આરોગ્ય સેતુ એપનું ચિહ્ન | |
સોફ્ટવેર વિકાસકર્તાઓ | નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર, ભારત સરકાર |
---|---|
પ્રારંભિક વિમોચન | એપ્રિલ ૨૦૨૦ |
સ્ત્રોત | github |
પ્રોગ્રામિંગ ભાષા | કોટલિન અને જાવા |
ઓપરેટિંગ સિસ્ટમ |
|
કદ | ૪.૦ એમબી (એન્ડ્રોઇડ) |
ઉપલબ્ધતા | ૧૨ ભાષાઓ |
ભાષાઓની યાદી અંગ્રેજી, હિંદી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ, પંજાબી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી અને આસામી | |
પ્રકાર | આરોગ્ય સંભાળ |
સોફ્ટવેર લાયસન્સ | અપાચે લાયસન્સ ૨.૦ |
વેબસાઇટ | www |
આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન, ફેલાવાની જાણકારી તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની મોબાઇલ એપ્લિકેશન (એપ) છે.
આ એપ્લિકેશનનો હેતુ ભારતની જનતામાં જાગૃતિ ફેલાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે તેમને જોડવાનો જણાવવામાં આવ્યો છે. આ એક ટ્રેકિંગ એપ્લિકેશન છે, જે કોરોનાવાયરસ ચેપ વિશે માહિતી મેળવવા માટે સ્માર્ટફોનની જીપીએસ અને બ્લૂટૂથ સુવિધાઓનો ઉપયોગ કરે છે. આરોગ્ય સેતુ એન્ડ્રોઇડ[૧] અને iOS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે ઉપલબ્ધ છે.[૨] બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ તેના ડેટાબેઝમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીને જો કોઇ કોવિડ-૧૯ ચેપગ્રસ્ત વ્યક્તિ નજીક હોય તો વપરાશકર્તાને ચેતવણી આપે છે.[૩]
આ એપ્લિકેશન એ કોરોના કવચ એપનું નવું સંસ્કરણ છે, જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.[૪]
આરોગ્ય સેતુમાં ચાર વિભાગો છે. જેમ કે, તમારી સ્થિતિ, સ્વ મૂલ્યાંકન, કોવિડ-૧૯ રોગચાળાની છેલ્લી માહિતી અને ઇ-પાસ (જે હજુ સક્રિય થવાનું બાકી છે). તમારી સ્થિતિ વપરાશકર્તા માટે કોવિડ-૧૯ થવાનું જોખમ કહે છે. સ્વ મૂલ્યાંકન વપરાશકર્તાને ચેપ લાગવાનું જોખમ જણાવે છે. કોવિડ-૧૯ અપડેટ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કોવિડ-૧૯ના ફેલાવા અંગે છેલ્લી માહિતી આપે છે.[૫]
આરોગ્ય સેતુ હાલમાં ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે (અંગ્રેજી, હિંદી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ, પંજાબી, બંગાળી, ઓડિયા, ગુજરાતી અને મરાઠી) અને ટૂંક સમયમાં વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ એપમાં પ્રવેશ કર્યા પછી વપરાશકર્તાને આરોગ્ય અને અન્ય માહિતીઓ પૂરી પાડવાનું કહેવામાં આવે છે.
આરોગ્ય સેતુ રજૂ થયાના ત્રણ દિવસમાં જ પચાસ લાખ ડાઉનલોડ પાર કરી ગયી હતી, જે વડે તે સરકારી એપ્લિકેશનોમાં સૌથી વધુ લોકપ્રિય એપ બની છે.[૬][૭] તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ એપ્લિકેશન છે, જે ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ રજૂ થયાના માત્ર ૧૩ દિવસમાં જ લગભગ ૫ કરોડ જેટલા મોબાઇલ પર સ્થાપિત થયેલી છે.[૮]
૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો હતો.[૯] ત્યાર પછી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુને "અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ" ગણાવી હતી.[૧૦][૧૧] જોકે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે આ મોબાઇલ એપનો ઉપયોગ સલામત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વખાણ થયા છે.[૧૨]
૨૬ મે, ૨૦૨૦ના રોજ સલામતી અને અંગતતા વિશે ઉઠેલા પ્રશ્નોના કારણે મોબાઇલ એપનો સોર્સ કોડ જાહેરમાં ઓપનસોર્સ હેઠળ મૂકવામાં આવ્યો હતો.[૧૩][૧૪] વધુમાં મંત્રાલયે તેમાં રહેલી ખામીઓને શોધી કાઢવા માટે બગ બાઉન્ટી કાર્યક્રમની ઘોષણા કરી હતી.[૧૫]