વર્ષા અડાલજા (જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૪૦) ગુજરાતી સાહિત્યકાર છે.[૧][૨] એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે.[૩] તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે.[૩] તેમને તેમની નવલકથા અણસાર માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મુંબઈ ખાતે ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય અને નીલાબેનને ત્યાં થયો હતો. ૧૯૬૦માં તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ની પદવી મેળવી હતી.[૨] ૧૯૬૨માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ. કર્યું હતું.[૧][૨] શિષ્યવૃત્તિ મેળવી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે મુંબઈમાં આકાશવાણીના પ્રવક્તા તરીકે ૧૯૬૧ થી ૧૯૬૫ દરમિયાન કાર્ય કર્યું હતું. ૧૯૬૬માં તેમણે તેમની લેખન કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૬૫માંં તેમના લગ્ન મહેન્દ્રભાઇ અડાલજા સાથે થયા હતા. તેમની બહેન ઇલા આરબ મહેતા પણ નવલકથાકાર છે.
વર્ષા અડાલજા, ૪૭માં ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં
વર્ષા અડાલજાએ ૧૯૭૩-૭૬ દરમિયાન સ્ત્રી સાપ્તાહિક સુધાના તંત્રી તરીકે સાહિત્ય કારકિર્દી શરૂ કરી હતી. પછીથી તેઓ ૧૯૮૯-૯૦ દરમિયાન ગુજરાતી ફેમિનાના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા છે.[૧][૪][૫] તેમણે કુષ્ઠ રોગીઓની વસાહત, જેલ જીવન અને આદિવાસીઓ સાથે કામ કર્યું છે.[૩]