વડાપાવ | |
વાનગી | નાસ્તો |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્ય સામગ્રી | મસાલેદાર બટાકાનાં તળેલાં વડાં |
|
વડાપાવ એ એક ખાદ્યપદાર્થ છે, જે ફાસ્ટ ફુડની શ્રેણીમાં આવતી વાનગી છે. આ વાનગીને મહારાષ્ટ્રનું બર્ગર પણ કહી શકાય છે. વડાપાવ મુંબઈ પરિસરમાં અતિશય લોકપ્રિય છે. આ વડાપાવમાં વપરાતાં વડાં એટલે બટેટાવડાં નહીં કે મેદુવડાં. ગુજરાતીમાં આ વાનગીને વડાંપાંવ તરીકે ઓળખી શકાય, પણ મહારાષ્ટ્રમાં આને વડાપાવ તરીકે ઓળખાય છે.
વડાપાવનો ઉદ્ભવ મધ્ય મુંબઈમાં થયો હોવાનું સામાન્ય રીતે મનાય છે. દાદરના અશોક વૈદ્યને મોટાભાગે તેની આવૃત્તિ માટે યશ અપાય છે, જેમણે ૧૯૬૬માં દાદર સ્ટેશનની બહાર વડાપાવ વેચવાનું શરૂ કર્યું હતું.[૧]:34 વડાપાવ વેચવાનું કેન્દ્ર ૧૯૬૦ના દાયકામાં કલ્યાણમાં ખિડકી વડાપાવ તરીકે વાઝે કુટુંબ દ્વારા શરૂ કરાયું હતું.
આ વાનગીના બે મુખ્ય ભાગ છે વડાં અને પાંવ. બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલા માવાના ગોળા કરી, તેને બેસન (ચણાનો લોટ)ના ખીરાંમાં બોળી, ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે. પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે. આ પાંવનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે. આ પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે.
આજ કાલ વડા પાવના પાવને ગ્રીલ કરી, તેમાં ચીઝ ઉમેરી, માખણ (બટર) માં શેકી, સૂકી લસણની ચટણીને બદલે તીખી કે મીઠી ચટણી ઉમેરી વેચાય છે. સામાન્ય પાવને બદલે બર્ગરના ગોળાકાર પાવ અને થોડોક મોટો વડો બનાવી જમ્બો વડાપાવ નામે વેચાય છે.