આનર્ત (સંસ્કૃત: आनर्त) એક પ્રાચીન ભારતીય પ્રદેશ હતો જેમાં ગુજરાતના હાલના ઉત્તર સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થતો હતો.[૧] ઘણા પ્રાચીન શિલાલેખો અને સાહિત્યિક સ્ત્રોતો આનર્તપુર અથવા આનંદપુરાનો ઉલ્લેખ કરે છે, જે હાલના વડનગર અને તેના આસપાસનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યો છે.[૨]
પૌરાણિક સાહિત્ય અનુસાર, આ પ્રદેશ પર શાર્યત વંશનું શાસન હતું. જેઓ મનુના એક પુત્ર શારયતીના વંશજ હતા. રાજ્યનું નામ શારયતીના પુત્ર આનર્ત પરથી પડ્યું હતું. રાજ્યનું પાટનગર કુશસ્થલી (દ્વારકાનું પ્રાચીન નામ) હતું. રાજ્યનો છેલ્લો શાસક કાકુદમી હતો અને તેના પછી રાજ્યનો કબ્જો પુર્નજન્ય રાક્ષસોએ લઇ લીધો હતો.[૩] પછીથી, કૃષ્ણના નેતૃત્વમાં યાદવોએ આ પ્રદેશમાં સ્થળાંતર કર્યું હતું.[૪]
ઋષિ ચ્યવન પણ શાર્યતી અને આનર્ત સાથે સંકળાયેલ હતા. તેમણે શાર્યતીની પુત્રી સુકન્યા સાથે લગ્ન કર્યા હતા અને તેણે ઋષિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.[૫] તેમના વંશજો હૈહલ્યો સાથે સંકળાયેલા હતા, જેમણે શાર્યતના મૃત્યુ બાદ પડોશી રાજ્ય આનર્ત પર કબ્જો મેળવ્યો હતો.[૬]
શક શાસક રુદ્રદમન પ્રથમનો જુનાગઢનો શિલાલેખ આનર્તને તેના રાજ્યનો ભાગ હોવાનો ઉલ્લેખ કરે છે. તેણે આનર્તને તેના પહલ્વા અમાત્ય (મંત્રી) સુવિશાખ હેઠળ મૂક્યો હતો જેણે સુદર્શન તળાવ પરના બંધનું પુન:નિર્માણ કરાવ્યું હતું.[૭]