કિસ્સા કુર્સી કા | |
---|---|
દિગ્દર્શક | અમૃત નહાટા |
નિર્માતા | ભાગવત દેશપાંડે વિજય કાશ્મીરી બાબા મજગાંવકર |
કલાકારો | શબાના આઝમી રાજ કિરણ ઉત્પલ દત્ત રેહાના સુલ્તાન મનોહર સિંગ |
સંગીત | જયદેવ |
રજૂઆત તારીખ | ૧૯૭૭ |
અવધિ | ૧૪૨ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | હિંદી |
કિસ્સા કુર્સી કા (ભાષાંતર: સત્તાની વાર્તા) ૧૯૭૭ની ભારતીય સાંસદ અમૃત નહાટા દ્વારા નિર્દેશિત અને બદ્રી પ્રસાદ જોષી વડે રજૂ થયેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીના રાજકારણ પરનો ઉપહાસ હતી અને તેના પર ભારત સરકાર વડે કટોકટી સમયગાળા દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેની બધી નકલો જપ્ત કરવામાં આવી હતી. ફિલ્મનું સંગીત જયદેવ વર્માનું હતું.[૧][૨]
આ ચલચિત્રની વાર્તા ભ્રષ્ટ રાજકારણી ગંગારામ અથવા ગંગુ વિશે છે, જે પાત્ર મનોહર સિંગ દ્વારા ભજવાયું હતું, જે શબાના આઝમી દ્વારા ભજવાયેલ ભોળી અને લાચાર જનતાના પાત્રને છેતરવાનો પ્રયત્ન કરે છે. આ ચલચિત્ર રાજકારણીઓના સ્વાર્થીપણા અને તંત્ર ઉપર કટાક્ષ કરે છે.
એપ્રિલ ૧૯૭૫ના રોજ આ ચલચિત્ર સેન્સર બોર્ડ સમક્ષ પ્રમાણપત્ર માટે રજૂ કરવામાં આવ્યું હતું. ચલચિત્રમાં સંજય ગાંધીના વાહનનિર્માણ ઉદ્યોગ (જે પછીથી ૧૯૮૧માં મારૂતિ ઉદ્યોગ તરીકે શરૂ કરવામાં આવ્યો) તેમજ કોંગ્રેસના ટેકેદારો જેવા કે, ઇન્દિરા ગાંધીના અંગત સચીવ સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારી અને રૂકસાના સુલ્તાન જેવા પાત્રો દર્શાવવામાં આવ્યા હતા. સેન્સર બોર્ડે ૭ વ્યક્તિઓની સમિતિને આ ચલચિત્ર સોંપ્યું જેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યું. ત્યાર પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ચલચિત્રના નિર્માતાને ૫૧ વાંધા દર્શાવતી કારણ-દર્શાવો સૂચના મોકલવામાં આવી હતી. નિર્માતા નહાટાએ ૧૧ જુલાઇ ૧૯૭૫ના રોજ જવાબમાં કહ્યું હતું કે "બધાં જ પાત્રો કાલ્પનિક છે અને કોઇ રાજકીય પક્ષ કે વ્યક્તિઓને રજૂ કરતા નથી." આ સુધીમાં કટોકટી લાગુ પડી ગઇ હતી.[૩]
ત્યાર પછી, ચલચિત્રની બધી જ નકલો અને મુખ્ય આવૃત્તિ સેન્સર બોર્ડના કાર્યાલયમાંથી ઉઠાવીને ગુડગાંવ ખાતે આવેલા મારૂતિ ઉદ્યોગના કારખાનામાં લાવવામાં આવી હતી, જ્યાં તે સળગાવી દેવાઇ હતી. સંજય ગાંધી દ્વારા કટોકટી દરમિયાન કરેલા અપરોધોની તપાસ કરવા નિમાયેલા ભારત સરકાર દ્વારા નિમાયેલા શાહ કમિશને ચલચિત્રની નકલોને સળગાવવાના આરોપસર સંજય ગાંધી અને તે વખતના માહિતી અને પ્રસારણ મંત્રી વી.સી. શુક્લાને દોષી ઠેરવ્યા હતા.[૩][૪]
કાનૂની મુકદમો ૧૧ મહિના ચાલ્યો હતો અને કોર્ટે ૨૭ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ ચુકાદો આપ્યો હતો. સંજય ગાંધી અને શુકલાને અનુક્રમે એક મહિનો અને ૨ વર્ષની જેલ થઇ હતી. સંજય ગાંધીના જામીન નકારવામાં આવ્યા હતા. આ ચુકાદો પછીથી ઉલટાવવામાં આવ્યો હતો.[૩][૪] ચુકાદામાં દિલ્હીની તીસ હજારી કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ઓ. એન. વોહરાએ આપ્યો હતો, જેમાં વિશ્વાસ ભંગ, આગ લગાવવી, અપરાધી વસ્તુઓ મેળવવી, ચોરેલી વસ્તુઓ છુપાવવી અને પુરાવાનો નષ્ટ કરવો જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા.[૫]