ડૉ. કમલા બેનીવાલ | |
---|---|
![]() સરદાર વલ્લભભાઈ પટેલ ને સમર્પિત રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉદઘાટન પ્રસંગે કમલા બેનીવાલ | |
મિઝોરમના રાજ્યપાલ | |
પદ પર ૬ જુલાઇ ૨૦૧૪ – ૬ ઓગસ્ટ ૨૦૧૪ | |
પુરોગામી | વાક્કોમ પુરુષોત્તમન |
ગુજરાતના રાજ્યપાલ | |
પદ પર ૨૭ નવેમ્બર ૨૦૦૯ – ૬ જુલાઈ ૨૦૧૪ | |
પુરોગામી | એસ સી ઝમીર |
અનુગામી | માર્ગારેટ અલ્વા |
ત્રિપુરાના રાજ્યપાલ | |
પદ પર ૧૫ ઓક્ટોબર ૨૦૦૯ – ૨૬ નવેમ્બર ૨૦૦૯ | |
પુરોગામી | દિનેશ નંદન સહાય |
અનુગામી | ડી. યશવંતરાવ પાટીલ |
અંગત વિગતો | |
જન્મ | ગોરીર, ઝુંઝુનૂ, રાજસ્થાન | January 12, 1927
મૃત્યુ | 15 May 2024 જયપુર, રાજસ્થાન, ભારત | (ઉંમર 97)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રામચંદ્ર બેનીવાલ |
માતા-પિતા | નેતરામસિંહ |
નિવાસસ્થાન | ગાંધીનગર |
માતૃ શિક્ષણસંસ્થા | મહારાજાની કૉલેજ, જયપુર અને બનાસ્થલી વિદ્યાપીઠ |
વ્યવસાય | રાજકારણી |
ક્ષેત્ર | કૃષિ |
કમલા બેનીવાલ (૧૨ જાન્યુઆરી ૧૯૨૭ – ૧૫ મે ૨૦૨૪) એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી હતા.[૧] તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ સભ્ય હતા.[૨] તેમણે વિવિધ પદો પર મંત્રી તરીકે અને ૨૦૦૩માં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.[૩] બાદમાં તેમણે ૨૦૦૯ થી ૨૦૧૪ ની વચ્ચે વિવિધ ભારતીય રાજ્યોના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ૧૯૫૪માં ૨૭ વર્ષની ઉંમરે તેઓ રાજસ્થાનમાં પ્રથમ મહિલા પ્રધાન બન્યા હતા. તેઓ પૂર્વોત્તર રાજ્યોમાં રાજ્યપાલ તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા હતા. સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનની માન્યતામાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી તરફથી તેમને 'તામ્રપત્ર પુરસ્કાર' પ્રાપ્ત થયો હતો.[૪]
બેનીવાલનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૨૭ના રોજ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે જાટ[૫] પરિવારમાં થયો હતો.[૬] તેઓ માત્ર ૧૫ વર્ષની તરુણ વયના હતા ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા અને ભારત છોડો ચળવળમાં સામેલ થયા હતા.[૪]
૧૯૫૪માં, ૨૭ વર્ષની વયે, તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યા. બેનીવાલ ૧૯૫૪થી રાજસ્થાનમાં એક પછી એક કોંગ્રેસ સરકારોમાં મંત્રી હતા અને ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્વના વિભાગો સંભાળતા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલ પ્રધાન પદે રહ્યા હતા.
૧૯૮૦ થી ૧૯૯૦ના એક દાયકા સુધી તેઓ રાજસ્થાન સરકારમાં કેબિનેટ પ્રધાન રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી હતી.
૧૯૯૩ની સરકારમાં તેઓ મંત્રી ન હતા, પરંતુ જયપુરના બૈરાથ (હવે વિરાટનગર)થી વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૮માં ફરી કેબિનેટ મંત્રી બન્યા અને ૨૦૦૩થી રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી હતા.
તેમની લાંબી કારકિર્દીમાં તેઓ પ્રદેશ કોંગ્રેસ પક્ષની કામગીરી સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય હતા. ૧૯૭૭ની ચૂંટણી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવ તરીકે તેઓ પક્ષના જે હોદ્દાઓ પર હતા તેમાં રાજસ્થાન કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય, રાજસ્થાન મહિલા કોંગ્રેસના પ્રમુખ, રાજસ્થાન પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય અને ત્યારબાદ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષનો સમાવેશ થાય છે.
બેનીવાલ લાંબા સમય સુધી રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા હતા, તેઓ વિવિધ કેબિનેટ પદો પર રહ્યા હતા. એક મંત્રી તરીકે તેમણે લગભગ 50 વર્ષ સુધી રાજસ્થાન સરકારમાં સેવા આપી હતી.
ઓક્ટોબર ૨૦૦૯માં તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પૂર્વોત્તર ભારતના કોઈપણ રાજ્યની પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.[૭] એક મહિના બાદ, ૨૭ નવેમ્બર ૨૦૦૯ના રોજ તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાર વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. ૬ જુલાઈ ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી.[૮] તેમનો કાર્યકાળ પૂરો થવાના માત્ર બે મહિના પહેલાં જ તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.[૯]
૧૫ મે ૨૦૨૪ના રોજ, ૯૭ વર્ષની વયે, જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં ટૂંકી માંદગી પછી બેનીવાલનું અવસાન થયું હતું.[૧૦][૧૧]