ગાંધી સ્મારક સંગ્રહાલય (ગાંધી મેમોરિયલ ઈન્સ્ટીટ્યૂશન) એક સંગ્રહાલય અને લોકસેવા સંસ્થા છે જે ભારતીય નેતા મહાત્મા ગાંધીના જીવનને યાદ રાખવા, તેમના કાર્ય અને સ્મૃતિને જાળવવા માટે સમર્પિત છે.[૧] ગાંધીજીના જીવનના સંદેશને જીવંત રાખવા અને લોકો સુધી પહોંચવા ગાંધીજીનાં લખાણો, છાયાચિત્રો, રેકોર્ડિંગ અને પ્રદર્શન વગેરે દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.[૨] આ સંસ્થા ભારતના અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે ગાંધીના ગાંધી આશ્રમમાં આવેલી છે. તેમાં ગાંધીજીને અને તેમના દ્વારા લખાયેલા ૩૪૦૬૫ પત્રો, ૧૦૦ કરતાં વધારે છાયાચિત્રો અને ૨૧,૫૦૦ પુસ્તકો રાખવામાં આવ્યા છે.[૩]
૧૯૫૮માં તેની રચના પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિઆ દ્વારા કરવામાં આવી હતી. આ સંગ્રહાલય, ચાર્લ્સ કોરિઆની પ્રથમ મહત્વપૂર્ણ રચના હતી. તેમા શરૂઆતમાં પાણીના તળાવની આસપાસ ૫૧ મોડ્યુલર એકમોનું બનેલું હતું, જે પ્રત્યેક ૬ x ૬ મીટરનું ક્ષેત્ર ધરાવતું હતું. આ સંકુલનું ઉદઘાટન ૧૯૬૩ માં જવાહરલાલ નેહરુ દ્વારા કરાયું હતું.[૩] આ સંગ્રહાલય મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત છે:
હૃદય કુંજમાં (ગાંધીના મૂળ નિવાસસ્થાન) ગાંધીના જીવનને પ્રસ્તૃત કરતા કેટલાક અંગત અવશેષો પ્રદર્શિત કરવામાં છે.[૨] જ્યાં ગાંધીજી ૧૯૧૮ થી ૧૯૩૦ના સમયગાળા દરમિયાન તેમના પત્ની કસ્તુરબા સાથે ત્યાં રહેતા હતા અને અહીં ગાંધીજી રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય નેતાઓને મળતા તથા વાર્તાલાપ કરતા હતા.
ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે અને મીરાંની યાદમાં અહી વિનોબા-મીરાં કુટીર પણ આવેલ છે. શ્રમ ગરિમા અને આત્મનિર્ભરતાના પ્રતીક એવા ઉદ્યોગ મંદિરની પણ ઈ.સ ૧૯૧૮માં કરવામાં આવી હતી.[૪] અહી 'ઉપાસના મંદિર' અને એક ખુલ્લી જગ્યા 'નંદિની' આવેલ છે, જ્યાં ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા અનેક વ્યક્તિઓ ગાંધીજના મહેમાનો બન્યા હતા.[૫]