કાંકરિયા તળાવ | |
---|---|
કાંકરિયા કાર્નિવલ સમયે કાંકરિયા તળાવનું રાત્રિ દૃશ્ય | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°00′22″N 72°36′04″E / 23.006°N 72.6011°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
કિનારાની લંબાઈ૧ | 3.15 km (1.96 mi) |
ટાપુઓ | નગીના વાડી |
રહેણાંક વિસ્તાર | અમદાવાદ |
૧ કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી. |
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે.[૧] કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.[૨]
કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું.[૩] તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા.[૩] એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરીસ્થિતિમાં રહેવા પામી હતી.[૩] એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.[૪]
રૂ. ૩૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો.[૫] કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો, જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું.[૬] ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.[૭]
૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે.[૮] તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૮]
તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે, જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતું. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ અને પ્લે હાઉસ છે.
કિડ્ઝ સીટી નાના બાળકો માટે રચાયેલ વિશ્વ છે. ૪,૨૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિસ્તારમાં ૧૮ પ્રવૃત્તિ કેન્દ્રો છે.[૯] તેમાં બેંક,અગ્નિશામક હાઉસ,રેડિયો સ્ટેશન,પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે.[૧૦] અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.[૧૧]
અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે.[૧૨]હાલમાં આ ટ્રેન તળાવની ફરતે 2.4 miles (3.9 km)ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે.[૧૩] આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે.[૧૪]
અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.