કુંભકર્ણ (સંસ્કૃત: कुम्भकर्ण) Kumbhakarṇa, એ ભારતીય પૌરાણિક કથાઓમાં રાક્ષસ અને રાવણનો ભાઈ છે. તે તેની રાક્ષસી કાયા અને ખાઉધરાપણાં માટે જાણીતો છે. તેનું વર્ણન જેની ઇન્દ્રને પણ ઈર્ષા થતી તેવા કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિશાળી અને નિર્ભય યોદ્ધા તરીકે થયું છે. પોતાનાં ભાઈઓ, રાવણ અને વિભીષણ સાથે તેમણે બ્રહ્માને રીઝવવા મહાયજ્ઞ કર્યો. જ્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે, દેવી સરસ્વતીએ તેમની જીભ પર કાબુ કરી લીધો અને તેમણે ’ઈન્દ્રાસન’ને બદલે ’નિદ્રાસન’ માંગી લીધું. એમ પણ કહેવાય છે કે તે ’નિર્દેવત્વમ’ (દેવતાઓનો નાશ) માંગવા ઈચ્છતો હતો કિંતુ માંગી બેઠો ’નિદ્રાવત્વમ’ (નિદ્રા, ઊંઘ) માંગી બેઠો. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું (તેની માંગ પુરી કરી). પણ તેના ભાઈ રાવણે બ્રહ્માજીને આ વરદાન પરત લેવા કહ્યું, કારણ કે આ તો વરદાનને બદલે શાપ મળ્યા બરાબર થયું. આથી પછી તેને છ માસ ઊંઘ અને છ માસ જાગૃત થવાનું વરદાન મળ્યું. તે જ્યારે જાગતો ત્યારે આસપાસનાં, માનવ સહીત, સઘળાં પદાર્થોનું ભક્ષણ કરી જતો.
યુદ્ધ સમયે, જ્યારે રાવણને તેની મદદની જરૂર પડી ત્યારે તેને મહાપ્રયત્ને જગાડ્યાનું રામાયણની કથામાં વર્ણન છે. અને જાગીને જ્યારે તેણે સમગ્ર પરિસ્થિતિ વિશે જાણ્યું ત્યારે પ્રથમ તો તેણે રાવણને એ ખોટું કૃત્ય કરી રહ્યો હોવાનું મનાવવા પ્રયત્ન કરેલો.[૧] જો કે અંતે, પોતાના ભાઈ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સમજી તેમણે યુદ્ધ લડવાનું સ્વીકાર્યું. યુદ્ધ મેદાનમાં તેમણે રામનાં સૈન્યને ખેદાનમેદાન કરી નાંખ્યું, હનુમાન અને સુગ્રીવ જેવા મહાયોદ્ધાઓને પણ ઈજાગ્રસ્ત કરી મેલ્યા. પણ અંતે રામનાં હાથે તેમનું મૃત્યુ થયું.[૨] જ્યારે રાવણે તેમનાં મૃત્યુનાં સમાચાર સાંભળ્યા ત્યારે તેને મૂર્છા આવી અને તેણે કહ્યું કે હવે ખરે જ તે વિનાશનાં પંથે છે.
કુંભકર્ણને બે પુત્ર હતા, કુંભ અને નિકુંભ, જે પણ રામ સામેનાં યુદ્ધમાં લડ્યા અને મૃત્યુ પામ્યા.[૩]
ખરે જ કુંભકર્ણ એ રામાયણનું એક રસપ્રદ પાત્ર છે. જ્યારે તેનાં મોટાભાગનાં પાત્રો કાં તો સદ્ગુણી અથવા એથી ઉલટ ચારિત્ર્ય ધરાવતા છે તેમાં આ પાત્ર એક પ્રકારનું અકળ સ્વરૂપ ધરાવે છે. તે રાવણનો દોષ કે ક્ષતિ જોઈ શકે છે, તેનાં કાર્યમાં હસ્તક્ષેપ કરવાનો કે તેને સુધારવાનો પ્રયત્ન પણ ઘણી વખત કરે છે, છતાં તે રાવણનો ખુલ્લેઆમ વિરોધ કરવા અસમર્થ છે, તેની અંગત લાગણીઓ તેનાં યોદ્ધાધર્મથી દબાયેલી છે. તે જેને ખોટા માને છે, ખોટી બાજુ, અધર્મ તરફ, ગણે છે, તેનાં પક્ષમાં જ રહી યુદ્ધ પણ કરે છે. અંતે જ્યારે તે હણાય છે ત્યારે રામમય બની જાય છે અને મુક્તિ પામે છે.[૪]
રામ અને કુંભકર્ણનાં આ પ્રસિદ્ધ યુદ્ધની કથાનું સુંદર આલેખન બાલિનિઝ નૃત્ય (Kecak)માં જોવા મળે છે.
શિવપુરાણ પ્રમાણે, કુંભકર્ણને ભીમ નામનો એક અન્ય પુત્ર પણ હતો જે પોતાની માતા કાર્કતી સાથે, સહ્યાદ્રી ગીરીમાળાઓમાં ડાકણ (ડાકિની) પાસે જતો રહ્યો હતો. ભીમે ભગવાન વિષ્ણુનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને અગાઉ બ્રહ્માજી પાસેથી મળેલા વરદાનનાં બળ પર આતંક ફેલાવ્યો હતો. જ્યારે ભીમે ભગવાન શિવનાં ભક્તોને કનડવાનું અને તેમની તપસ્યા ભંગ કરવાનું ચાલુ કર્યું ત્યારે ભગવાન શિવે તેમનો નાશ કર્યો. જે સ્થળે ભગવાન શિવે સ્વયં પ્રગટ થઈ ભીમનો નાશ કર્યો તે સ્થળ, દ્વાદશ જ્યોર્તિલિંગમાંનું એક, ભીમશંકર જ્યોર્તિલિંગ તરીકે પ્રસિદ્ધ છે.