યરવડા મધ્યવર્તી કરાગૃહ સંકુલ | |
Location | યરવડા, પુણે, મહારાષ્ટ્ર, ભારત |
---|---|
Coordinates | 18°33′52″N 73°53′23″E / 18.564575°N 73.889651°E |
Status | સક્રીય |
Security class | મહત્તમ |
Population | ૩,૬૦૦[૧] (as of ૨૦૦૫) |
Managed by | મહારાષ્ટ્ર સરકાર, ભારત |
યરવડા મધ્યવર્તી કારાગૃહ એ મહારાષ્ટ્રના યરવડા, પુણેમાં આવેલું એક જાણીતું ઉચ્ચ-સુરક્ષા ધરાવતું કારાગૃહ છે. આ કારાગૃહ મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું કારાગૃહ છે, અને દક્ષિણ એશિયાના સૌથી મોટા કારાગૃહોમાંનું પણ એક છે. તેમાં ૫,૦૦૦થી વધુ કેદીઓ (૨૦૧૭) વિવિધ બેરેક અને સુરક્ષા ક્ષેત્રો (ઝોન)માં રાખવામાં આવેલા છે, આ ઉપરાંત તેના પરિસરની બહાર એક ખુલ્લી જેલ છે. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ સહિત ઘણા જાણીતા રાષ્ટ્રવાદી નેતાઓને અહીં રાખવામાં આવ્યા હતા.
આ જેલ ૫૧૨ એકરમાં ફેલાયેલી છે,[૨] તેમાં ૫૦૦૦થી વધુ કેદીઓનો સમાવેશ કરી શકે છે અને તે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલોમાંની એક છે.[૧] પરિસરની અંદર, મુખ્ય ઉચ્ચ સુરક્ષા ધરાવતું કારાગૃહ ચાર ઊંચી દિવાલો ધરાવે છે [૨] અને તેને વિવિધ સુરક્ષા ક્ષેત્ર અને બેરેકમાં વિભાજિત કરવામાં આવી છે [૧] તેમાં ઉચ્ચ સુરક્ષાની જરૂરિયાત ધરાવતા કેદીઓ માટે ઇંડા આકારના કોટડી પણ છે.[૩] ૨૦૦૩માં પ્રકાશિત સમાચાર અહેવાલો પછી તથા મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (MHRC) એ આ કારાગૃહને નોટિસ જારી કર્યા પછી તેમાં કેદીઓની ભીડભાડ અને તેમના નબળા જીવન સ્તર માટે આ કારાગૃહ જાણીતું બન્યું છે.[૪]
યરવડા મધ્યવર્તી કારાગૃહ અંગ્રેજો દ્વારા ૧૮૭૧માં બંધાવવામાં આવ્યું હતું, તે સમયે આ કારાગૃહ પુણે શહેરની સીમાની બહાર હતું.[૫] [૬]
બ્રિટિશ શાસન હેઠળ, જેલમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, જોઆચિમ આલ્વા, બાળ ગંગાધર ટિળક અને ભુરાલાલ રણછોડદાસ શેઠ સહિતના ઘણા ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓને રાખવામાં આવ્યા હતા.[૫] [૬] ૧૯૨૪માં વિનાયક દામોદર સાવરકરને પણ આ જેલમાં રાખવામાં આવ્યા હતા.[૭] ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ પણ ઘણા વર્ષો યરવડા જેલમાં વિતાવ્યા હતા. તેમને ૧૯૩૨માં અને બાદમાં ૧૯૪૨માં ભારત છોડો ચળવળ દરમિયાન, અન્ય ઘણા રાષ્ટ્રવાદી સ્વાતંત્રય સેનાનીઓ સાથે રાખવામાં આવ્યા હતા. [૮] તેમના ૧૯૩૨ના જેલવાસ દરમિયાન, ગાંધીજીએ ૨૦ સપ્ટેમ્બર ૧૯૩૨ના દિવસે હરિજનો માટેના કોમી ચુકાદા (કોમ્યુનલ એવોર્ડ)નો વિરોધ કરવા માટે તેઓ અનિશ્ચિત કાળના ઉપવાસ પર ઉતર્યા હતા.[૯] તેમણે ૨૪ સપ્ટેમ્બરના દિવસે જેલમાં હરિજનોના નેતા ડો. આંબેડકર સાથે પૂના કરાર નામના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેમનું અનશન પૂર્ણ કર્યું. ગાંધીને મે ૧૯૩૩માં કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.[૧૦]
૧૯૭૫-૭૭ના કટોકટી યુગ દરમિયાન, ઇન્દિરા ગાંધીના ઘણા રાજકીય વિરોધીઓને આ જેલમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. અહીં કેદ કરાયેલા લોકોમાં આર.એસ.એસ.ના વડા બાસાહેબ દેવરળાસ, અટલ બિહારી વાજપેયી, પ્રમિલા દંડવતે અને વસંત નારગોલકરનો સમાવેશ થાય છે.[૧૧] [૧૨] [૧૩]
