કરમશી દામજી જે.પી., રાય બહાદુર [૧] (૧૮૪૪-૧૯૧૮) [૨] એક જાણીતા ઉદ્યોગપતિ હતા.[૩] તેઓ કચ્છના એક નાનકડા ગામ વાઘુરાથી નાની ઉંમરે બોમ્બે (હાલ મુંબઇ) સ્થળાંતર થયા અને બોમ્બે પોર્ટ ટ્રસ્ટ સાથે કામ કરીને ખૂબ જ સફળ ઉદ્યોગપતિ બન્યા. [૪]
દામજીની કંપની 'કરમશી દામજી એન્ડ સન્સ' બોમ્બે બંદર પર કાર્યરત હતી.[૫] ૧ જાન્યુઆરી, ૧૮૯૯ના રોજ તેમને ભારતની તત્કાલીન બ્રિટીશ સરકારે તેમના સારા સામુદાયિક કાર્ય માટે "રાવ બહાદુર" નામનું સન્માન આપ્યું હતું.[૬]
મુંબઈના દરિયા સ્થાન મસ્જિદ બંદર (કચ્છી લોહાણા મહાજન)ને તેમના સન્માનમાં કરમશી દામજી કમ્યુનિટિ હોલ નામકરણ કરાયું હતું.[૪] તેમણે બ્રહ્માનંદ સ્વામી દ્વારા લખાયેલ મહત્વપૂર્ણ સ્વામિનારાયણ શાસ્ત્ર, બ્રહ્માનંદ કાવ્ય (૧૯૦૨) નું સહસંપાદન કર્યું હતું. આ પુસ્તકની નકલનો ઉલ્લેખ ૧૯૧૫માં બ્રિટિશ સંગ્રહાલયના મરાઠી અને ગુજરાતી પુસ્તકોના સૂચિપત્ર અંતર્ગત મુદ્રિત પુસ્તકો અને પાંડુલિપિ વિભાગમાં કરવામાં આવ્યો હતો.[૭]
દામજીએ ત્રણ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. પ્રથમ 'આર.બી. શેઠ કરમશી દામજી આરોગ્ય ભવન ટ્રસ્ટ' કે જેમાં માથેરાન ખાતે આવેલા સેનેટોરિયમ (સેવાશ્રમ)નો સમાવેશ થાય છે. બીજું, 'આર.બી. શેઠ કરમશી દામજી મથુરા વાગોરા ધર્મશાળા ટ્રસ્ટ' અંતર્ગત વાગોરામાં એક ધર્મશાળા આવેલી છે. ત્રીજું, શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઇની વિવિધ પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતું 'આર.બી. શેઠ કરમશી દામજી સ્વામિનારાયણ મંદિર ચેરીટી ટ્રસ્ટ'. [૪] તેમના અવસાન બાદ તેમના નામે મુંબઈ યુનિવર્સિટીમાં વાર્ષિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ અંતર્ગત કચ્છી લોહાણા સમુદાયના સૌથી ટોચના વિદ્યાર્થીને રૂ. ૨૫૦/- આપવામાં આવતા હતા.[૮]