રમાબાઈ રાનડે | |
---|---|
![]() | |
જન્મની વિગત | |
મૃત્યુ | 25 January 1924 | (ઉંમર 61)
રાષ્ટ્રીયતા | ભારતીય |
પ્રખ્યાત કાર્ય | મહિલાઓના શિક્ષણ અને આત્મનિર્ભરતા |
જીવનસાથી | મહાદેવ ગોવિંદ રાનડે |
રમાબાઈ રાનડે (૨૫ જાન્યુઆરી ૧૮૬૩ – ૨૫ જાન્યુઆરી ૧૯૨૪) ભારતીય સામાજીક કાર્યકર્તા અને ૧૯મી સદીના પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તાઓ પૈકી એક હતા. ૧૧ વર્ષની ઉંમરે તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત ભારતીય વિદ્વાન અને સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયા. સામાજીક અસમાનતાના એ સમયમાં મહિલાઓને શિક્ષણ મેળવવાથી વંચિત રાખવામાં આવતા હતા. રમાબાઈએ પતિ મહાદેવ ગોવિંદ રાનડેના સહયોગ અને પ્રોત્સાહનથી લગ્ન બાદ લેખન-વાંચન શરૂ કર્યું. તેમની મૂળ ભાષા મરાઠીની સાથોસાથ બંગાળી અને અંગ્રેજી ભાષા શીખવા આકરી મહેનત કરી.
પતિ મહાદેવ ગોવિંદ રાનડેથી પ્રેરિત થઈને રમાબાઈએ મહિલાઓની જાહેર વક્તૃત્ત્વકળાના વિકાસ માટે મુંબઈમાં હિંદુ લેડિઝ સોશિયલ ક્લબ શરૂ કર્યું. રમાબાઈ પુણેની સેવા સદન સોસાયટીના સંસ્થાપક અધ્યક્ષ પણ હતા. તેમણે પોતાનું જીવન મહિલાઓના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું. રાનડેએ તેમના પતિ તથા અન્ય સહયોગીઓની મદદથી ૧૮૮૬માં કન્યાઓ માટે પ્રથમ ઉચ્ચ વિદ્યાલય હુજૂરપાગાની સ્થાપના કરી.
રમાબાઈ રાનડેનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રી શિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને શિક્ષિત કર્યા નહોતા. ૧૮૭૩માં ૧૧ વર્ષની ઉંમરે તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત ભારતીય વિદ્વાન અને સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયા. તેમણે લગ્ન બાદ પરિવારની મહિલાઓના વિરોધ વચ્ચે પણ રમાબાઈને શિક્ષિત કરવાના પ્રયાસો શરૂ કર્યા તથા તેમને એક આદર્શ પત્ની અને સામાજિક તેમજ શૈક્ષણિક સુધારાઓમાં યોગ્ય સહાયિકા બનવામાં મદદ કરી. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશીતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાતંત્ર્ય માટે સમર્પિત કરી દીધું.[૧]
રમાબાઈએ સ્વયંને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું જેથી તેઓ તેમના પતિના નેતૃત્ત્વમાં સક્રિય જીવનમાં સમકક્ષ ભાગીદાર બની શકે. તેમના આ પ્રયાસોમાં સૌથી પહેલા તેમના પરિવારની મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો.[૨] જસ્ટીસ રાનડેએ યુવા રમાબાઈને મરાઠી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને અંગ્રેજી વિષયોનું લેખન વાંચન શીખવ્યું. તેમણે સમાચારપત્રોના નિયમિત વાંચન દ્વારા સમસામયિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રેરણા આપી. રમાબાઈનું મહત્ત્વપૂર્ણ સાહિત્યિક યોગદાન મરાઠીમાં તેમની આત્મકથા અમચ્યા આયુષતિલ આથવાણી છે.[૩] જેમાં તેમણે તેમના વૈવાહિક જીવનનું વિસ્તૃત વિવરણ આપ્યું છે. તેમણે ધર્મ સંબંધિત જસ્ટીસ રાનડેના વ્યાખ્યાનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો. રમાબાઈને અંગ્રેજી સાહિત્ય સાથે ખૂબ લગાવ હતો.
રમાબાઈ સૌ પ્રથમ નાસિક હાઈસ્કૂલમાં મુખ્ય અતિથિ તરીકે સાર્વજનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. તેમનું પ્રથમ વ્યાખ્યાન જસ્ટીસ રાનડેએ લખ્યું હતું. તેમણે ખૂબ જ ઝડપથી અંગ્રેજી અને મરાઠી ભાષામાં સાર્વજનિક વ્યાખ્યાનો આપવાનો કસબ કેળવી લીધો. તેમના વ્યાખ્યાન સરળ અને હૃદયસ્પર્શી રહેતા. તેમણે મુંબઈમાં પ્રાર્થના સમાજની શાખામાં કામ શરૂ કર્યું. શહેરમાં આર્ય મહિલા સમાજની શાખાની સ્થાપના પણ કરી. ૧૮૯૩ થી ૧૯૦૧ દરમિયાન રમાબાઈની સામાજિક પ્રવૃત્તિઓ ચરમ પર રહી. તેમણે મુંબઈમાં લેડીઝ સોશ્યલ એન્ડ લિટરેચર ક્લબની સ્થાપના કરી તેમજ ભાષા, સામાન્ય જ્ઞાન, સિલાઈ અને હસ્તકલામાં મહિલાઓને પ્રશિક્ષિત કરવાના વર્ગો શરૂ કર્યા.[૧]
૧૯૦૧માં જસ્ટીસ રાનડેના અવાસાન બાદ અડત્રીસ વર્ષની ઉંમરે તેઓ મુંબઈ છોડી પુણે ચાલ્યા ગયા. પતિના મૃત્યું બાદનું શેષ ૨૪ વર્ષનું જીવન તેમણે મહિલા શિક્ષણ, કાનૂની અધિકાર, સમાન દરજ્જા જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં વીતાવ્યું. મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ અને પીડિત મહિલાઓના પુનર્વસન માટે સેવા સદન જેવી સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી. મહિલાઓને નર્સિંગના વ્યવસાયમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરી.[૪][૫]