આશાદેવી આર્યનાયકમ | |
---|---|
જન્મની વિગત | ૧૯૦૧ લાહોર, બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૧૯૭૨ |
જીવનસાથી | ઇ. આર. ડબલ્યુ. આર્યનાયકમ |
માતા-પિતા | ફાની ભૂષણ અધિકારી સરજુબાલા દેવી |
પુરસ્કારો | પદ્મશ્રી |
આશાદેવી આર્યનાયકમ (૧૯૦૧-૧૯૭૨)[૧] ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને ગાંધીવાદી હતા.[૨][૩] તેઓ મહાત્મા ગાંધીના સેવાગ્રામ[૪] અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળ સાથે ગાઢ રીતે સંકડાયેલા હતા.[૫]
તેમનો જન્મ ૧૯૦૧માં પ્રોફેસર ફાની ભૂષણ અધિકારી અને સરજુબાલા દેવીને ત્યાં બ્રિટિશ ભારતના લાહોરમાં થયો હતો. તેમનું શરૂઆતનું બાળપણ લાહોરમાં અને બાદમાં બનારસમાં વિત્યું હતું. તેણીએ શાળાકીય શિક્ષણ અને કોલેજનો અભ્યાસ ઘરે જ કર્યો હતો અને એમએની પદવી મેળવ્યા બાદ મહિલા કોલેજ, બનારસ ખાતે અધ્યાપક તરીકે જોડાયા હતા. બાદમાં તેઓ શાંતિનિકેતનમાં રહેતી છોકરીઓની સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારી ત્યાં રહેવા ગયા હતા. અહીં તેમની મુલાકાત રવિન્દ્રનાથ ટાગોરના ખાનગી સચિવ તરીકે કામ કરતા શ્રીલંકાના ઇ. આર. ડબલ્યુ. આર્યનાયકમ સાથે થઈ હતી, જેમની સાથે તેમણે લગ્ન કર્યા હતા.[૨][૩] આ દંપતીને બે બાળકો હતા. આ સમય દરમિયાન જ તેઓ મોહનદાસ કરમચંદ ગાંધીથી પ્રભાવિત થયા હતા અને તેઓ તેમના પતિ સાથે વર્ધાના સેવાગ્રામમાં તેમની સાથે જોડાયા હતા. શરૂઆતમાં તેઓ મારવાડી વિદ્યાલયમાં કામ કરતા હતા પરંતુ બાદમાં તેમણે નઈ તાલીમના આદર્શો લીધા હતા અને હિન્દુસ્તાની તાલીમી સંઘમાં કામ કર્યું હતું.[૨][૩] સમાજમાં તેમના યોગદાન બદલ ભારત સરકારે ૧૯૫૪માં તેમને ચોથો સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કર્યો હતો.[૬]
આશા દેવીએ મહાત્મા ગાંધી આધારિત બે કૃતિઓ ધ ટીચર: ગાંધી[૭] અને શાંતિ-સેના: ડાઇ ઇન્ડિસ્ક ફ્રિડેન્સવેહર[૮] પ્રકાશિત કરી હતી. ૧૯૭૨માં તેમનું અવસાન થયું હતું.[૧]