અત્રિ | |
---|---|
![]() વનવાસ દરમિયાન ભગવાન રામ અત્રિ ઋષિના આશ્રમ ખાતે. અનસુયા દેવી સીતાજી સાથે અને અત્રિઋષિ બન્ને ભાઇઓ સાથે વાર્તાલાપ કરતા નજરે પડે છે. | |
શીર્ષક | બ્રહ્મર્ષિ |
અંગત | |
જીવનસાથી | અનસુયા |
બાળકો | દુર્વાસા, ચંદ્ર, દત્તાત્રય |
માતા-પિતા |
|
સન્માનો | ઋગવેદમાં સૌથી વધુ ઉલ્લેખ પામેલ ઋષિ |
મહર્ષિ અત્રિ (સંસ્કૃત: अत्रि) પ્રસ્તુત સાતમા મન્વંતરનાં સપ્તર્ષિમાં ના એક[૧]છે. તથા બ્રહ્માના પુત્ર છે. વળી તેઓ નવ પ્રજાપતીઓ પૈકિના એક માનવામાં આવે છે. અત્રિ ગોત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોમાં જોવા મળે છે. ઋગ્વેદના પાંચમા મંડલના રચયેતા એવા અત્રિ ઋષિના પત્નિ અનસુયા દેવી કે જેઓ પ્રજાપતી કર્દમના પુત્રી હતા, તેમને ભગવાન દત્તાત્રય, દુર્વાસા અને સોમ જેવા સમર્થ પુત્રો થયા. તેમણે અનસુયા દેવીને અનેક વરદાન આપ્યા હતા કારણકે અનસુયા દેવીએ સૂર્યભગવાનને પૂર્વમાં ઉદય થવા મદદ કરેલી. સોમ ચંદ્રાત્રિ, દુર્વાસા કૃષ્ણાત્રિ તરીકે ઓળખાય છે. સોમે સોમનાથ જ્યોતીર્લિંગની સ્થાપના કરી.
તેઓ સપ્તર્ષિઓ પૈકિના એક અને ખગોળશાસ્ત્ર પ્રમાણે આકાશમાં દેખાતા સપ્તર્ષિઓમાં ચોથા તારાને કે જે લાંબી દાઢી વાળો કલ્પવામાં આવે છે તે છે. આ તારાને લેટિન ભાષામાં મેગ્રેઝ તરીકે ઓળખવામાં આવે છે. વળી તે ડૅલ્ટા δ (Delta) તરીકે પણ ઓળખાય છે.
અત્રિ ઋષિનું મહત્વ મહાભારતમાં પણ અનેક સ્થળોએ જોવા મળે છે. જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું. તેમણે સહસ્ત્રો યોદ્ધાઓનો સંહાર કર્યો. હજારો શબોના ઢગ થઈ ગયા અને રક્તની નદીઓ વહેવા માંડી. ઘાયલ સૈનિકોનું આક્રંદ આકાશને વિદિર્ણ કરવા લાગ્યું. આવા રણસંગ્રામમાં તેઓ નિર્દયી અને ક્રુર નાયક થઈ ઊભા હતા. આવા સમયે અત્રિ ઋષિને ચિંતા થઈ કે આવી રીતે જ જો ચાલતુ રહ્યું તો માનવ જાતીનું સંતુલન બગડી જશે. અત્રિ, ગૌતમ ઋષિ અને અન્ય પાંચ સપ્તર્ષિઓ યુદ્ધભૂમિ પર પ્રગટ થયા. આવા સમયે યુધીષ્ઠિરે અશ્વસ્થામા હણાયાની જાહેરાત કરી. આથી દ્રોણ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને જીજીવિષા ત્યાગી દીધી. તેઓ અત્યંત ક્રોધિત થયા.
અત્રિ ઋષિને દ્રોણ પર દયા આવી અને તેમણે આ પ્રમાણે હિતોપદેશ આપ્યો: "હે દ્રોણ, તમે મૂળથી જ અધર્મનો સાથ આપ્યો છે. આ યુદ્ધભૂમીમાં હોવુ એ જ તેનું શ્રેષ્ઠ પ્રમાણ છે. બસ બહુ થઈ ગયુ હવે બંધ કરો. બંધ કરો આ સંહાર. તમે એક સજ્જન છો. આવો વિનાશ તમને ન શોભે. તમે વેદાંતના આચાર્ય છો. તમે બ્રાહ્મણ છો અને તમારે બ્રાહ્મણધર્મનું પાલન કરવું જોઇયે. આ અધર્મયુક્ત યુદ્ધકર્મ તમને ન શોભે. શસ્ત્રો ત્યાગી દ્યો, મનને ધર્મમાં પરોવો. મને ખેદ થાય છે કે તમે બ્રહ્માસ્ત્ર જેવાં વિનાશક અસ્ત્રનો પ્રયોગ આવ નિર્દોષ સૈનિકો પર કર્યો. આવા નિરર્થક સંહારને બંધ કરો."
