાની શરુઆત થાય ત્યાં ચાલુ રાખવામાં આવે છે. ત્યારપછી આ મંદિરનો વિસ્તાર બરફથી ઢંકાઈ જવાને કારણે શિયાળાની ઋતુના સમય દરમિયાન ભગવાનની સાંકેતિક મૂર્તિ ધાર્મિક વિધિ સાથે ઉખીમઠ ખાતે લાવવામાં આવે છે અને તેનું પૂજા-કાર્ય ચાલુ રહે છે. આ મંદિર ખાતે અહીંનાં અન્ય ઘણા મંદિરોની માફક દક્ષિણ ભારતના બ્રાહ્મણો પૂજારી તરીકે કાર્ય કરે છે. તેઓ ખાસ કરીને લિંગાયતો જ્ઞાતિ છે અને અહીંના મંદિરોમાં તેમને જંગામા કહેવામાં આવે છે, તે મૈસુર, કર્ણાટક રાજ્યથી અહીં આવ્યા હતા. બહારના રાજ્યમાંથી લાવવામાં આવેલા આ પૂજારીઓને કારણે દેશના એક ભાગનું બીજા ભાગ સાથે થયેલ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં અન્ય ભાષાને લીધે પણ કોઈ અવરોધ થયો નથી. શાસ્ત્રોક્ત સિદ્ધાંતની દૃષ્ટિએ વર્ગીકૃત એવા પંચસ્થળી (પાંચ સ્થળો) તરીકે ઓળખાતા સ્થાનોમાં પણ આ એક મહત્વપૂર્ણ પવિત્ર યાત્રાધામ ગણાય છે. આ સિદ્ધાંત ધાર્મિક સાંપ્રદાયિક જૂથો, મેળા અને તહેવારો, દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવતી સામગ્રી, ભક્તો દ્વારા કરવામાં આવતી પવિત્ર ઘોષણાઓના અને અલગ અલગ મંદિરોમાં ભગવાન પાસે પ્રાર્થના દ્વારા માંગવામાં આવતા આશીર્વાદના માંગી આધારે નક્કી કરવામાં આવે છે. અહીંથી ૨ કિ. મી. દૂર એક નાનું મંદિર આવેલ છે, જે બુઢા મધ્યમહેશ્વર કહેવાય છે. અહીં પગપાળા મોટા પથ્થર અને માટીયુક્ત ખીણોવાળા ૨ કિલોમીટર જેટલું અંતર ધરાવતા ઊંચા ઢોળાવ મારફતે ચઢીને એક નાના તળાવ પાસે આવેલ મંદિરમાં પહોંચી શકાય છે, જ્યાંથી હિમાલય પર્વતમાળાની વિશાળ શૃંખલાનાં દર્શન કરી શકાય છે, જેમાં ચૌખંભા, કેદારનાથ, નીલકંઠ, ત્રિશુલ, કામેટ. પંચચુલી વગેરે શિખરોનો સમાવેશ થાય છે.[૩]
આ મંદિર હિમાલય પર્વતમાળાનાં ઊંચા બરફીલાં શિખરો ચૌખંભા (જેનો શાબ્દિક અર્થ છે ચાર સ્તંભ અથવા શિખરો), નીલકંઠ અને કેદારનાથ વડે ઘેરાયેલ ઘાસની ખીણોમાં આવેલ છે.[૪] કેદાર પર્વત જેને કેદાર સમ્રાટ પણ કહેવાય છે, જે મંદાકિની નદીના સ્ત્રોત એવી હિમનદીઓ સાથેના પર્વતનું સુંદર દૃશ્ય ખડું કરે છે. આ વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વડે અત્યંત સમૃદ્ધ છે, જેમાં ખાસ કરીને નાશપ્રાય પ્રજાતિ હિમાલયન મોનલ પક્ષી અને હિમાલયન કસ્તુરી હરણ (સ્થાનિક રીતે કસ્તુરી હરણ કહેવાય છે) આ કેદારનાથ વન્યજીવન અભયારણ્ય ખાતે જોવા મળે છે.[૫]
પંચકેદાર યાત્રામાં તમામ પાંચ મંદિરોને આવરી લેતો માર્ગ લગભગ 170 km (105.6 mi) કુલ લંબાઈ ધરાવે છે, તેમ જ તેને માટે ૧૬ દિવસ જેટલો સમય લાગે છે. આ યાત્રા ગૌરીકુંડ ખાતેથી શરુ થાય છે, જેમાં હિમાલય પર્વતમાળાના વિશાળ ગઢવાલ પ્રદેશમાં આલ્પ્સની માફક મોહક દૃશ્યો માણવા મળે છે.
આ યાત્રા બે ઋતુઓમાં કરવામાં આવે છે; ઉનાળા દરમિયાન ત્રણ મહિના અને બે મહિના ચોમાસાની ઋતુ ચાલુ થયા પછીના. બાકીના સમયગાળા દરમિયાન રુદ્રનાથ સિવાયનાં અન્ય ચાર પંચકેદાર મંદિરો બરફમાં ઢંકાઈ જવાને કારણે દુર્ગમ બની જાય છે.
