આનંદશંકર ધ્રુવ | |
---|---|
![]() આનંદશંકર ધ્રુવ | |
જન્મ | અમદાવાદ, ગુજરાત, ભારત | 25 February 1869
મૃત્યુ | 7 April 1942 | (ઉંમર 73)
વ્યવસાય | લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સહી | ![]() |
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (૨૫ ફેબ્રુઆરી ૧૮૬૯ - ૭ એપ્રિલ ૧૯૪૨) ગુજરાતી વિદ્વાન, લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક હતા.
તેમનો જન્મ અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ થયો હતો. તેમના પિતા કાઠિયાવાડ એજન્સીમાં અફસર હતા અને તેમની નિવૃત્તિ પછી તેમણે વડોદરા સ્ટેટના એજન્ટ તરીકે કામ કર્યું હતું. આનંદશંકર ધ્રુવે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સંસ્કૃત શીખ્યા હતા. ૧૮૯૩માં એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે ગુજરાત કોલેજમાં સંસ્કૃતનું અધ્યાપન કાર્ય શરૂ કર્યું. પછીથી તેમણે મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં પણ કેટલાક વર્ષો સુધી અધ્યાપન કર્યું હતું. ૧૯૨૦માં તેમની નિમણુક વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે થઇ હતી. ૧૯૩૬માં તેમણે મુંબઈના સિક્કા નગર ખાતે મોર્ડન શાળાનું વિમોચન કર્યું હતું, જેની સ્થાપના રમણભાઇ અને પુષ્પાબેન વકીલે કરી હતી.[૧] તેઓ આંતર યુનિવર્સિટી બોર્ડના ચેરમેન પણ હતા. ૭ એપ્રિલ ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું હતું.[૨]
તેમણે 'મુમુક્ષુ' અને 'હિંદ-હિતચિંતક' ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું હતું.[૨][૩]
તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમ ફિલસૂફી અને સંસ્કૃતિ જેવા વિષયો પર અનેક પુસ્તકો લખ્યા છે. વધુમાં, તેમણે ધર્મ અને હિંદુ શ્રદ્ધાના સાર પરની ફિલસૂફી આધારિત ચર્ચા કરતા નિબંધો પણ લખ્યા છે.[૪]
તેમણે ૧૯૦૨માં 'વસંત' માસિકની શરૂઆત કરી હતી અને તેઓ 'સુદર્શન'ના તંત્રી પદે હતા. તેઓ ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલોસૉફિકલ કૉંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા.[૩][૪]