અત્રિ ઋષિએ આ પ્રમાણે જ્યારે હિતોપદેશ આપ્યો ત્યારે દ્રોણે હથીયાર ત્યાગી દીધા. વળી ક્રોધ, ઈર્ષા અને પ્રતિશોધની ભાવના ત્યાગી દીધી અને તેમનું હ્રદય શુદ્ધ થઈ ગયું. તેઓ ધ્યાનસ્થ થઈ ગયા અને આવી ભીષણ યુદ્ધભૂમિમાં પણ તેઓ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવા મંડ્યા. આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
એક વાર ત્રિદેવોએ અનસુયાના સતીત્વની પરિક્ષા લેવા વિચાર્યું. તે ઓ બ્રાહ્મણ વેશે ત્યાં આવ્યા અને ભિક્ષા માંગી. પણ ભિક્ષા આપવાની શરત એ મુકી કે અનસુયાજીએ નગ્ન જ ભિક્ષા પીરસવી. અનસુયાજી એ આ શરત સ્વિકારી અને તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવી દિધા અને ત્યાર બાદ શરત મુજબ ભિક્ષા આપી. ત્યાર બાદ ત્રિદેવોએ વિનંતી કરતા તેમણે મૂળ રુપ આપ્યું. ત્રિદેવોએ પસન્ન થઈ ત્રણ પુત્રોનું વરદાન આપ્યું; દત્તાત્રય (વિષ્ણુનો અવતાર), ચંન્દ્રાત્રિ (સોમ, બ્રહ્માનો અવતાર) અને કૃષ્ણાત્રિ (દુર્વાસા શિવનો અવતાર).
ભગવાન રામ તેમના વનવાસના ચૌદમાં વર્ષમાં અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યારે અત્રિ ઋષિએ તેમનું યથોચિત સ્વાગત કર્યા પછી તેમને દંડકારણ્યનો માર્ગ બતાવ્યો હતો.
અત્રિ ઋષિ અનેકો ગુહ્ય મંન્ત્રોના દ્રષ્ટા ગણવામાં આવે છે. તેમણે અનેકો મંન્ત્રો ભારતીય હિંન્દુ શાસ્ત્રને આપ્યા છે. તેમના વંશમાં અનેક ઋષિ મુનિઓ થયા જેઓ પણ છ મંત્રોના દ્રષ્ટા થયા જેમકે: અત્રિ, અર્દ્ધસ્વન, શ્યાવાશ્વ, ગવિષ્ઠિર, કર્ણક અને પૂર્વાતિથિ. વળી એમના વંશની વૃદ્ધિ નવ ઋષિ વડે થઈ હતી: અત્રિ, ગવષ્ઠિર, બાહુતક, મુદ્દગલ, અતિથિ, વામરથ્ય, સુમંગલ, બીજવાપ અને ધનંજય.
તેમને ઋગ્વેદના પાંચમા મંડલના ૭૨ મા સક્તના કર્તા ઋષિ ગણવામાં આવે છે. અત્રિ ઋષિની અત્રિ સંહિતા: એ વર્ણાશ્રમનો આચાર સમજાવનારૂં અત્રિ મુનિએ રચેલું એ નામનું એક ધર્મશાસ્ત્ર છે અને "અત્રિ સ્મૃતિ" પણ તેમની કૃતિ છે. હાલના સમયે પણ અનેકો બ્રાહ્મણ કુટુંમ્બો તેમના વંશજો ગણવામાં આવે છે.
દુર્વાસા હિન્દુ ધર્મનાં પ્રાચિન રૂષિ ગણાય છે. તેઓ રૂષિ અત્રિ અને અનસુયાનાં પુત્ર છે.તેઓ શિવનો અવતાર મનાય છે અને પોતાના અતિ ભયંકર ક્રોધ માટે જાણીતા છે. ક્રોધાવેશમાં આવી તે તુરંત શાપ આપી દેતા, જેને કારણે મનુષ્યો અને દેવતાઓ પણ તેનાથી ડરતા. મહાકવિ કાલિદાસના શકુંન્તલા અભિગ્યાનમાં તેઓ શકુંન્તલાને શ્રાપ આપે છે કે તેનો પ્રેમી તેને ભુલી જશે. જો કે તે જેના પર રીઝતા તેને વરદાન પણ તુરંત આપી દેતા, મહાભારતમાં પાંડુરાજાની પત્નિ કુંતીને તેમણે આપેલ વરદાનને કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે. તેમણે કુંતીને વરદાનમાં મંત્ર આપેલ કે જેનાથી તે જે પણ દેવને ઇચ્છશે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકશે.
બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોના સંયુક્ત અવતાર સ્વરુપ દત્તાત્રય (સંસ્કૃત: दत्तात्रेय) અત્રિ ઋષિને ત્યાં અવતર્યા. દત્તનો શબ્દ આપવું અને ત્રણ દેવોના વરદાન રૂપે અવતર્યા તેથી 'ત્રય' એમ આ બન્ને શબ્દોની સંધી જોડી દત્તાત્રય નામ આપવામાં આવ્યું. વળી અત્રિ ઋષિને ત્યાં અવતર્યા તેથી આત્રેય એવા નામે પણ ઓળખાય છે. નાથ સંપ્રદાયમાં દત્તાત્રયને શિવજીનો અવતાર ગણવામાં આવે છે. અને આદિનાથ સંપ્રદાયમાં ગુરુ દત્તાત્રયને આદિગુરુ માનવામાં આવે છે. તંત્રદર્શનમાં તેમને યોગેશ્વર તરીકે પૂજવામાં આવતા હોવા છતાં તેઓને આદિગુરુ તરીકે હિંન્દુ ધર્મનો બહોળો વર્ગ અને અધિકાંશ ભાગ પૂજે છે.
યોગસૂત્રના રચનાકાર, સોમદત્ત અથવા ચંદ્રાત્રય તરીકે ઓળખાતા પતંજલિ (ઇ.સ. પૂર્વે ૧૫૦[૨] અથવા ઇ.સ. પૂર્વે બીજી સદી[૩][૪]) અત્રિ ઋષિના ત્રીજા પુત્ર છે.
આધુનિક યુગમાં ફક્ત ભારત જ નહી પણ આખા વિશ્વમાં યોગ, ધ્યાન નો પ્રચાર અને પ્રસાર ખુબ જોવા મળે છે જેમના સૂત્રકાર પતંજલિ ઋષિ છે.