લાભશંકર ઠાકર | |
---|---|
![]() લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯ | |
જન્મ | લાભશંકર જાદવજી ઠાકર ૧૪ જાન્યુઆરી, ૧૯૩૫ સેડલા, સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત |
મૃત્યુ | ૬ જાન્યુઆરી, ૨૦૧૬ અમદાવાદ |
ઉપનામ | લઘરો, વૈદ પુનર્વસુ |
વ્યવસાય | કવિ, નાટ્યલેખક, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, પત્રકાર, આર્યુવેદ ચિકિત્સક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | અર્વાચીન ગુજરાતી સાહિત્ય |
નોંધપાત્ર પુરસ્કારો | કુમાર સુવર્ણ ચંદ્રક ૧૯૬૨ નર્મદ સુવર્ણચંદ્રક ૧૯૬૨ રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૮૦ સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૯૧ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૨ |
લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ વૈદ પુનર્વસુ, (૧૪ જાન્યુઆરી ૧૯૩૫ - ૬ જાન્યુઆરી ૨૦૧૬) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા.
એમનું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ હતું તથા એમનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૩૫ના રોજ સેડલા ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.[૧][૨][૩][૪]
તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.[૫][૬]
તેઓ આકંઠ સાબરમતી નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ લેતા હતા. કૃતિ, ઉન્મૂલન જેવાં સામયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું.
ઈ.સ.૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઈ.સ.૧૯૮૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ, ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ટોળા અવાજ ઘોંઘાટ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ઈ.સ.૨૦૦૨માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.[૪][૧][૨]