૧૯૯૮માં, જાણીતા સમાજસેવક અણ્ણા હજારેને માનહાનિનો દાવો હાર્યા બાદ થોડા સમય માટે અહીં કેદ કરવામાં આવ્યા હતા.[૧૪] તે સિવાય ૨૦૦૭માં બોલિવૂડ ફિલ્મ અભિનેતા સંજય દત્ત[૩] અને અન્ય જાણીતા ગુનેગારોમાં, કૌભાંડી તેલગી [૧૫] અને એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તથા જેલમાં રહીને પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરનારા ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી [૧૬] હાલમાં અહીં રાખવામાં આવ્યા છે.[૧૭] ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાખોર અજમલ કસાબને ૨૦૦૮માં કારાગૃહમાં પુરવામાં આવ્યો હતો, [૧૮] તેને ૨૧ નવેમ્બર 2012ના રોજ અહીં ફાંસી આપવામાં આવી હતી અને તેને દફનાવવામાં આવ્યો હતો.[૧૯] [૨૦] ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી સિંગાપોરના જાણીતા દાણચોર મેજર પોલને અહીં કોલ્હાપુર જેલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમણે જેલમાં કાયદાનો અભ્યાસ કર્યો અને જેલના જાણીતા કાર્યકર બન્યા. બોમ્બે હાઈકોર્ટમાં તેમની અરજીઓને પરિણામે ત્યાં ખોટી રીતે કેદ કરાયેલા સંખ્યાબંધ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી, તેમણે પુણેથી તેમના જેલ સામાજિક કાર્યો ચાલુ રાખ્યા. તેમની નોંધનીય સિદ્ધિઓમાં બોમ્બે હાઈકોર્ટમાં તેમની પોતાની ફર્લો અરજી દ્વારા જેલ ફર્લોના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો હતા. સોની ટીવી પર "પ્રયાસચિત" શ્રેણી હેઠળ બતાવવામાં આવતી ટીવી સીરીયલ એપિસોડમાં તેમની જીવન વાર્તા બનાવવામાં આવી હતી. તે હાલમાં પ્રોટેસ્ટન્ટ ચર્ચના નિયુક્ત પાદરી છે.
યરવડા ખુલ્લી જેલ (YOJ) એ યરવડા મધ્યવર્તી કારાગૃહ સંકુલમાં બહારના ભાગમાં આવેલી છે અને આજીવન કેદના કેદીઓને અહીં રાખવામાં આવે છે. એવા કેદીઓ કે જેમણે મધ્યવર્તી કારાગૃહમાં પાંચ વર્ષ સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ કર્યા હોય તેવા કેદીઓને કારગૃહનીની કોટડીમાં ન રાખતા અહીં મૂળભૂત સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે.[૨૧] [૨૨] ખુલ્લી જેલના ૧૫૦ થી વધુ કેદીઓ પાંચ ગુંઠા જમીનમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે, જેને યરવડા મધ્યવર્તી કારાગૃહ અને મહિલા કારાગૃહમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ગૌશાળામાં 30 ગાયો છે, જેમના થકી ખાતર મેળાવવામાં આવે છે અને ખેતીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.[૨૩]
સહયોગ ટ્રસ્ટના સ્થાપક અસીમ સરોદે દ્વારા યરવડા જેલમાં ગાંધીવાદી સિદ્ધાંતોનો ફેલાવો કરતો એક કાર્યક્રમ યરવડા જેલમાં ૨૦૦૨ માં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગ રૂપે, જેલના કેદીઓને એક વર્ષ માટે ગાંધીવાદી સિદ્ધાંતો શીખવવામાં આવે છે, વર્ષના અંતે, તેઓએ પરીક્ષા આપવાની હોય છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ વૈકલ્પિક છે.[૨૪] જેલના કેદીઓ રોજના લગભગ ૫,૦૦૦ કપડા બનાવે છે, જે રાજ્યભરની જેલોમાં પૂરા પાડવામાં આવે છે, આ કારાગૃહની પોતાની કાપડ મિલ છે અને બાદમાં મહિલાઓ સહિત ૧૫૦ જેટલા કેદીઓ આ કપડાંની સિલાઇ કરે છે. મધુર ભંડારકરની ૨૦૦૯ની ફિલ્મ જેલ માટે સુપરિન્ટેન્ડન્ટ્સ, કેદીઓ, વોર્ડન અને ગાર્ડના ગણવેશ જેવા પોશાકો અહીં બનાવવામાં આવ્યા હતા.[૨૫]
૨૦૦૭ માં, ભારતીય ઔષધીય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, સેન્ટ્રલ જેલના પરિસરમાં ચંદનના ૮,૫૦૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા, તે સિવાય અશોક ( સરાકા ઇન્ડિકા ) ૯,૦૦૦ના રોપા ખુલ્લી જેલમાં રોપવામાં આવ્યા હતા.[૨૬] મહારાષ્ટ્ર સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (MSACS) દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે અહીં ઈન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર (ICTC)ની સુવિધા શરૂ કરવામાં આવી હતી અને તે પછીના વર્ષમાં છ મહિલાઓ સહિત ૫૫ કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા હતા.[૨૭]
|archive-date=
(મદદ)