અમદાવાદ શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં સાબરમતી નદીના કિનારે સ્થિત થયેલ છે. તે ૪૬૪ ચો.કિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે[૧] અને 23°02′N 72°35′E / 23.03°N 72.58°E પર સ્થિત છે. શહેરની સરેરાશ ઊંચાઈ ૫૩ મીટર છે.
શહેરની હદમાં બે મુખ્ય તળાવો છે - કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ. મણીનગરમાં આવેલું કાંકરિયા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે, જે ૧૪૫૧ માં કુતુબ-ઉદ-દિન ઐબક દ્વારા વિકસાવવામાં આવેલું છે.[૨] તેમાં માછલીઘર અને પ્રાણી સંગ્રહાલય પણ છે. તળાવની મધ્યમાં એક નગીનાવાડી નામનો એક ટાપુ મહેલ છે, જે મુઘલ યુગ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. આ શહેર રેતાળ અને શુષ્ક વિસ્તારમાં આવેલું છે. જોધપુર ટેકરા અને થલતેજ ટેકરી જેવી નાની ટેકરીઓ સિવાય સમગ્ર શહેર લગભગ સપાટ જ છે. સાબરમતી નદી શહેરને પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં વિભાજીત કરે છે, જે નવ પુલો દ્વારા જોડાયેલ છે અને જેમાંના બે સ્વતંત્રતા બાદ બાંધવામાં આવ્યા હતા. જોકે નદી બારમાસી છે અને નર્મદા નહેર સાથે જોડ્યા બાદ તે ખરા અર્થમાં અમદાવાદ શહેરમાં બારે મહિના વહે છે.
ત્યાં સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઋતુઓ છે: ઉનાળો, ચોમાસુ અને શિયાળો. ચોમાસા સિવાય, વાતાવરણ અત્યંત સૂકું હોય છે. મહત્તમ ૪૩°C થી લઈને લઘુત્તમ ૨૩°C સુધીના સરેરાશ ઉનાળાના તાપમાન સાથે માર્ચ થી જૂન મહિના દરમિયાન હવામાન ખૂબ જ ગરમ હોય છે. નવેમ્બર થી ફેબ્રુઆરીના મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬°C અને લઘુતમ ૧૫°C હોય છે. તે સમય દરમિયાન વાતાવરણ અત્યંત સૂકું હોય છે. જાન્યુઆરી દરમિયાન હળવી ઠંડી માટે ઠંડા ભાગના ઉત્તરીય પવનો જવાબદાર હોય છે. દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનો પવન મધ્ય-જૂનથી મધ્ય-સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ભેજવાળી આબોહવા લાવે છે. સરેરાશ વરસાદ ૯૩૨ મીમી. થાય છે.[૩] સૌથી ઊંચું તાપમાન ૪૭ °C અને સૌથી ઓછું તાપમાન ૦૫ °C નોધાયેલ છે.[૪]
અમદાવાદ સાબરમતી નદી દ્વારા બે અલગ વિસ્તારમાં વિભાજિત થયેલ છે. નદીની પૂર્વીય કિનારે જૂનું શહેર આવેલ છે, જ્યાં ભરચક બજાર, પોળો અને મંદિરો અને મસ્જિદો જેવા પૂજા માટે ઘણાં સ્થળો છે. જૂના શહેરમાં મુખ્ય રેલવે સ્ટેશન અને મુખ્ય ટપાલ કચેરી પણ છે. ૧૮૭૫માં એલિસ બ્રિજના નિર્માણથી સાબરમતી નદીના પશ્ચિમ બાજુએ શહેરનો વિસ્તરણ થયો હતો. શહેરના આ ભાગમાં શૈક્ષણિક સંસ્થાઓ, આધુનિક ઈમારતો, સારી રીતે આયોજિત નિવાસી વિસ્તાર, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને નવો વ્યાપાર સી.જી. રોડ, આશ્રમ રોડ અને તાજેતરમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર કેન્દ્રિત છે.
ગાંધી આશ્રમ તરીકે ઓળખાતો સાબરમતી આશ્રમ, ઉત્તરીય અમદાવાદના સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત છે જે મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું, અને તેમણે ત્યાંથી જ ૧૯૩૦ માં દાંડી કૂચ શરૂ કરી હતી. આ આશ્રમ મૂળ અમદાવાદના કોચરબ વિસ્તારમાં ૧૯૧૫ માં સ્થાપવામાં આવ્યો હતો. ૧૯૧૭ માં તે હાલના સ્થળે ખસેડવામાં આવ્યો હતો. તેને હરિજન આશ્રમ અથવા સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામની ઘણી ઘટનાઓનો તે સાક્ષી હતો.