રામ પ્રસાદ બિસ્મિલ | |
---|---|
જન્મની વિગત | શાહજહાંનપુર, ઉત્તર–પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત | 11 June 1897
મૃત્યુ | 19 December 1927 ગોરખપુર, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 30)
સંસ્થા | હિન્દુસ્તાન રિપબ્લીક એસોશિયેશન |
ચળવળ | ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ |
રામ પ્રસાદ બિસ્મિલ (૧૧ જૂન ૧૮૯૭ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) ભારતીય ક્રાંતિકારી હતા.[૧] તેમણે ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની હોવાથી સાથોસાથ તેઓ દેશભક્ત કવિ પણ હતા. રામ, અજ્ઞાત તેમજ બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી તથા ઉર્દૂમાં કવિતાઓ લખી હતી. જે પૈકી તેઓ બિસ્મિલ તરીકે વધુ જાણીતા થયા. તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા જ્યાં તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશથી પ્રભાવિત થયા. આર્ય સમાજના પ્રચારક અને તેમના ગુરુ સ્વામી સોમદેવના માધ્યમથી તેઓ લાલા હરદયાળ સાથે ગુપ્ત પરિચય ધરાવતા હતા.
બિસ્મિલ ક્રાંતિકારી સંગઠન હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનના સંસ્થાપક સદસ્યો પૈકી એક હતા. ભગત સિંહે હિંદી અને ઉર્દૂ કવિ તરીકે તેમની પ્રશંસા કરી હતી.[૨] બિસ્મિલે અંગ્રેજી પુસ્તક કેથરીન અને બંગાળી પુસ્તક બોલ્શેવિકોકી કરતૂતનો અનુવાદ પણ કર્યો હતો.
એમનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતા મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા તરફથી શીખવા મળી જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. પિતાની મરજી વિરુદ્ધ તેમને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આર્ય સમાજ સાથે પણ જોડાયા હતા.
૧૮ વર્ષની વિદ્યાર્થી આયુમાં તેમણે ક્રાંતિકારી લાલા હરદયાળના સહયોગી તથા વિદ્વાન, પરમાનંદની મોતની સજા વિશે સાંભળ્યું. આ સમય દરમિયાન તેઓ નિયમિત આર્ય સમાજના મંદિરે જતા. ત્યાં તેમની મુલાકાત પરમાનંદના મિત્ર સોમદેવ સાથે થઈ. મોતની સજા વિશે સાંભળ્યા બાદ તેમણે હિંદી ભાષામાં રચેલી કવિતા મેરા જન્મ સોમદેવને વંચાવી. આ કાવ્ય સમગ્ર ભારત પરથી બ્રિટીશ નિયંત્રણ હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું.[સંદર્ભ આપો]
યુવાવસ્થાથી જ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયેલાં હતા. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનની સ્થાપના કરી જે પાછળથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લીક એસોસિયેશન નામથી જાણીતું થયું. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સશસ્ત્ર કાંતિ દ્વારા ભારતને સ્વરાજ અપાવવાનો હતો. હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય તરીકે સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્ત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. આ ઉપરાંત બીચપુરી અને મેનપુરી ષડયંત્રમાં પણ સામેલ હતા.[૩]
૯ ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે થયેલ કાકોરી કાંડના સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલને ફાંસી આપી દેવામાં આવી.
શહીદ સ્મારક સમિતિ શાહજહાંપુર દ્વારા શહેરના ખીરની બાગ મહોલ્લામાં એક સ્મારકની સ્થાપના કરી છે, જ્યાં બિસ્મિલનો જન્મ થયો હતો. આ સ્મારક અમર શહીદ રામ પ્રસાદ બિસ્મિલ સ્મારક તરીકે ઓળખાય છે. બિસ્મિલની ૬૯મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યા પર ૧૮ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ સફેદ સંગેમરમરની એક પ્રતિમાનું ઉદ્ગાટન તત્કાલીન રાજ્યપાલ મોતીલાલ વ્હોરા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારતીય રેલવે દ્વારા શાહજહાંપુરથી ૧૧ કિમી દૂર પંડિત રામ પ્રસાદ બિસ્મિલ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે.[૪]
૧૯ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કાકોરી ખાતે કાકોરી કાંડની સ્મૃતિમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.[૫]
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૯ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ બિસ્મિલની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[૬]
મેનપુરી ષડયંત્ર દરમિયાન બિસ્મિલે જ્યાં ભૂગર્ભ વસવાટ કર્યો હતો તે રામપુર ગામની નજીક આવેલા ઉદ્યાનને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અમર શહીદ પંડિત રામ પ્રસાદ બિસ્મિલ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.[૭]