મધ્યમહેશ્વર મંદિર જવા કેદારનાથ માર્ગ પર આવેલા ગુપ્તકાશી (૧૩૧૯ મીટર (૪૩૨૭.૪ ફૂટ)) ખાતેથી 13 km (8.1 mi) જેટલા અંતરે આવેલ કાલીમઠ પહોંચવું પડે છે. ગુપ્તકાશીથી મદમહેશ્વર મંદિર (3,490 m (11,450.1 ft)) જવા માટે એક અન્ય માર્ગ 24 km (14.9 mi) જેટલો લાંબો છે, જ્યાં ગુપ્તકાશીથી 6 km (3.7 mi) જેટલો વાહન દ્વારા પ્રવાસ કરી પહોંચી શકાય છે. ગુપ્તકાશી સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ મારફતે ઋષિકેશ થી દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ અને કુંડ થઈને પહોંચી શકાય છે. ગઢવાલ હિમાલયમાં આવેલાં યાત્રા સ્થળો ખાતે જવા માટે ઋષિકેશ પ્રવેશદ્વાર બિંદુ છે અને રેલમાર્ગ દ્વારા તેમ જ નજીકના વિમાનમથક જોલી ગ્રાન્ટ (ઋષિકેશ થી 18 km (11.2 mi) તેમ જ દહેરાદૂનથી નજીક) ખાતેથી હવાઈમાર્ગ દેશનાં અન્ય સ્થળો સાથે જોડાયેલ છે. આ મંદિરથી 244 km (151.6 mi) જેટલા અંતરે વિમાનમથક અને 227 km (141.1 mi) જેટલા અંતરે ઋષિકેશનું રેલવે સ્ટેશન છે. કાલીમઠ થી ઋષિકેશ વચ્ચેના માર્ગનું અંતર 196 km (121.8 mi) જેટલું છે. વૈકલ્પિક રીતે, મધ્યમહેશ્વર મંદિર ખાતે ઉખીમઠ થી માનસૂના, બુરુવા અને રાંસી-ઊનિયાના થઈ યાત્રાળુઓ પહોંચી શકે છે. ઉખીમઠ થી જતો માર્ગ માનસૂના (7 કિ. મી.), બુરુવા (4 કિ. મી.), રાંસી (3 કિ. મી.) પછી ગૌંડાર (9 કિ. મી.), બન્તોલી (1 કિ. મી.) અને વધુ 9 કિ. મી. જેટલું મધ્યમ ઢોળાવ ચઢીને ખાતરા ખાલ અને માઈખુંભા થઈને આ મંદિર સુધી પહોંચી શકાય છે.
મધ્યમહેશ્વર યાત્રાનો પગપાળા માર્ગ ઊનિયાણા ગામ ખાતેથી શરૂ થાય છે, જે ઉખીમઠથી ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. અહીંથી ચાલવાનું શરૂ થાય છે. પછી ૩ કિલોમીટર જેટલું ચાલીને રાંસી નામના એક નાના ગામ પહોંચી શકાય છે, જ્યાં રહેવા માટેની સગવડ ઉપલબ્ધ છે. પછી થોડા લાંબા સમય સુધી ચાલીને (૬ કિ. મી.) ગૌંડાર ગામ આવે છે, જ્યાં ત્યાં રહેવા માટે ૩ લોજ આવેલ છે. પછી ૧ કિ. મી. જેટલું ચાલીને બન્તોલી પહોંચાય છે, જે મધ્યમહેશ્વરગંગા તેમ જ માર્કંંડેયગંગા નદીઓનું સંગમસ્થાન છે. પછી ખાતરા ખાલ અને નાનુ ચટ્ટી ખાતે થી પસાર થઈ મધ્યમહેશ્વર આવે છે. ઊનિયાણા થી પગપાળા ૧૯ કિલોમીટર જેટલું અંતર ચાલી મદમહેશ્વર પહોંચી શકાય છે. જો કે હાલમાં રાંસી ગામ સુધી વાહન માટે રસ્તો બનેલ હોવાને કારણે ૧૬ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને મદમહેશ્વર પહોંચી શકાય છે.
મધ્યમહેશ્વરના માર્ગ પર ગૌંડાર અને કાલીમઠ એ બે મહત્વપૂર્ણ સ્થાનો છે. કાલીમઠ (1,463 m (4,799.9 ft))નું ખાસ મહત્વ એ છે કે આધ્યાત્મિક આનંદ માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેની મુલાકાત લેતા હોય છે અને તેથી તે સિદ્ધ પીઠ (આધ્યાત્મિક કેન્દ્ર) કહેવાય છે. કાલીમઠ દેવી મહાકાલી, મહાલક્ષ્મી, ભગવાન શિવ તથા તેમના એક વિકરાળ સ્વરૂપ - ભૈરવનાં મંદિરો માટે પ્રખ્યાત છે. અહીં નવરાત્રીનો સમય ખાસ મહત્વનો હોય છે, જ્યારે આ સ્થળે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મુલાકાતે આવતા હોય છે. ગૌંડાર આ પગપાળા યાત્રા માર્ગ પરનું છેલ્લું વસ્તીવાળું સ્થળ છે અને અહીં મધ્યમહેશ્વર મંદિર નજીકનું મધ્યમહેશ્વરગંગા તેમ જ માર્કંંડેયગંગા નદીઓના સંગમસ્થાન પર આવેલ હોવાથી અત્યંત મનોહર દૃશ્યો જોવા મળે છે.