કમલ વોરા | |
---|---|
જન્મ | ૧૯ મે ૧૯૫૦ રાજકોટ, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, સંપાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
કમલ વોરા (જ. ૧૯ મે ૧૯૫૦) એ ભારતના મુંબઈ શહેરમાં રહેતા એક ગુજરાતી ભાષાના કવિ અને સંપાદક છે. તેઓ 'એતદ્' નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામયિકના તંત્રી છે.[૧]
કમલ વોરાનો જન્મ ૧૯ મે ૧૯૫૦ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે થયો હતો.[૨] ૨૦૧૦ થી નૌશીલ મેહતા સાથે મળી તેઓ 'એતદ્' નામનું એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામાયિકનું સંપાદન કરે છે જેની સ્થાપના સુરેશ જોષી દ્વારા કરવામાં આવી હતી. તેઓ સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકાર બોર્ડના સભ્ય હતા. [૩][૪]
૧૯૭૧થી તેમની કવિતાઓ સામયિકોમાં છપાવાની શરૂઆત થઈ. તેમનો પહેલો કાવ્યસંગ્રહ 'અરવ' ૧૯૯૧માં પ્રગટ થયો હતો,[૫] ત્યાર બાદ 'અનેકએક' (૨૦૧૨) અને 'વૃદ્ધશતક' (૨૦૧૫) સંગ્રહો પ્રકાશિત થયા. તેમની કવિતાઓ હિંદી, મરાઠી, બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે અને ઇન્ડિયન લીટરેચર જર્નલ, શિકાગો રીવ્યુ, એન્થોલોજી ઓફ એશિયન પોએટ્સ, મ્યુઝ ઈન્ડિયા ઇત્યાદિમાં પ્રસિદ્ધ થઈ છે.[૩] પ્રવીણ પંડ્યા સાથે મળિને તેમણે 'આધુનિક ભારતીય કવિતા' પુસ્તકનું સહસંપાદન કરેલ છે.
તેમને તેમના પુસ્તક 'અનેકએક' (૨૦૧૨) માટે ૨૦૧૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. [૬] તેમના પુસ્તક 'અરવ'ને ઉમાશંકર જોશી પુરસ્કાર મળ્યો હતો.[૩] ૨૦૨૨માં તેમને ૨૦૨૦ના વર્ષનો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૭] તેમને ૨૦૨૪ના વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.[૮]