I2U2 સમૂહ એ ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સનો એક સમૂહ છે. ૧૪ જુલાઈ ૨૦૨૨ના રોજ બહાર પાડવામાં આવેલા સમૂહના પ્રથમ સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે આ સમૂહના દેશો "જળ, ઊર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં સંયુક્ત રોકાણો અને નવી પહેલ" પર સહકાર આપવાનું લક્ષ્ય રાખે છે.[૧]
મિડલ ઇસ્ટ ઇન્સ્ટીટ્યૂટ માટે લખેલા નિબંધમાં વિદેશનીતિ વિચારક મોહમ્મદ સોલિમાને એક બહોળા "ભારતીય-અબ્રાહમિક જોડાણ" માટે વ્યૂહાત્મક વિચાર રજૂ કર્યો હતો.[૨][૩] ભારતીય વિદેશનીતિ સમીક્ષક અને પ્રાધ્યાપક રાજા મોહને સોલિમાનના વિચારને ટેકો આપ્યો હતો અને લખ્યું હતું કે તેનાથી "ભારતના વિસ્તૃત પશ્ચિમી સાનિધ્યને મોટું પ્રોત્સાહન મળી શકે".[૪] સોલિમાનના "ભારતીય-અબ્રાહમિક જોડાણ"ની સંકલ્પનાને અનુ-અમેરિકન મધ્ય-પૂર્વની પ્રભાવશાળી અભિવ્યક્તિઓમાંની એક માનવામાં આવે છે.[૫] ભારત, અમેરિકા, સંયુક્ત અરબ અમીરાત, અને ઇઝરાયલે પોતાની પ્રથમ સભા ઓક્ટોબર ૨૦૨૧માં ઓનલાઇન કરી. એ સમયે આ જૂથને ક્વૉડ સાથે સરખાવવામાં આવતું હતું.[૬] ઇઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતનો સમાવેશ તેમની વચ્ચેના અબ્રાહમ સંધિઓને લીધે શક્ય બન્યો.[૭] સોલિમાનનો ઉદ્દેશ્ય ભારતીય-અબ્રાહમિક જોડાણને લીધે પશ્ચિમ એશિયાની સ્થાનિક રાજનીતિ તથા ભૂ-અર્થતંત્ર બદલવાનો હતો.[૮] સોલિમાન આ સંગઠનમાં વધુ સભ્ય રાજ્યો જેવા કે ફ્રાન્સ, સાઉદી અરેબિયા, ગ્રીસ, અને ઇજિપ્તને સમાવેશ કરવાની વાત કરે છે.[૯][૧૦][૧૧]
આ જૂથે ૧૪ જુલાઇ ૨૦૨૨ના રોજ તેની પ્રારંભિક સમિટ યોજી હતી, જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ રાષ્ટ્રપ્રમુખ જો બિડેન, ઇઝરાયેલના વડા પ્રધાન યાયર લેપિડ અને UAEના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભાગ લીધો હતો. [૧૨] સમિટના પરિણામ સ્વરૂપે, નેતાઓએ જાહેરાત કરી કે UAE "ભારતભરમાં સંકલિત ફૂડ પાર્કની શ્રેણી વિકસાવવા માટે $2 બિલિયનનું રોકાણ કરશે," જ્યારે જૂથે "ભારતના ગુજરાત રાજ્યમાં ૩૦૦ મેગાવોટ (MW)નો પવન અને સૌર ક્ષમતાવાળા તથા બેટરી ઊર્જા સંગ્રહ સિસ્ટમ દ્વારા પૂરક એવા સંકર પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ" સાથે આગળ વધવા માટે પણ સંમતિ દર્શાવી. [૧૩] તમામ પક્ષોની વાસ્તવિક જરૂરિયાતોને કારણે, I2U2નું મુખ્ય ધ્યાન આર્થિક વિકાસ અને ધંધા પર છે જે ક્વૉડની સંરક્ષણની જરૂરિયાત કરતાં વિપરીત છે [૧૪]
રાજા મોહને ઇજિપ્તને ઇન્ડો-અબ્રાહમિક માળખામાં સમાવિષ્ટ કરવા માટે દલીલ કરી કારણ કે તેનું સ્થાન "ભૂમધ્ય સમુદ્રની ટોચ પર - યુરોપ, આફ્રિકા અને એશિયા, ઇજિપ્ત એ બૃહદ મધ્ય પૂર્વનું કેન્દ્ર અને હૃદય છે." [૧૫] કૈરોના સભ્યતાના દૃષ્ટિકોણ, વસ્તીવિષયક, ભૂગોળ, આર્થિક અને લશ્કરી શક્તિ તથા ભૌગોલિક રાજનીતિક આકાંક્ષાને કારણે ઇજિપ્તને I2U2 જૂથમાં લાવવાની વ્યૂહાત્મક જરૂરિયાત પર સોલિમાને મોહન સાથે સહમતિ દર્શાવી હતી. [૧૬]
સોલિમાને દલીલ કરી હતી કે I2U2 હેઠળ સાઉદી અરેબિયાનો સમાવેશ "પશ્ચિમ એશિયાઈ તંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે જે લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતાને સુનિશ્ચિત કરે છે." [૧૭]