ગાંધીવાદી સમાજવાદ એ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના રાષ્ટ્રવાદી અર્થઘટન પર આધારિત સમાજવાદની શાખા છે. ગાંધીવાદી સમાજવાદ સામાન્ય રીતે ગાંધીજી દ્વારા રચિત હિન્દ સ્વરાજ પર આધારિત છે.
રાજકીય અને આર્થિક શક્તિનું ગઠબંધન, તકનીકીના આધુનિકીકરણ અને મોટા પાયે ઔદ્યોગિકીકરણ પ્રત્યે પરંપરાગતવાદી અનિચ્છા, જ્યારે સ્વ-રોજગાર અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવો એ ગાંધીવાદી સમાજવાદની મુખ્ય લાક્ષણિકતાઓ છે.
જમણેરી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના અટલ બિહારી વાજપેયી અને પાર્ટીના અન્ય નેતાઓએ ગાંધીવાદી સમાજવાદને પાર્ટી માટેના સિદ્ધાંતોમાં શામેલ કર્યા.[૧][૨]
ગાંધીવાદી સમાજવાદની વિચારધારા ગાંધીજીના હિંદ સ્વરાજ અને મારા સપનાનું ભારત નામની કૃતિમાં રચાયેલી છે, જેમાં તેઓ ભારતીય સમાજનું વર્ણન કરે છે, જેમાં કોઈ શ્રીમંત કે ગરીબ, વર્ગના આંતર-સંઘર્ષ નહીં હોય, જ્યાં સંસાધનોની સરખી વહેંચણી હોય અને કોઈપણ શોષણ અને હિંસા વિના અર્થતંત્ર આત્મનિર્ભર હોય. આમ, ગાંધીવાદી સમાજવાદ પશ્ચિમી સમાજવાદથી ભિન્ન છે કારણ કે પશ્ચિમમાં ચિંતકો ભૌતિક પ્રગતિમાં માનતા હતા જ્યારે ગાંધીજી દરેકને ભૌતિક સમાન માનતા હતા.[૩]
ગાંધીવાદી સમાજવાદની આર્થિક નીતિઓનાં મુખ્ય પાસાં નૈતિકતા પર આધારિત છે. ગાંધીજીના મતે: "માનવ અથવા રાષ્ટ્રની નૈતિક સુખાકારીને નુકસાન પહોંચાડનારૂં અર્થશાસ્ત્ર અનૈતિક છે અને તેથી પાપી છે." તેથી, બધા માટે સમાનતાને પ્રોત્સાહન આપીને ગાંધીવાદી સમાજવાદ એ આર્થિક સામાજિક ન્યાયનું મૂળ છે. [૪] આ વિચારધારાથી વિકસિત ગાંધીવાદી સમાજવાદના આર્થિક ઘટકો સ્વરાજની આસપાસ કેન્દ્રિત છે, જે સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતામાંથી ઉદ્ભવે છે. આ સ્વાવલંબન અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યાં, દરેકને તેના શ્રમનો યોગ્ય હિસ્સો મળે છે. તેથી ગાંધીવાદી સમાજવાદ આર્થિક વર્ગો વિનાના સમાજની હિમાયત કરે છે, જેને ગાંધીજીએ તેને સર્વોદય ગણાવ્યો હતો.[૫][૬] ભારતમાં પંચાયત રાજના અમલીકરણમાં આ ખ્યાલનું ઉદાહરણ જોઇ શકાય છે.[૭] ૧૯૩૮માં, સ્વતંત્ર પછીના ભારત માટેની આર્થિક યોજના બનાવતી વખતે, એ નોંધાયું હતું કે લોકતાંત્રિક ભારત હેઠળની યોજના વિવિધ સમાજવાદી, મૂડીવાદી, અથવા ફાસીવાદનું અનુકરણ કરીને લોકોનું જીવન-ધોરણ વધારવા વિશેની નહીં પરંતુ તે ભારતીય ભૂમિ અને ભારતની સમસ્યાઓ તરફ કેન્દ્રિત હોવી જોઈએ.[૭]