ઊર્મિલા | |
---|---|
![]() દશરથ રાજાના ચાર પુત્રો તેમના લગ્ન વિધિ દરમ્યાન અગ્નિની પ્રદક્ષિણા કરતાં | |
માહિતી | |
કુટુંબ | જનક (પિતા) સુનયના (માતા) |
જીવનસાથી | લક્ષ્મણ |
બાળકો | અંગદ, ચંદ્રકેતુ[૧] |
સંબંધીઓ | સીતા (બહેન) માંડવી, શ્રુતકીર્તિ (પિતરાઇ બહેનો) |
ઊર્મિલા હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનક અને તેમની પત્ની સુનયનાની પુત્રી હતી. તે સીતાની નાની બહેન હતી. તેના લગ્ન રામના નાના ભાઈ લક્ષ્મણ સાથે થયા હતાં. તેમને બે પુત્રો હતા - અંગદ અને ચંદ્રકેતુ.[૨] જ્યારે રામ અને સીતા સાથે લક્ષ્મણ વનવાસે જવા તૈયાર થયા ત્યારે ઊર્મિલા પણ સાથે જવા તૈયાર થઈ. પણ લક્ષ્મણે તેને આયોધ્યામાં રહીને તેના ઘરડાં માતા પિતાની સેવા કરવા જણાવ્યું. ઊર્મિલાનું પાત્ર તેના અનન્ય બલિદાન - ઊર્મિલા નિંદ્રા માટે નોંધપાત્ર છે.[૩]
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં લક્ષ્મણ અને ઊર્મિલાને સમર્પિત એક મંદિર આવેલું છે. આ મંદિર ઈ.સ. ૧૮૭૦માં બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ભરતપુરના રાજા બલવંત સિંહે બંધાવ્યું હતું અને તેને ભરતપુર રાજનું શાહી મંદિર માનવામાં આવે છે.[૪]
જ્યારે રામ અને સીતા સાથે લક્ષ્મણ ૧૪ વર્ષના વનવાસમાં જવા તૈયાર થયો ત્યારે ઊર્મિલાએ લક્ષ્મણને તેમની સાથે લઈ જવા વિનંતિ કરી. પણ લક્ષ્મણે તેને રજા ન આપી. લક્ષ્મણે કહ્યું કે તે તેના ભાઈ રામની સેવામાં દિવસ અને રાત રોકાયેલો રહેશે, અને ઊર્મિલા માટે સમય આપી નહિ શકે, આથી અયોધ્યામાં રહેવું એ જ ઊર્મિલા માટે હિતકર છે. છેવટે ઘણી રીતે સમજાવ્યા પછી ઊર્મિલા કમને પતિને જે પસંદ હોય તેમ કરી અને શક્ય તેટલી સહાયક થવાના વિચાર સાથે અયોધ્યામાં રહેવા સહમત થઈ.
રામના વનવાસની પ્રથમરાત્રિએ લક્ષ્મણ ચોકી કરવા ઊભો રહ્યો અને તેણે નિશ્ચય કર્યો તે વનવાસના ચૌદ વર્ષ દરમ્યાન તે કયારેય સૂશે નહિ. લક્ષ્મણ ચોકી કરતો હતો તે સમયે નિદ્રા દેવી આકર્ષક સ્વરૂપે પ્રકટ થઈ. લક્ષ્મણના પૃછા કરવાથી નિદ્રા દેવીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ૧૪ વર્ષ સુધી ન સુવું એ તો પ્રકૃતિના નિયમ વિરૂદ્ધ છે. લક્ષ્મણે નિદ્રા દેવીને કોઈ માર્ગ શોધી આપવા વિનંતિ કરી જેથી તે અસ્ખલિત રીતે તેના ભાઈ પ્રત્યે તેનો ધર્મ બજાવી શકે. નિદ્રા દેવીએ કહ્યું કે જો કોઈ લક્ષ્મણના ભાગની નિદ્રા ૧૪ વર્ષ માટે ભોગવવા માટે તૈયાર હોય લક્ષ્મણને નિદ્રાથી ઇચ્છીત મુક્તિ મળી શકે. લક્ષ્મણે નિદ્રા દેવીને તેની પત્ની ઊર્મિલા પાસે જવા કહ્યું.
દક્ષિણ ભારતમાં જો કોઈ ગાઢ નિદ્રામાં સુવે અને તેને સરળતા પૂર્વક જગાડી ન શકાય તો તેને માટે "ઊર્મિલા નિદ્રા" જેવો રૂઢિ પ્રયોગ વપરાય છે.