લેન્સડાઉન (અંગ્રેજી: Lansdowne) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્ય પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલ એક છાવણી (કેન્ટોનમેન્ટ) શહેર છે. ઉત્તરાખંડ ગઢવાલમાં આવેલ, લેન્સડાઉન અત્યંત સુંદર ગિરિમથક છે. સમુદ્ર તળથી તેની ઊંચાઇ ૧૭૦૬ મીટર જેટલી છે. અહીંની પ્રાકૃતિક છટા મનમોહક છે. અહીંનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે. દરેક બાજુ પર વિસ્તરેલ હરિયાળી તમને એક અલગ વિશ્વનો અહેસાસ કરાવે છે. અસલમાં આ સ્થળ બ્રિટિશ દ્વારા પર્વતો પર્વતોને કાપીને વસાવ્યું હતું. ખાસ બાબત એ છે કે દિલ્હી શહેર થી આ હિલ સ્ટેશન એકદમ નજીક છે. તમે ૫-૬ કલાકમાં લેન્સડાઉન પહોંચી શકો છો. જો તમે બાઇક પરથી લેન્સડાઉન જવા માટે આયોજન કરવા ઇચ્છતા હો તો આનંદ વિહારના રસ્તે દિલ્હી થી ઉત્તર પ્રદેશમાં દાખલ થયા પછી મેરઠ, બિજનૌર અને કોટદ્વાર થઈ લેન્સડાઉન પહોંચી શકો છો.
આ સુંદર હિલ સ્ટેશન લેન્સડાઉન બ્રિટિશરો દ્વારા ઈ.સ. ૧૮૮૭ના વર્ષમાં વસાવવામાં આવ્યું હતું[૧]. તે સમયે વાઇસરોય ઓફ ઇન્ડિયા દ્વારા લેન્સડાઉન નામ આપવામાં આવ્યું હતું. આ પહેલાનું વાસ્તવિક નામ કાલૂડાંડા છે. આ સંપૂર્ણ વિસ્તારનો વહીવટ ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે તેમ જ અહીં ગઢવાલ રાઇફલનું મુખ્ય મથક પણ છે. તમે અહીં આ ગઢવાલ રાઇફલ યુદ્ધ સ્મારક અને રેજિમેન્ટ મ્યુઝિયમ જોઈ શકો છો. અહીં આ ગઢવાલ રાઇફલ સાથે જોડાયેલ વસ્તુઓની ઝલક મેળવી શકો છો. આ મ્યુઝિયમ સાંજે ૫ વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે. તેની નજીકમાં જ પરેડ ગ્રાઉન્ડ પણ છે, જેને સામાન્ય પ્રવાસી બહારથી જોઈ શકે છે. આ સ્થાન સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ઘણી પ્રવૃત્તિઓનું સાક્ષી પણ રહ્યું છે..
કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ આ વિસ્તારમાં જોવાલાયક ઘણું છે. કુદરતી છટાની મજા લેવા માટે ટોચનાં સ્થળોએ જઈ શકાય છે. અહીંથી બરફીલા શિખરો અને વિહંગમ નજારો જોઇ શકાય છે. દૂર-દૂર ફેલાયેલ, લાંબી પર્વતમાળાઓ અને તેની વચ્ચે વસેલા ઘણા નાના ગામ સરળતાથી જોઇ શકાય છે. તેની પાછળથી ઉગતા સૂર્યનું દૃશ્ય સુંદર દેખાય છે. સ્પષ્ટ હવામાન હોય ત્યારે અહીંથી બરફના પર્વતોની વિસ્તરેલ હારમાળા દૂર સુધી જોઈ શકાય છે. નજીકમાં જ ૧૦૦ વર્ષ જૂનું સેન્ટ મેરી ચર્ચ છે. અહીં ભુલ્લા તાલ (તળાવ) ખૂબ જ પ્રખ્યાત છે. અહીં એક નાના તળાવ છે, જ્યાં નૌકાવિહારની સુવિધા ઉપલબ્ધ છે. સાંજે સૂર્યાસ્ત વેળા સંતોષી માતા મંદિરનું સુંદર દૃશ્ય જોવા મળે છે. આ મંદિર એક ઊંચી ટેકરી પર છે. અહીં થોડા કિલોમીટર દૂર તારકેશ્વર મંદિર પણ છે. આ ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે, જે સિદ્ધ પીઠ પણ માનવામાં આવે છે. તે પર્વત પર ૨૦૯૨ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. સંપૂર્ણ મંદિર તાડ અને દેવદાર વૃક્ષોથી ઘેરાયેલો છે. તે સંપૂર્ણ વિસ્તાર સુંદર તેમ જ શાંત પણ છે. પ્રવાસીઓ અહીં પર્વતારોહણ, બાઇકિંગ, સાયકલિંગ, જેવી સાહસિક રમતો માટે પણ આવે છે.
કેપિટલ ઓફ ઇન્ડિયા દિલ્હી થી લેન્સડાઉન ૨૭૦ કિલોમીટર જેટલા અંતરે છે. અહીં જવા વિવિધ માર્ગોનો ઉપયોગ કરી શકાય છે.
ભારતમાં ૨૦૧૧ની વસતી ગણતરી,[૨][હંમેશ માટે મૃત કડી] મુજબ લેન્સડાઉન ૭૯૦૨ જેટલી વસ્તી ધરાવે છે. જેમાં પુરુષો ૬૪% અને સ્ત્રીઓ ૩૬% હતા. અહિંનો સરેરાશ સાક્ષરતા દર ૮૬% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. પુરુષોમાં સાક્ષરતા દર ૯૧% છે, અને સ્ત્રીઓમાં ૭૯% છે. અહિંની ૯% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની છે.