મુન્દ્રા | |
— નગર — | |
બુખારી પીર દરગાહની કાચ જડિત છત
| |
અક્ષાંશ-રેખાંશ | 22°50′22″N 69°43′17″E / 22.839520°N 69.721327°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
વસ્તી | ૨૦,૩૩૮ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 14 metres (46 ft) |
મુન્દ્રા અથવા મુંદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મુખ્ય મથક તેમ જ મહત્વનું નગર છે. જિલ્લાના મુખ્ય મથક ભૂજથી આશરે ૫૨ કિલોમીટરના અંતરે આવેલું મુન્દ્રા અરબ સાગરમાં આવેલા કચ્છના અખાત ખાતે આવેલું એક મહત્વનું બંદર (નગરથી ૧૩ કિમીના અંતરે) છે.
મુન્દ્રાની સ્થાપના ઈ.સ. ૧૬૩૨માં થઇ હતી. જેની સ્થાપના જેસર જાડેજા વંશના જામ રવાજીના સૌથી નાના પુત્ર હરધોળજીએ કરી હતી. તેમનાથી મોટા ભાાઈઓએ જેમાં મરગજીએ બરાયા, હોથીજીએ વિરાણીયા, અજાજીએ માડી અને કરણજીએ બોચડા ગામની સ્થાપના કરી. જે મુન્દ્રાની બાજુમાં આવેલું હતું. મુન્દ્રા શબ્દની ઉત્પત્તિ કચ્છી ભાષાના શબ્દ 'મોનધરો' ઉપરથી થઈ છે. મોનધરો શબ્દનું મૂળરૂપ 'મોહન ધ્રો' હતું. ઈ.સ. ૧૬૮૮માં કચ્છના રાવ ભોજરાજજીએ અહીં મોહનરાયજીનું મંદિર બંધાવ્યું ત્યારે અહીં ભૂખી નદી પાસે મીઠા પાણીનો એક ધરો વહેતો હતો. તેથી લોકો તેને મોહન ધ્રો કહેવા લાગ્યા. પછી કાળક્રમે 'મોહન ધ્રો' માંથી મોનધરો અને 'મોનધરો' માંથી મોંદરો શબ્દ અસ્તિત્વમાં આવ્યા. મોંદરો શબ્દમાંથી છેલ્લે મુંદરા શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જ્યારે આજે પણ લોકો તેને કચ્છી ભાષામાં 'મોનધરો' જ કહે છે.[સંદર્ભ આપો]
જૂના મુન્દ્રાનો કિલ્લો તેનાથી ઈશાન દિશામાં ૨૭ કિમી દૂર આવેલા ભદ્રેસરના પ્રાચીન ખંડેરોના પથ્થરોનો ઉપયોગ કરી બાંધવામાં આવ્યો હતો. આ શહેર કચ્છ રાજ્ય સાથે જોડાયેલું હતું. ૧૭૨૮માં દેવકરણ શેઠ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ૧૭૫૫માં ગોડજી દ્વિતિયે તેમના પિતા સામેના બળવો કર્યો ત્યારે અહીં રહ્યા હતા. ઇ.સ. ૧૮૦૧માં ફતેહ મહંમદે મુન્દ્રા દોસલ વેણને આપ્યું હતું અને ૧૮૧૫માં તે રાવ ભારમલજી દ્વિતિય સામેના આક્રમણથી મહંમદ સોટા દ્વારા બચાવાયું હતું. ૧૮૧૮માં તેની વસતી ૧૨૦૦ વ્યક્તિઓની હતી અને વાર્ષિક આવક ૩૦૦૦ પાઉન્ડ (રૂપિયા ૩૦,૦૦૦) હતી. ૧૮૫૫માં ઘરોની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ૧૮૬૧માં તે સુંદર ગાલીચાઓ માટે જાણીતું હતું. ૧૮૭૯માં મુન્દ્રાનો વ્યાપાર કાઠિયાવાડ, ખંભાત, સુરત અને મુંબઈ સાથે થતો હતો જેમાં મુખ્યત્વે કપાસ, રાયડો, કઠોળ, ઊન અને કાપડનો સમાવેશ થયો હતો. મુખ્ય આયાતોમાં ધાતુઓ, લાકડાં, અનાજ, ખજૂર, કરિયાણું વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૭૨માં મુન્દ્રાની વસતી ૭,૯૫૨ હતી.[૧]
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી કચ્છ રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૫૬માં કચ્છ રાજ્ય મુંબઈ રાજ્ય સાથે વિલિન થયું અને ૧૯૬૦માં ભાષાવાર રાજ્યોની રચના પછી કચ્છ ગુજરાતમાં આવ્યું. મુન્દ્રા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવ્યુ
૧૯૯૪માં મુન્દ્રામાં મુન્દ્રા બંદરની જાહેરાત થઇ હતી. આ બંદર ઓક્ટોબર ૧૯૯૮માં કાર્યરત થયું. પછીના વર્ષોમાં બંદરની સાથે નગરનો પણ ઝડપી વિકાસ થયો. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ સમયે મુન્દ્રા જ કચ્છ જિલ્લાનું એવું નગર હતું જે અસર નહોતું પામ્યું. ધરતીકંપ પછી નવા ઉદ્યોગોના વિકાસ માટે કચ્છમાં કર રાહતો આપવામાં આવી જેથી આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી બન્યો.
૨૦૧૪માં મુન્દ્રા બંદર માલ-સામાન પરિવહનમાં કંડલાને આંબી ગયું અને ભારતનું સૌથી મોટું અંગત માલિકીનું બંદર બન્યું.
મુન્દ્રા મોટાભાગે સપાટ ભૂગોળ ધરાવે છે. આ વિસ્તારનું પાણી અત્યંત ખરાબ ગુણવત્તા ધરાવે છે અને તેમાં ફ્લોરાઇડનું પ્રમાણ અત્યંત વધુ છે.
મુન્દ્રા ભૂતકાળમાં મીઠું અને મસાલાના વેપાર માટે જાણીતું હતું અને હવે બાંધણી અને બાટીક પ્રિન્ટ કરેલા કાપડ માટે જાણીતું છે. જૂનું બંદર હવે લગભગ ઉપયોગમાં નથી અને નાની માછીમારી હોડીઓ ત્યાંથી અવાગમન કરે છે.
સ્થાનિક લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, પશુપાલન અને છૂટક મજૂરી છે. મુન્દ્રામાં દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી સંચાલિત ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. ઘણાં લોકો વિવિધ કંપનીઓ, બંદર અને પાવર સ્ટેશનમાં કાર્યરત છે.[૫]
મુન્દ્રા બંદર ખાસ આર્થિક વિસ્તાર (સેઝ)ની સાથે અદાણીનું માલિકીનું અને સંચાલિત સૌથી મોટું બંદર છે.
મુન્દ્રાની નજીક બે તાપ વિદ્યુત મથકો આવેલા છે. મુન્દ્રા અલ્ટ્રા મેગા પાવર સ્ટેશન એ ટાટા પાવર દ્વારા અને મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન અદાણી પાવર દ્વારા સંચાલિત છે. આ બંને મથકો ૮,૬૦૦ મેગાવોટ કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરે છે. આ મથકોમાં વપરાતો કોલસો મુખ્યત્વે ઇંડોનેશિયાથી આયાત કરાય છે.[૬] તાપ વિદ્યુતમથકોનો પાણીનો સ્ત્રોત કચ્છના અખાતનું પાણી છે.