ઓપરેશન રાહત | |
---|---|
આઇએનએસ સુમિત્રા, એડન ખાતેની કાર્યવાહી દરમિયાન | |
Operational scope | માનવતાવાદી સહાય |
Planned by | ભારતીય સશસ્ત્ર સેનાઓ અને વિદેશ મંત્રાલય |
Commanded by | જનરલ વી. કે. સિંઘ (સેવાનિવૃત્ત) |
Objective | યમન ખાતેથી ભારતીય નાગરિકોનું સ્થળાંતર |
Date | 1 April 2015[૧] | - 11 April 2015
Executed by | ભારતીય સશસ્ત્ર સેનાઓ અને એર ઇન્ડિયા |
Outcome | ૫૬૦૦ કરતાં વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર (૪૬૪૦ ભારતીયો અને ૯૬૦ વિદેશી નાગરિકો)[૧][૨] |
ઓપરેશન રાહત એ યમનની કટોકટી વખતે સાઉદી અરેબિયા અને તેના સાથી દેશો દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતીય નાગરિકોને સલામત સ્થળે ખસેડવા ભારતીય સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી હતી.[૩] એડન બંદર ખાતેથી સ્થળાંતર ૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરવામાં આવ્યું. સા'ના ખાતેથી હવાઇ માર્ગે ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયા દ્વારા સ્થળાંતર ૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરાયું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ૪૬૪૦ ભારતીય નાગરિકો અને ૪૧ દેશોના ૯૬૦ વિદેશી નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.[૨] હવાઇ માર્ગે સ્થળાંતર ૯ એપ્રિલના રોજ અને દરિયાઇ માર્ગે ૧૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ પૂર્ણ થયું.[૧][૪][૫]
શિયા હુથી બળવાખોરો વિરુદ્ધ સાઉદી વાયુસેનાના નેતૃત્વ હેઠળ આરબ દેશોએ માર્ચ ૨૭, ૨૦૧૫ના રોજ સૈન્ય કાર્યવાહીની શરુઆત કરી.[૬] તેના અગાઉના મહિનાઓમાં અશાંતિનો લાભ લઈ અને હુથી બળવાખોરોએ રાષ્ટ્રપતિ અબ્દ રબ્બાહ મન્સુર હદીની સરકારને ઉથલાવી અને દેશના મોટા હિસ્સા પર કબ્જો જમાવી દીધો હતો.
તે ગાળામાં જ વધુ હિંસાની આશંકાને આધારે ભારતીય વિદેશ મંત્રાલયે જાન્યુઆરી ૨૧, ૨૦૧૫ ના રોજ યમન ખાતે વસેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા સલાહ અપાઈ.[૭] ફેબ્રુઆરી ૨૦, ૨૦૧૫ના રોજ જાહેર કરાયેલ સલાહ અનુસાર યમનની મુસાફરી કરવા પણ ના પાડવામાં આવી હતી.[૮][૯] અંતે ૨૫ માર્ચ ૨૦૧૫ના રોજ આરબ સૈન્ય કાર્યવાહીના બે દિવસ અગાઉ તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક યમન છોડવા જાહેર સૂચના આપવામાં આવી.[૧૦] જોકે, આશરે ૫,૦૦૦ ભારતીયોએ સલાહ અને અંતની ચેતવણીને અવગણી અને તેઓ યમનમાં ફસાઈ ગયા.
યમનમાં ઉડ્ડયન નિષેધ જાહેર થયેલ હોવાથી ભારત દ્વારા જીબુટીને કાર્યવાહીનું કેન્દ્ર બનાવવા નિર્ધાર કરાયો અને ભારતીયોને સા'ના અથવા એડન પહોંચવા જણાવવામાં આવ્યું. ભારતીય નૌસેનાએ લક્ષદ્વીપ ટાપુઓ પાસે ચાંચિયા વિરુદ્ધ કાર્યવાહીમાં તૈનાત ચોકિયાત મનવાર આઇએનએસ સુમિત્રાને એડન પહોંચવા આદેશ આપ્યો. આ સાથે વિનાશિકા આઇએનએસ મુંબઈ અને ફ્રિગેટ આઇએનએસ તરકશને મુંબઈ ખાતેથી ભારતીય મનવારો અને વિમાનોને આધાર અને સુરક્ષા આપવા યુદ્ધક્ષેત્રમાં તૈનાત કરી. આ બંને મનવારોએ યમન પહોંચવા ૧,૩૫૦ નોટિકલ માઇલ (૨,૫૦૦ કિમી) અંતર ચાર દિવસમાં કાપ્યું. ભારતીય વાયુસેનાએ ૬૦૦ ઉતારુની ક્ષમતા ધરાવતા બે સી-૧૭ વિમાનો જિબુટી ખાતે નિયુક્ત કર્યાં.[૧૧][૧૨]
લક્ષદ્વીપ વહીવટી તંત્રની બે ઉતારુ નૌકાઓ કાવારત્તી અને કોરલ્સને એડન તરફ રવાના કરવામાં આવી.[૧૩][૧૪] તેમની કુલ ક્ષમતા ૧,૫૦૦ની હતી. વધુમાં, મસ્કત, ઓમાન ખાતે એર ઇન્ડિયાના બે એરબસ એ૩૨૦ વિમાનો નિયુક્ત કરવામાં આવ્યા.[૧૫]
૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ આઇએનએસ સુમિત્રા એડન બંદર પર પહોંચી અને ૩૪૯ ભારતીયોને સ્થળાંતર કરવામાં સફળ થઈ. એર ઇન્ડિયાને સા'ના વિમાનમથક સુધી ઉડાન માટે ૩ એપ્રિલના રોજ પરવાનગી મળતાં તેણે સા'નાથી જિબુટી સ્થળાંતરની શરુઆત કરી. તે જ સાથે જિબુટીથી મુંબઈ અથવા કોચી પણ લોકોને ખસેડવાની શરુઆત કરવામાં આવી. બે સી-૧૭ વિમાનોએ જિબુટી-મુંબઈ માર્ગ પર નવ અને કોચી માર્ગ પર બે વખત ઉડાન ભરી. ૪ એપ્રિલના રોજ આઇએનએસ મુંબઈ એડન ખાતે પહોંચી પરંતુ ગોલંદાજીને કારણે તે ગોદી સુધી ન પહોંચી શકી. તેથી, લોકોને બંદરથી મનવાર સુધી નાની નૌકાઓમાં ખસેડવામાં આવ્યા.[૧૧]
સમગ્ર કાર્યવાહી દરમિયાન ૪,૬૬૦ ભારતીયો અને ૪૧ દેશના ૯૬૦ વિદેશી નાગરિકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા.[૧][૨] કેટલાક દેશો આ પ્રકારની કાર્યવાહી કરવા સક્ષમ ન હોવાથી તેમણે ભારતને આ કાર્ય કરવા વિનંતી કરી હતી. તેમાં સામેલ દેશો: બહેરીન, બાંગ્લાદેશ, કેનેડા, ક્યુબા, ચૅક ગણરાજ્ય, જિબુટી, ઇજિપ્ત, ફ્રાન્સ, હંગેરી, ઇન્ડોનેશિયા, આયરલેંડ, ઈટલી, જોર્ડન, કેન્યા, લેબેનાન, માલદીવ્સ, મોરોક્કો, મ્યાનમાર, નેપાલ, પાકિસ્તાન, ફીલીપાઈન્સ, રોમાનિયા, રશિયા, સિંગાપુર, શ્રીલંકા, સ્લોવેનિયા, સ્વિડન, સિરિયા, તુર્કી, થાઇલેન્ડ, યુગાન્ડા, યુનાઇટેડ કિંગ્ડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા હતા. આશરે ૨,૯૦૦ ભારતીયોને સા'ના ખાતેથી ખાસ વિમાનો દ્વારા અને ૧,૬૭૦ ભારતીયોને ચાર બંદરો દ્વારા ભારતીય નૌસેના દ્વારા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.[૧૬][૧૭][૧૮] ૧૧ ભારતીય નાગરિકોને પાકિસ્તાન નૌસેના દ્વારા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને તેમને કરાચી ખાતેથી ૮ એપ્રિલના રોજ ભારત વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.[૧૬][૧૯][૨૦] હવાઇ સ્થળાંતર ૯ એપ્રિલ અને દરિયાઇ સ્થળાંતર ૧૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ પૂર્ણ થયું હતું.[૨૧] આશરે ૨૦૦ ભારતીય નાગરિકોએ વિવિધ કારણોસર યમન છોડવા ના પાડી હતી.[૨૨]
નિમ્નલિખિત કોષ્ટક દરિયાઇ માર્ગે કરાયેલ સ્થળાંતર દર્શાવે છે:[૨૩]
સ્થળાંતરની તારીખ | બંદર | નાવ | જિબુટી ખાતે આગમન | સ્થળાંતરિત વ્યક્તિઓ | ||
---|---|---|---|---|---|---|
ભારતીયો | વિદેશી | કુલ | ||||
માર્ચ ૩૧ | એડન | સુમિત્રા | એપ્રિલ ૧ | ૩૪૯ | ૦ | ૩૪૯ |
એપ્રિલ ૨ | અલ હુદાયદા | સુમિત્રા | એપ્રિલ ૩ | ૩૦૬ | ૧૧ | ૩૧૭ |
એપ્રિલ ૪ | એડન | મુંબઈ | એપ્રિલ ૪ | ૨૬૫ | ૧૭૬ | ૪૪૧ |
એપ્રિલ ૫ | અશ સિહર | સુમિત્રા | એપ્રિલ ૫ | ૧૮૨ | ૨૧ | ૨૦૩ |
એપ્રિલ ૬ | અલ હુદાયદા | મુંબઈ | એપ્રિલ ૬ | ૪૬૩ | ૧૧ | ૪૭૪ |
એપ્રિલ ૭ | અલ હુદાયદા | તરકશ | એપ્રિલ ૮ | ૫૪ | ૨૦ | ૭૪ |
એપ્રિલ ૯ | અલ હુદાયદા | સુમિત્રા | એપ્રિલ ૧૦ | ૪૬ | ૩૦૩ | ૩૪૯ |
એપ્રિલ ૧૦ | એડન | તરકશ | એપ્રિલ ૧૧ | ૪૨ | ૪૨૨ | ૪૬૪ |
એપ્રિલ ૧૫ | અલ હુદાયદા | સુમિત્રા | એપ્રિલ ૧૬ | ૭૬ | ૩૨૭ | ૪૦૩ |
કુલ | ૧૭૮૩ | ૧૨૯૧ | ૩૦૭૪ |
ઓપરેશન રાહત પૂર્ણ કરી અને આઇએનએસ મુંબઈ અને આઇએનએસ તરકશ મુંબઈ ખાતે અનુક્રમે ૧૬ અને ૧૮ એપ્રિલના રોજ પાછી ફરી હતી. કાવારત્તી અને કોરલ્સ ઉતારુ નૌકા કોચી ખાતે ૪૭૫ યાત્રીઓ સાથે ૧૮ એપ્રિલના રોજ કોચી આવી પહોંચી હતી.[૨૪]