હકુ શાહ | |
---|---|
જન્મની વિગત | હકુ વજુભાઇ શાહ ૨૬ માર્ચ ૧૯૩૪ |
મૃત્યુ | ૨૧ માર્ચ ૨૦૧૯ અમદાવાદ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
પ્રખ્યાત કાર્ય | ચિત્રકળા, ગ્રામીણ કલા, લેખન |
પુરસ્કારો | પદ્મશ્રી, ૧૯૮૯ |
હકુ વજુભાઇ શાહ (૨૪ માર્ચ ૧૯૩૪ - ૨૧ માર્ચ ૨૦૧૯) ભારતીય ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હતા. તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે.[૧][૨]
તેમના કલામાં યોગદાન માટે તેમને પદ્મશ્રી (૧૯૮૯), જવાહરલાલ નહેરુ ફેલોશીપ અને કલા રત્ન સહિતના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.[૨][૩]
હકુ શાહનો જન્મ ૨૬ માર્ચ ૧૯૩૪ ના રોજ વાલોડ (હાલ સુરત જિલ્લામાં, ગુજરાત) માં વજુભાઈ અને વદનબેનને ત્યાં થયો હતો.[૪][૫][૬] તેમની માતા મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતી અને તેનાથી તેઓ પ્રભાવિત થયા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડમાં પૂર્ણ કર્યું હતું અને વિદ્યાર્થી સંઘના સક્રિય સભ્ય હતા. તેમણે ૧૯૫૫માં વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી ફાઇન આર્ટ્સ (બી.એફ.એ) માં સ્નાતક થયા, ત્યારબાદ તે જ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ (એમ.એફ.એ.) માં ઉચ્ચતર સ્નાતકની પદવી મેળવી હતી.[૭][૨]
૧૯૬૫ સુધીમાં તેમણે કલકત્તા અને મુંબઈમાં અનેક પ્રદર્શનો યોજ્યા હતા. ૧૯૬૮માં તેમણે ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ્સમાં કલા વિવેચક સ્ટેલા ક્રમરિસ્ચના અનનોઅન ઇન્ડિયા નામના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તે જ વર્ષે તેમને રોકફેલર ગ્રાંટ અને ૧૯૭૧માં તેમને નેહરુ ફેલોશીપ એવોર્ડ મળ્યો હતો.[૭]
ઘણા વર્ષો સુધી તેમણે ગ્રામીણ અને આદિવાસી કળા અને હસ્તકલા, પરંપરાઓ અને લોકવિવાહ ક્ષેત્રે વિસ્તૃત સંશોધન અને દસ્તાવેજીકરણ હાથ ધર્યું હતું. તેમણે ઘણા વર્ષો સુધી દક્ષિણ ગુજરાતના એક ગાંધી આશ્રમમાં અધ્યાપન કર્યું હતું અને મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક આદિજાતિ સંગ્રહાલયની સ્થાપના કરી હતી. તેમણે ઘણાં વર્ષો સુધી આ સંગ્રહાલયની દેખરેખ રાખી હતી, જે તેમનો વારસો બન્યું હતું.[૨]
તેમનું કામ આદિવાસી કલા અને સંસ્કૃતિથી તેમજ ભક્તિ ચળવળની નિર્ગુણ કવિતાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે તેના પર ઘણી કૃતિઓનું સર્જન કર્યું છે.[૨] તેઓ ગાંધીવાદ પણ પ્રભાવિત હતા.[૫] ૧૯૮૦ના દાયકામાં, તેમણે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા શિલ્પગ્રામ નામના એક હસ્તકલા ગામના સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
૨૦૦૯માં તેમણે મનુષ નામે તેમના સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.[૫]
હ્દયરોગના હુમલાને કારણે ૨૧ માર્ચ ૨૦૧૯ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૫][૨]