રાજેન્દ્ર કેશવલાલ શાહ (જાન્યુઆરી ૨૮, ૧૯૧૩ – જાન્યુઆરી ૨, ૨૦૧૦) ગુજરાતી કવિ હતા. તેમણે ૨૦ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.[૧]
તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક ૧૯૫૭માં શરૂ કર્યું હતું.[૨] આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.[૩]
તેમણે ૨૦૦૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પુરસ્કાર સમિતિએ નોંધ્યું છે, "તેમની લાગણીની તીવ્રતા અને સંશોધન અને અભિવ્યક્તિ તેમણે મહાન કવિ તરીકે અલગ પાડે છે. તેમના કાવ્યોમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા, કબીર અને અખા જેવો છે."[૪]
રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો. ૧૯૩૦માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો. ૧૯૩૧માં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા.[૫]