ડૉ. કેશવ બલીરામ હેડગેવાર (૧ એપ્રિલ ૧૮૮૯ – ૨૧ જૂન ૧૯૪૦), એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડૉક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમણે ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ. એસ.)ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ હિંદુત્વની વિચારધારા ધરાવતા એક ભારતની સંકલ્પનાનો પ્રસાર કરવાનો હતો.[૧][૨]
તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ની ચૈત્ર સુદ પ્રતિપદા (એકમ) (૧ એપ્રિલ ૧૮૮૯) ના દિવસે નાગપુરના મરાઠી દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૩][૪][૫] તેમના પિતાનું નામ બલિરામ પંત હેડગેવાર અને માતાનું નામ રેવતી હતું. તેઓનો પરિવાર એક સામાન્ય પરિવાર હતો. જ્યારે હેડગેવાર ૧૩ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા બન્ને પ્લેગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા.[૬] તેમના મોટા ભાઈ મહાદેવ પંત અને સીતારામ પંતે તેમને મોટા કર્યા અને તેમને યોગ્ય અભ્યાસની સવલત પૂરી પાડી.
જ્યારે તેઓ નાગપુરની નીલ સીટી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા હતા ત્યારે બ્રિટિશ રાજ દ્વારા પ્રતિબંધિત 'વંદે માતરમ્' ના ગાન બદલ તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.:40 જેને પરિણામે તેમણે આગળનો અભ્યાસ યવતમાળ અને પુણેની રાષ્ટ્રીય શાળામાં કર્યો. મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યા પછી ૧૯૧૦માં તેમને બી. એસ. મુંજે (હિંદુ મહાસભાના પ્રમુખ)એ તેમને વૈદકીય અભ્યાસ માટે કોલકત્તા મોકલ્યા.[૭] [૮]
જૂન ૧૯૧૪માં તેમણે એલ. એમ.એસ. ની પરીક્ષા પાસ કરી અને એક વર્ષની તાલીમ લઈ ૧૯૧૫માં તેઓ નાગપુર આવ્યા. [૯]
૧૯૨૦ના દશકમાં હેડગેવારે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં સક્રિય ભૂમિકા ભજવી હતી. પણ તેની નીતિઓ અને આંતરિક ખટપટો તેમને ગમી નહિ. ૧૯૨૩માં ફાટી નીકળેલા હિંદુ મુસ્લિમ દંગાઓને કારણે એક નવા રાષ્ટ્ર-નિર્માણની સંકલ્પના તેમના વિચારોમાં આકાર પામી. લોકમાન્ય બાળગંગાધર ટિળક અને સાવરકરના લખાણોની તેમના પર ઊંડી અસર પડી. તેમનો વિચાર હતો કે હિંદુઓનો રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના પાયા પર રચાવો જોઈએ.[૧૦]
૧૯૨૫માં વિજયા દશમીને દિવસે હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ હિંદુ સમાજના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવન દઈ સમાજનું પુનર્ગઠન કરવાનો અને તેના દ્વારા દેશને વિદેશી આધિપત્યથી છોડાવવાનો હતો.[૧૧] તેમણે આ સંગઠન માટે 'રાષ્ટ્રીય' શબ્દ પસંદ કર્યો કેમકે તેઓ હિંદુ તરીકેની ઓળખને રાષ્ટ્રીયતા સાથે પ્રતિપાદીત કરવા ધારતા હતા. આ વાતની પુષ્ટિ તેમની શાખાની સભાને અંતે ગવાતી પ્રાર્થના દ્વારા થઈ શકે છે.[૧૨] ૧૯૩૬માં તેમણે સંસ્થાની મહિલા શાખાની શરૂઆત કરી.[૧૩][૧૪]
ભૈયાજી દાની, બાબા સાહેબ આપ્ટે, બાળાસાહેબ દેઓરસ અને મધુકર રાવ ભાગવત આદિ તેમના શરૂઆતી અનુયાયીઓ હતા. નાગપુર અને આસપાસના ક્ષેત્રોમાં સંઘ શક્તિશાળી બનવા લાગ્યો અને અમુક સમયમાં તે અન્ય પ્રાંતોમાં પણ ફેલાવા લાગ્યો. હેડગેવાર ઘણી જગ્યાએ ફર્યા અને યુવકોને સંઘના કાર્યમાં સહભાગી થવા આમંત્રણ આપતા. ધીમે ધીમે તેમના ઓળખીતાઓ તેમને પ્રેમથી ડોક્ટરજીના હુલામણા નામે સંબોધવા લાગ્યા.[૧૫] તેમની હાકલ થતા સંઘના સ્વયંસેવકો અભ્યાસ માટે કાશી અને લખનૌ જેવા શહેરોમાં ગયા અને ત્યાં પણ સંઘની શાખાઓ સ્થાપી.
૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પછી હેડગેવારે સંઘને ભારતીય સ્વતંત્રતા ચળવળ થી દૂર રાખ્યો. બ્રિટિશ વિરોધી જાહેર થાય એવી કોઈ પણ રાજનૈતિક પ્રવૃત્તિથી સંઘ દૂર રહ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લેખક સી. પી. ભીશીકર લખે છે કે,"સંઘની સ્થાપના પછી, ડૉક્ટર સાહેબે તેમના ભાષણો માત્ર હિંદુ સંગઠન પર જ કેંદ્રિત રાખ્યા હતા. તેમાં સરકાર ઉપર સીધી ટિપ્પણીઓ નહિવત્ હતી."[૧૬][પાનાં ક્રમાંક જરૂરી છે][૧૭]
૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જ્યારે મહાસભા (કૉંગ્રેસ)એ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો અને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦નો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે હેડગેવારે સંઘની શાખાઓ માટે પરિપત્ર જાહેર કર્યું જેમાં તેમણે તે દિવસે ત્રિરંગા ધ્વજને બદલે ભગવો ઝંડો ફરકાવી પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું.[૧૮][૧૯][૨૦][૨૧] માત્ર ૧૯૩૦ના વર્ષે જ સંઘે ૨૬ જાન્યુઆરી ઉજવી, ત્યાર બાદ આ ઉજવણી બંધ થઈ. પરંતુ દેશમાં ૨૬ જાન્યુઆરી ઉજવાતી રહી અને પ્રાયઃ તેના પરિણામ સ્વરૂપ લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતો. સી. પી. ભીશીકર આગળ જણાવે છે કે,
[એપ્રિલ ૧૯૩૦માં], મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ કરવાની હાકલ પાડી હતી. ગાંઘીજીએ જાતે દાંડી યાત્રા કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો. આમાં ડૉ હેડગેવારે અંગત ધોરણે ભાગ લેવાનું નક્કી કર્યું અને સંઘને સત્તાવાર રીતે સ્વાતંત્ર્ય ચળવળથી દૂર રાખ્યો. તેમણે દરેક સ્થળે માહિતી મોકલાવી કે સંઘ સત્યાગ્રહમાં ભાગ નહિ લે. તેમ છતાં જે લોકો અંગત ધોરણે ભાગ લેવા માંગે તેમના પર કોઈ રોક નથી. આનો અર્થ એવો થયો કે સંઘનો કોઈ પણ જવાબદાર કાર્યકર સત્યાગ્રહમાં ભાગ ન લઈ શકે.[૨૨][૨૩]
હેડગેવાર હંમેશા ભાર મૂકતા કે ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની ચળવળમાં તેમેણે અંગત રીતે ભાગ લીધો હતો ન કે આર.એસ.એસ. કાર્યકર તરીકે. તેઓ આર.એસ.એસ.ને રાજનીતિથી દૂર રાખવા માંગતા હતા.[૨૪]
જીવનના પાછલા વર્ષોમાં તેમની તબિયત બગડવા લાગી. તેમને પ્રાયઃ પીઠનો દુઃખાવો રહેતો. તેમણે સંઘની સત્તાઓ એમ. એસ. ગોલવલકરને સોંપી, જેઓ આગળ જઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક બન્યા.[૨૫]:50 ૧૯૪૦માં ગરમ પાણીના ઝરાના ઉપચાર માટે તેમને બિહારના રાજગૃહીમાં લઈ જવામાં આવ્યા.:189
૧૯૪૦માં તેમણે સંઘ શિક્ષા વર્ગમાં સ્વયંસેવકોને છેલ્લું ઉદ્બોધન કર્યું. તેમાં તેમણે જણાવ્યું કે: 'આજે હું મારી આંખ સમક્ષ એક સૂક્ષ્મ હિંદુ રાષ્ટ્ર જોઈ રહ્યો છું.":25 ૨૧ જૂન ૧૯૪૦ના દિવસે નાગપુરમાં તેમનું મૃત્યુ થયું. તેમની અંત્યેષ્ટી નાગપુરના રેશમ બાગમાં સંપન્ન કરવામાં આવી.