ઉમરકોટ
عُمَركوٹ અમરકોટ | |
---|---|
અમરકોટ કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 25°21′47″N 69°44′33″E / 25.36306°N 69.74250°E | |
દેશ | પાકિસ્તાન ![]() |
પ્રાંત | સિંધ |
જિલ્લો | ઉમરકોટ |
મહાનગરપાલિકા | પૂર્વ-ઇસ્લામિક હિંદુ-યુગ |
સમય વિસ્તાર | UTC+૦૫:૦૦ (પાકિસ્તાન માનક સમય) |
ઉમરકોટ (ઉર્દૂ: عمركوٹ), અગાઉ અમરકોટ તરીકે ઓળખાતું આ શહેર પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટ જિલ્લામાં આવેલુ છે.[૧] આ શહેર મુઘલ બાદશાહ અકબરનું જન્મ સ્થળ હતું. આ શહેર સોઢા રાજપૂત વંશનું પુર્વ રજવાડું હતું.[૨]
આ શહેરની મુખ્ય સ્થાનિક ભાષા ધાતકી છે, જે ઇન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ઇન્ડો-આર્યન શાખાની રાજસ્થાની ભાષાઓમાંની એક છે. તે મારવાડી બોલી સાથે સૌથી વધુ સંબંધિત છે, જો કે અહીંના લોકો સિંધી, ઉર્દૂ અને પંજાબી ભાષા પણ સમજી શકે છે.
આ શહેરનું 'અમરકોટ' એવું નામકરણ તેના હિંદુ સ્થાપક મહારાજા અમર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે અમરકોટના કિલ્લાનું નિર્માણ પણ કરાવ્યુ હતું. આ શહેરના નામનું પાછળથી ઉમર મરાવીની વાર્તાના ઉમર નામ પર મુસ્લિમીકરણ કરવામાં આવ્યું હતું, જેનો ઉલ્લેખ શાહ-જો-રિસોલોમાં પણ જોવા મળે છે, તે સિંધની એક લોકપ્રિય દુ:ખદ પ્રણયકથા છે.
અમરકોટ પ્રાંત મધ્યયુગીન સમયથી ભારતની સ્વતંત્રતા સુધી રાજપુતોના સોઢા વંશ દ્વારા શાસિત હતો. મુઘલ સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ દરમિયાન આ શહેર મહત્વનું સ્થાન હતું. મુઘલ સમ્રાટ અકબરનો જન્મ ઓક્ટોબર ૧૪ ૧૫૪૨ના રોજ અમરકોટના કિલ્લામાં થયો હતો, કારણ કે તેના પિતા હુમાયુ પોતાના જ મુઘલ દુશ્મન શેહ શાહ સુરીના હાથમાંથી ભાગી ગયા હતા,[૩] જ્યાં અમરકોટના સોઢા વંશના શાસક રાણા પ્રસાદે તેને આશ્રય આપ્યો હતો.
ઉમર મરાવી વાર્તાની મરાવીને અહીં અમરકોટ કિલ્લામાં જ રાખવામાં આવી હતી. અહીંના શાસક રાણા રતન સિંહને સિંધીઓના હક માટે ઉભા રહેવા બદલ બ્રિટીશરોએ આ જ કિલ્લામાં ફાંસી આપી હતી. અહીં પાકિસ્તાન સરકાર દ્વારા હિંદુઓની સતામણી, ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવી અને આ કિલ્લાના હિંદુ વારસાનું મુસ્લિમીકરણ કરવાના કાર્યો કરાયા છે.[૪]
પાકિસ્તાનના સંઘીય મંત્રી રાણા ચંદ્ર સિંહ, સોઢા રાજપુત કુળના વડા અને ઉમરકોટના જાગીરદાર તેમજ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના સ્થાપક સભ્યો પૈકીના એક હતા.[૫] તેઓ ઉરમકોટ સંસદીય ક્ષેત્રની બેઠક પરથી સંસદ માટે સાત વખત ચૂંટાયા હતા. વર્ષ ૧૯૭૭ થી ૧૯૯૯ સુધી તેઓ પીપીપીના સભ્ય હતા, ત્યારબાદ ૧૯૯૯માં તેમણે પાકિસ્તાન હિન્દુ પાર્ટી (પીએચપી) ની સ્થાપના કરી હતી.[૬] હાલમાં, તેમના રાજકારણી પુત્ર રાણા હમીર સિંહ થારપાકર, ઉમરકોટ અને મીઠીના ૨૬માં રાણા છે.[૭][૮]
ઉમરકોટ શહેર કરાચી અને હૈદરાબાદ જેવા અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.[૯] ઉમરકોટમાં ઐતિહાસિક મહત્વની ઘણી જગ્યાઓ આવેલી છે જેમ કે અકબરના જન્મનું સ્મૃતિસ્થળ. અહીં કેટલાક પ્રાચીન મંદિરો, શિવ મંદિર, ઉમરકોટ કિલ્લો, તેમજ કાલિ માતા મંદિર, જૂના અમરકોટમાં કૃષ્ણ મંદિર અને રાંચો લાઇનમાં મનહાર મંદિર અને કથવારી મંદિર આવેલાં છે.
આ શહેર સાથે ઉમર મરાવીની એક સુપ્રસિદ્ધ સિંધી લોકકથા જોડાયેલી છે.[૧૦] આ કથા મુજબ મરાવી એક થારી યુવતી હતી, તે ખુબ જ સુંદર હતી. મરાવીનું ઉમરકોટના રાજા ઉમરે અપહરણ કર્યુ હતુ, કારણ કે ઉમર તેની સુંદરતાથી મોહાઇ જઇને તેણી સાથે લગ્ન કરવા માંગતો હતો. મરાવીના ઇનકાર પર તેણીને ઉમરકોટના ઐતિહાસિક કિલ્લામાં ઘણા વર્ષો સુધી કેદ કરી રાખવમાં આવી હતી. મરાવીની હિંમતને અને સહનશીલતાને કારણે સિંધી લોક સંસ્કૃતિમાં, તેણીને વિરતા અને પ્રેમની પ્રતીક માનવામાં આવે છે.