ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
તેઓ ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.[૨]