અક્ષયકુમાર રમણલાલ દેસાઈ (૧૬ અપ્રિલ ૧૯૧૫ - ૧૨ નવેમ્બર ૧૯૯૪) ભારતીય સમાજશાસ્ત્રી હતા. તેઓ ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈના પુત્ર હતા. અક્ષય દેસાઈ માર્ક્સવાદી વિચારસરણી ધરાવતા હતા. તેમના પત્ની નીરા દેસાઈ પણ જાણીતા સમાજશાસ્ત્રી હતા.
અક્ષય દેસાઈનો જન્મ ૧૬ અપ્રિલ ૧૯૧૫ના રોજ ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈને ત્યાં નડીઆદ થયો હતો. તેમના બાળપણમાં તેમની માતા કૈલાસબહેનનું અવસાન થયું હતું. તેઓ અભ્યાસ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં જોડાયા હતા, પરંતુ યુનિવર્સિટીમાં હડતાળ પડવાને કારણે તેઓ અભ્યાસ માટે વડોદરા છોડી મુંબઈ આવ્યા, જ્યાં તેમણે કાયદાશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. સમાજશાસ્ત્રમાં વિશેષ રુચિ હોવાને કારણે તેમણે તે સમયના જાણીતા સમાજશાસ્ત્રી જી. એસ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ શોધનિબંધ લખી પીએચ.ડીની ઉપાધી પ્રાપ્ત કરી. તેમનો શોધ નિબંધ ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ ૧૯૪૮માં અંગ્રેજીમાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયો હતો, જેની પાછળથી અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે અને તેનો ભારતની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે.[૧]
અધ્યાપનની સાથે તેઓ સમગ્ર જીવન દરમિયાન શ્રમજીવીઓની અનેક લડતોમાં સામેલ થયા હતા તેમજ મુંબઈનાં વિવિધ કામદાર સંગઠનો સાથે સંકળાયેલા રહ્યા હતા. આ પ્રવૃત્તિઓ દરમિયાન તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ ૧૯૪૭ લગ્ન કર્યાં. નીરા દેસાઈ પણ જાણીતા સમાજશાસ્ત્રી હતા.[૧][૨]
તેમનું મૃત્યું ૧૨ નવેમ્બર ૧૯૯૪ના રોજ વડોદરા ખાતે થયું હતું.[૨]
અક્ષય દેસાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૪૬માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કરી હતી. ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. આ ઉપરાંત તેઓએ 'ઇન્ડિયન સોશ્યોલૉજિકલ સોસાયટી' અને 'ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ'ના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.[૧]
૧૯૩૦ના દસકામાં મુંબઈના વિદ્વાન માર્ક્સવાદી સી. જી. શાહના સંપર્કમાં આવ્યા બાદ તેઓ ૧૯૩૪માં સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા હતા.[૧]
તેમણે સ્વતંત્ર રીતે લખેલાં, અન્ય લેખકો સાથે લખેલાં અને સંપાદિત કરેલા પુસ્તકોની સંખ્યા ૧૭ છે. આ પુસ્તકોમાં વિવિધ વિષયોની સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી ચર્ચા કરવામાં આવી છે. ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, ભારતીય રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, આઝાદી પહેલાં અને પછી ભારતમાં ખેડૂત આંદોલનો વગેરે વિષયોનો એમાં સમાવેષ થાય છે. 'ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટોરિકલ રિસર્ચ'ના ઉપક્રમે શ્રમજીવીઓનાં આંદોલનોના સંદર્ભમાં તેમણે ૧૩ ગ્રંથોનું આયોજન કર્યું હતું, જેમાંથી બે ગ્રંથો પ્રકાશિત થયેલ છે. ૧૯૬૦માં તેમણે મેક્આઈવર અને પેજના પુસ્તક 'સોસાયટી'નો 'સમાજ' નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, જે ગુજરાત યુનિવર્સિટીએ બે ગ્રંથોમાં પ્રગટ કર્યો છે. પડકાર નામના એક ગુજરાતી દ્વૈમાસિકનું સંપાદન પણ તેઓ કરતા હતા.[૧]
દેસાઈએ લખેલ કેટલાક મહત્વના પુસ્તકો આ પ્રમાણે છે:[૨]