અબ્બાસ તૈયબજી | |
---|---|
અબ્બાસ તૈયબજી અને મહાત્મા ગાંધી (૧૯૩૪) | |
જન્મની વિગત | ૧ ફેબ્રુઆરી ૧૮૫૪ વડોદરા રાજ્ય, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૯ જૂન ૧૯૩૬ |
અન્ય નામો | ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
અબ્બાસ તૈયબજી (૧ ફેબ્રુઆરી ૧૮૫૪ – ૯ જૂન ૧૯૩૬) ભારતીય સ્વાંતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના એક સહયોગી હતા. તેમણે વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કાર્ય કર્યું હતું.
અબ્બાસ તૈયબજીનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વ્હોરા મુસ્લિમ પરીવારમાં થયો હતો. તેઓ શમશુદ્દીન તૈયબજીના પુત્ર અને અત્યંત સફળ વેપારી મુલ્લા તૈયબ અલીના પૌત્ર હતા. તેમના પિતાના મોટા ભાઈ બદરુદ્દીન તૈયબજી બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા.[૧]
અબ્બાસ તૈયબજીનો જન્મ વડોદરા રાજ્યમાં થયો હતો જ્યાં તેમના પિતા ગાયકવાડી મહારાજની સેવામાં હતા. તેમનું શિક્ષણ ઇંગ્લેન્ડમાં થયું હતું જ્યાં તેઓ અગિયાર વર્ષ સુધી રહ્યા હતા. ઇંગ્લેન્ડથી પરત આવેલા અબ્બાસ તૈયબજી બ્રિટીશ રાજ પ્રત્યે વફાદાર, પશ્ચિમી રહેણીકરણીને સમર્પિત અને ભારતીય રીતિ–રિવાજો તથા પરંપરાઓ તરફ તિરસ્કાર ધરાવતા હતા. તેમણે વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. ઊંચું વેતન, પારિવારીક વિરાસત અને ઉચ્ચ સરકારી નિયુક્તિને કારણે તેમનો પરિવાર પાશ્ચાત્ય સમાજથી પ્રભાવિત આભિજાત્ય વર્ગ પૈકીનો એક હતો. પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ બ્રિટીશ રાજને વફાદાર રહ્યા. તેમણે સંતાનોનો ઉછેર પાશ્ચાત્ય શૈલીમાં કર્યો અને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી આપ્યા. આ દરમિયાન તેઓ વડોદરા રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને સેવા નિવૃત થયા.
તેઓ સ્ત્રીઓના અધિકારોના આરંભિક પ્રસ્તાવક હતા. તેઓ સ્ત્રી શિક્ષણ અને સમાજ સુધારને સમર્થન કરતા હતા. તેમણે પડદા પ્રથાનો અસ્વીકાર કરવાની સાથે જ પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢીગત રિવાજોને પડકાર્યા હતા.[૨][૩]
અબ્બાસ તૈયબજીએ મહાત્મા ગાંધી સાથે ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજીત એક સામાજીક સંમેલનમાં ભાગ લીધો હતો.[૩] તે સમયે તેઓ પશ્ચિમી જીવનશૈલી અને અંગ્રેજી અભિગમના અગ્રણી સ્વરૂપે જોવામાં આવતા હતા.[૪] ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ તરીકે તૈયબજીની વરણી કર્યા બાદ તેમનામાં બદલાવ જોવા મળ્યો. જનરલ ડાયર દ્વારા કરાયેલ આ હત્યાકાંડના સેંકડો સાક્ષીઓની જુબાની સાંભળીને તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ઉદ્દેશોને સમર્થન આપ્યું.[૫][૩]
બ્રિટીશ જીવનશૈલીનો ત્યાગ કરીને તેમણે ગાંધી આંદોલનના કેટલાંક પ્રતિકોને અપનાવી લીધાં. અંગ્રેજ પહેરવેશને ફગાવી ખાદીના કપડાં પહેરવા લાગ્યા.[૪] તેમણે રેલવેની ત્રીજા દરજ્જાની મુસાફરી કરી સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેઓ સાધારણ ધર્મશાળાઓ અને આશ્રમોમાં રહ્યા, જમીન પર પથારી કરીને સૂતા અને બ્રિટીશ રાજની સત્તા વિરુદ્ધ સત્યાગ્રહનો પ્રચાર કરતાં કરતાં માઈલો સુધી પગપાળા કૂચ કરી. જીવનના સાતમા દશકમાં પણ તેઓ આ બદલાયેલી જીવનશૈલીને વળગી રહ્યાં. કેટલાંક વર્ષો બ્રિટીશ જેલોમાં ગાળ્યા.[૫][૩] ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્થન કર્યું.
૧૯૩૦ની શરૂઆતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બ્રિટીશ શાસન સામે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરવામાં આવી. સવિનય અવજ્ઞા આંદોલન અને સત્યાગ્રહના પ્રથમ તબક્કે ગાંધીજીએ અંગ્રેજો દ્વારા મીઠા પર નાખવામાં આવેલા કરના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી અહિંસક આંદોલનની જાહેરાત કરી. કોંગ્રેસ પદાધિકારીઓને વિશ્વાસ હતો કે ગાંધીજીની ધરપકડ કરવામાં આવશે. આ પરિસ્થિતિમાં સત્યાગ્રહના વૈકલ્પિક નેતૃત્ત્વ તરીકે તૈયબજીને પસંદ કરવામાં આવ્યા. દાંડી સત્યાગ્રહ બાદ ૪ મે ૧૯૩૦ના રોજ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. જેથી તૈયબજીને સત્યાગ્રહના આગળના તબક્કાના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા.[૬]
૭ મે ૧૯૩૦ની સવારે ૭૬ વર્ષીય અબ્બાસ તૈયબજી અને કસ્તુરબા કૂચ કરી આગળ વધ્યા. ધરાસણા પહોંચતા પહેલા ૧૨ મે ના રોજ બંનેની ધરપકડ કરવામાં આવી અને તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ. તેમની ધરપકડ બાદ, સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વ હેઠળ શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રહ્યું. આંદોલન દરમિયાન હજારો સત્યાગ્રહીઓ પર અંગ્રેજ સરકારએ કરેલા દમનને કારણે ભારતના સ્વાતંત્ર્ય આંદોલન તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું.[૬] તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત તરીકે નવાજ્યા હતા.[૭]
અબ્બાસ તૈયબજીનું અવસાન ૯ જૂન ૧૯૩૬ના રોજ મસૂરી ખાતે થયું હતું.[૩]