અમૃતલાલ વેગડ | |
---|---|
![]() અમૃતલાલ વેગડ | |
જન્મ | જબલપુર, મધ્ય પ્રદેશ | October 3, 1928
મૃત્યુ | July 6, 2018 | (ઉંમર 89)
વ્યવસાય | લેખક, ચિત્રકાર |
ભાષા | ગુજરાતી, હિંદી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૪) |
અમૃતલાલ વેગડ (૩ ઓક્ટોબર[૧] ૧૯૨૮ – ૬ જુલાઈ ૨૦૧૮[૨]) જાણીતા ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશ, ભારતમાં રહેતા હતા.[૩][૪][૫]
તેમનો જન્મ ગોવામલ જીવણ વેગડને ત્યાં થયો હતો. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા હતા. તેઓ અન્ય મિસ્ત્રી સમુદાય સાથે બંગાળ નાગપુર રેલ્વે લાઇનના ગોંદિયા-જબલપુર ભાગમાં રેલ્વે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા ૧૯૦૬માં ત્યાં સ્થાયી થયા હતા.[૬]
અમૃતલાલ વેગડે તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે કર્યો હતો અને તેમણે નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે ૧૯૪૮ થી ૧૯૫૩ દરમિયાન તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા.[૪] તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો (ઓઇલ કલર) વડે પણ ચિત્રો દોરતા હતા.[૪] જબલપુરમાં પાછા ફર્યા બાદ, તેઓ ત્યાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા.[૪] શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન લખેલો તેમનો નિબંધ - ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ - ૧૯૬૮માં પ્રકાશિત લોકપ્રિય ગાંધી-ગંગા પુસ્તકનો ભાગ બન્યો હતો.[૬]
અમૃતલાલ વેગડને તેમનાં પ્રવાસવર્ણન સૌંદર્યની નદી નર્મદા માટે ૨૦૦૪નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો[૭] અને તેમના વિવિધ સર્જન માટે મધ્ય પ્રદેશ રાજ્ય સાહિત્ય પુરસ્કાર અને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યા હતા.[૮][૯] હિંદી માટે તેમને મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.[૪]
તેમના સૌથી પ્રખ્યાત પુસ્તકોમાં હિંદીમાં લખેલ નર્મદાકી પરક્રમા અને ગુજરાતીમાં સૌંદર્યની નદી નર્મદા (પ્રવાસવર્ણન) અને પરિક્રમા નર્મદા મૈયાની નો સમાવેશ થાય છે[૧૦][૧૧] જેના માટે તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે.[૮] વધુમાં તેમણે ગુજરાતીમાં લોક વાર્તાઓ અને નિબંધો થોડું સોનું, થોડું રૂપું નામના પુસ્તક રૂપે લખ્યા છે.[૧૨] તેમના અન્ય પુસ્તકોમાં અમૃતસ્ય નર્મદા અને તીરે તીરે નર્મદા નો સમાવેશ થાય છે. આ પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી (તેમનાં જ દ્વારા), અંગ્રેજી, બંગાળી અને મરાઠીમાં થયું છે.[૪]
તેમણે આ પુસ્તકો ત્રીસ વર્ષોથી તેમના દ્રારા કરાતી નર્મદાના કિનારાની તેમની અંગત પદયાત્રાઓ - નર્મદાના મૂળ અમરકંટકથી લઇને ભરૂચના દરિયા સુધી - ના અનુભવથી લખ્યા છે. નર્મદા પર તેમનું પ્રથમ પુસ્તક - રીવર ઓફ બ્યુટી હતું.[૧૩] નર્મદાના માર્ગ પર તેમણે તેમની પ્રથમ પદ યાત્રા ૧૯૭૭માં ૪૯ વર્ષની ઉંમરે કરી હતી. છેલ્લી યાત્રા તેમણે ૭૧ વર્ષની ઉંમરે ૧૯૯૯માં કરી હતી.[૪] તેમનાં આ પ્રવાસોમાં તેમની પત્નિએ સાથ આપ્યો હતો.[૬]
તેમનાં પુસ્તકો પ્રવાસ દરમિયાન તેમનાં જ દ્વારા દોરેલા રેખાચિત્રો અને ચિત્રો ધરાવે છે, જે કળા વિવેચકો દ્વારા અત્યંત વખાણવામાં આવ્યા છે.[૧૪]
અમૃતલાલ વેગડ પર્યાવરણ ચળવળકાર તરીકે પણ કાર્ય કરેલું જેમાં તેમણે મધ્ય પ્રદેશમાં નર્મદા અને અન્ય નદીઓમાં થતાં પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેઓ નર્મદા સમગ્ર ના પ્રમુખ રહ્યા હતા, જે નદીઓના પ્રદૂષણ વિરુદ્ધ અને નદી કિનારા નજીક જાહેર શૌચાલયોના બાંધકામો માટે કાર્ય કરે છે, જેથી નદી કિનારા અને નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરી શકાય.[૧૫]
તેમનું સંપૂર્ણ સર્જન નીચે પ્રમાણે છે:[૧]
પુસ્તક | ભાષા | પુરસ્કાર-નોંધ |
---|---|---|
પરિક્રમા નર્મદા મૈયાની | ગુજરાતી | ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (પ્રથમ), કાકાસાહેબ કાલેલકર પારિતોષિક |
સૌંદર્યની નદી નર્મદા | ગુજરાતી | સાહિત્ય અકાદમી પારિતોષિક (દિલ્હી), ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (પ્રથમ) |
થોડું સોનું, થોડું રૂપું | ગુજરાતી | પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક |
સ્મૃતિઓનું શાન્તિનિકેતન | ગુજરાતી | |
નદિયા ગહરી, નાવ પુરાની | ગુજરાતી | |
સૌંદર્યકી નદી નર્મદા | હિન્દી | મધ્ય પ્રદેશ શાસનનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન, મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર |
અમૃતસ્ય નર્મદા | હિન્દી | રાષ્ટ્રીય શરદ જોશી સન્માન, મહાપંડિત રાહુલ સાંકૃત્યાન પુરસ્કાર, ડો. શંકરદયાલ શર્મા સર્જન સન્માન (હિન્દી ગ્રંથ અકાદમી) |
સૌંદર્યવતી નર્મદા | મરાઠી | અનુવાદ: મીનલ ફડણવીસ |
અમૃતસ્ય નર્મદા | મરાઠી | અનુવાદ: મીનલ ફડણવીસ |
સૌંદર્યેર નદી નર્મદા | બંગાળી | અનુવાદ: તપન ભટ્ટાચાર્ય |
અમૃતસ્ય નર્મદા | બંગાળી | અનુવાદ: તપન ભટ્ટાચાર્ય |
નર્મદા: રીવર ઓફ બ્યુટી | અંગ્રેજી | અનુવાદ: એમ. માડ્ડરેલ |