ગાંધી સ્મૃતિ, (પ્રાચીન નામ : બિરલા હાઉસ અથવા બિરલા ભવન) એ મહાત્મા ગાંધીજીને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ (પ્રાચીન નામ: અલ્બુકાર્ક રોડ) પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઈમારત ભારતીય ઉદ્યોગપતિ, બિરલા પરિવારનું ઘર હતું. હવે તેને ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, તેની સ્થાપના ૨૦૦૫ માં કરવામાં આવી હતી. [૧]
આ સંગ્રહાલય સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ બધા માટે મફત છે. [૨]
બાર શયનખંડનું ધરાવતા આ મકાનનું બાંધકામ ઘનશ્યામદાસ બિરલાએ ઈ.સ. ૧૯૨૮ માં કરાવ્યું હતું. [૩] સરદાર પટેલ અને મહાત્મા ગાંધી બિરલાના અવારનવાર મહેમાન બનતા હતા. તેમના અંતિમ રોકાણ દરમિયાન, મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેઓ ૯ સપ્ટેમ્બર ૧૯૪૭ થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી અહીં રહ્યા હતા. જવાહરલાલ નહેરુએ ઘનશ્યામદાસ બિરલાને પત્ર લખ્યો હતો કે બિરલા હાઉસનો અમુક ભાગ સ્મારકમાં ફેરવાય.[૪] ઘનશ્યામદાસ તેમની સાથે સંકળાયેલ યાદો ને કારણે આ ઘર છોડી દેવામાં અચકાતા હતા. બિરલા હાઉસને શ્રી કે. કે. બિરલા પાસેથી ઈ. સ. ૧૯૭૧ માં, ભારત સરકાર દ્વારા, લાંબી અને કડક વાટાઘાટો બાદ ખરીદવામાં આવ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, તેમણે વેચાણના ભાવમાં ફળોના ઝાડની કિંમત પણ શામેલ કરી હતી. કે. કે. બિરલાએ સરકારને આ મિલકત રૂપિયા ૫૪ લાખ અને સાત એકર શહેરી જમીનના બદલામાં વેચી, આને ખૂબ જ નફાકારક સોદો માનવામાં આવતો હતો. [૫] બિરલા હાઉસ ૧૫ ઑગસ્ટ ૧૯૭૩ ના દિવસે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું, અને તેનું નામ ગાંધી સ્મૃતિ રાખવામાં આવ્યું. આ ઈમારતના સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલા ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે. મુલાકાતીઓ ઈમારત અને મેદાનની મુલાકાત લઈ શકે છે, અહીં તેઓ ગાંધીજી જ્યાં રહેતા હતા તે સંરક્ષિત ઓરડો અને સાંજના ફરવા જતા, જ્યાં તેમને ગોળી વાગી હતી તે મેદાન પરનું સ્થળ જોઈ શકે છે. ગાંધીજીને તેમની પ્રાર્થના દરમિયાન જે સ્થળે ગોળી મારવામાં આવી હતી ત્યાં શહીદની સ્તંભ બાંધવામાં આવ્યો છે.
શહીદ સ્તંભ તે સ્થાનને દર્શાવે છે જ્યાં "રાષ્ટ્રપિતા" ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.
ગાંધી સ્મૃતિ અથવા બિરલા હાઉસ ૩૦ જાન્યુઆરી માર્ગ પર આવેલું છે, કે જે નવી દિલ્હીના કેન્દ્રીય વ્યાવસાયિક ક્ષેત્ર કનૉટ પ્લેસથી થોડા કિલોમીટર દૂર છે.
આ ઘરની બહાર એક સ્તંભ છે જેના પર સ્વસ્તિકનું પ્રતીક છે. તે જ આધારસ્તંભમાં ધ્યાન ધ્વનિ માટેનું ઓમનું પ્રતીક પણ છે.
બિરલા હાઉસ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર