![]() અકાદમી મુખ્યાલય, ગાંધીનગર | |
સ્થાપના | 24 September 1981 |
---|---|
સ્થાપક | ગુજરાત સરકાર |
પ્રકાર | સાહિત્યિક સંસ્થા |
હેતુ | સાહિત્યિક અને ભાષા વિકાસ |
મુખ્યમથકો | અભિલેખાગાર ભવન, સેક્ટર-૧૭, ગાંધીનગર, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°13′28″N 72°39′16″E / 23.224431°N 72.654421°E |
ક્ષેત્રો | ગુજરાતી સાહિત્ય |
અધ્યક્ષ | ભાગ્યેશ જહા |
રજીસ્ટ્રાર | જયેન્દ્રસિંહ જાદવ |
Main organ | શબ્દસૃષ્ટિ |
જોડાણો | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય, ગુજરાત સરકાર |
વેબસાઇટ | sahityaacademy |
ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરી રહી છે. હાલમાં ભાગ્યેશ જહા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.[૧]
અકાદમીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ કરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન ૧૭ જૂન ૧૯૮૨ના રોજ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની નિયુક્તિ સાથે કરવામાં આવ્યું હતું.[૨][૩]
અકાદમીનો મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રમાણે છે.[૨]
ગુજરાત સાહિત્ય અકાદમી અન્ય પાંચ સાહિત્યિક અકાદમીઓની દેખરેખ કરી રહી છે. જેમાં હિન્દી ભાષા માટે હિંદી સાહિત્ય અકાદમી, સંસ્કૃત ભાષા માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, સિંધી ભાષા માટે સિંધી સાહિત્ય અકાદમી, કચ્છી ભાષા માટે કચ્છી સાહિત્ય અકાદમી અને ઉર્દૂ ભાષા માટે ઉર્દૂ સાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. મહામાત્ર (રજીસ્ટ્રાર) તમામ પાંચેય અકાદમીઓના પ્રશાસનિક પ્રમુખ હોય છે. લોક સાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય તથા અન્ય ભારતીય ભાષાઓ માટે ત્રણ સ્થાયી સમિતિઓ હોય છે. પ્રત્યેક સમિતિમાં પાંચ સરકારી સભ્યો સહિત કુલ દસ સભ્યો હોય છે.[૨]
અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મહામાત્ર ત્રણેયની અકાદમી પર દૈનિક દેખરેખ હોય છે. અકાદમીનું સંપૂર્ણ નિયંત્રણ સામાન્ય સભા અને કાર્યકારી પરિષદ દ્વારા થાય છે. સામાન્ય સભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. સામાન્ય સભા કુલ ૪૧ સભ્યોની બનેલી છે. જેમાં ગુજરાતના શિક્ષા આયુક્ત (કમિશનર), શિક્ષણ વિભાગના આર્થિક સલાહકાર, અકાદમીના મહામાત્ર, ગુજરાતના ઉચ્ચ શિક્ષા આયુક્ત, ગુજરાતી ભાષાના નિર્દેશક, રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલ સાહિત્યિક સમુદાયના ૯ સભ્યો, ગુજરાત વિશ્વવિદ્યાલયના ૮ સભ્યો, સામાન્ય સભા દ્વારા ચૂંટાયેલા બે સભ્યો, ગુજરાતી લેખકો દ્વારા નિયુક્ત કરાયેલ સમિતિ દ્વારા ચૂંટાયેલા ૯ સભ્યો, તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત બે સદસ્યોનો સમાવેશ થાય છે. કાર્યકારી પરિષદ એ અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામાત્ર, ગુજરાતના શિક્ષા આયુક્ત, શિક્ષણ વિભાગના આર્થિક સલાહકાર સહિત મહત્તમ દસ સભ્યોની બનેલી હોય છે. જે પૈકી પાંચ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.[૪]
ગુજરાત સાહિત્ય અકાદમીની જેમ કચ્છી સાહિત્ય અકાદમીએ ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીનો ભાગ છે.[૨]
નિમ્નલિખિત વ્યક્તિઓએ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે:[૫]
ક્રમ | નામ | નિયુક્તિ | પદમુક્ત |
---|---|---|---|
૧ | મોહમ્મદ માંકડ | ૧૭ જૂન ૧૯૮૨ | ૨૬ એપ્રિલ ૧૯૮૪ |
૨ | કુલિનચંદ્ર યાજ્ઞિક | ૨૭ એપ્રિલ ૧૯૮૪ | ૨૭ ડિસેમ્બર ૧૯૮૪ |
૩ | ભૂપત વડોદરીયા | ૨૮ ડિસેમ્બર ૧૯૮૪ | ૧૩ માર્ચ ૧૯૮૬ |
૪ | રમણલાલ જોષી | ૧૪ માર્ચ ૧૯૮૬ | ૭ જૂન ૧૯૮૭ |
૫ | હસમુખ પટેલ (શિક્ષણ મંત્રી) | ૮ જૂન ૧૯૮૭ | ૧૦ ડિસેમ્બર ૧૯૮૮ |
૬ | અરવિંદ સંઘવી (શિક્ષણ મંત્રી) | ૧૧ ડિસેમ્બર ૧૯૮૮ | ૧૨ ડિસેમ્બર ૧૯૮૯ |
૭ | હસમુખ પટેલ (શિક્ષણ મંત્રી) | ૧૩ ડિસેમ્બર ૧૯૮૯ | ૧૧ માર્ચ ૧૯૯૦ |
૮ | કરસનદાસ સોનેરી (શિક્ષણ મંત્રી) | ૧૨ માર્ચ ૧૯૯૦ | ૧૧ ઓગસ્ટ ૧૯૯૧ |
૯ | મનુભાઈ પંચોળી | ૧૨ ઓગસ્ટ ૧૯૯૧ | ૧૯૯૮ |
૧૦ | ભોળાભાઈ પટેલ | ૫ ઓક્ટોબર ૧૯૯૮ | ૨૦૦૩ |
૧૧ | સચિવ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય, ગુજરાત સરકાર | ૨૦૦૩ | ૬ મે ૨૦૧૫ |
૧૨ | ભાગ્યેશ જહા | ૭ મે ૨૦૧૫[૬] | ૧૩ મે ૨૦૧૭ |
૧૩ | વિષ્ણુ પંડ્યા | ૧૩ મે ૨૦૧૭[૬][૭] | ૧૩ મે ૨૦૨૨ |
૧૪ | ખાલી જગ્યા | ૧૪ મે ૨૦૨૨ | ૨૧ જુલાઈ ૨૦૨૨ |
૧૫ | ભાગ્યેશ જહા[૧] | ૨૨ જુલાઈ ૨૦૨૨ | વર્તમાન |
નિમ્નસૂચિત વ્યક્તિઓએ અકાદમીના મહામાત્ર (રજીસ્ટ્રાર) તરીકે સેવા આપેલ છે:[૫][૩]
ક્રમ | મહામાત્ર | નિયુક્તિ | પદમુક્ત |
---|---|---|---|
૧ | હસુ યાજ્ઞિક | ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૨ | ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬ |
૨ | ડંકેશ ઓઝા | ૧ મે ૧૯૯૭ | ૧૬ માર્ચ ૧૯૯૮ |
૩ | દલપત પઢિયાર | ૧૨ જૂન ૧૯૯૮ | ૯ મે ૨૦૦૦ |
૪ | કે.એમ.પંડ્યા | ૧૦ મે ૨૦૦૦ | ૩ સપ્ટેમ્બર ૨૦૦૩ |
૫ | વી.વી.પંડિત | ૪ સપ્ટેમ્બર ૨૦૦૩ | ૩ સપ્ટેમ્બર ૨૦૦૫ |
૬ | કિરીટ દૂધાત | ૨૨ જાન્યુઆરી ૨૦૦૮ (અન્ય વિભાગમાંથી) | ? |
૭ | હર્ષદ ત્રિવેદી | ૫ ડિસેમ્બર ૨૦૦૯ | ૨૭ જુલાઈ ૨૦૧૪ |
૮ | ચેતન શુક્લા | ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ | ૧૭ ઓગસ્ટ ૨૦૧૫ |
૯ | મનોજ ઓઝા | ૧૮ ઓગસ્ટ ૨૦૧૫ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ |
૧૦ | અજયસિંહ ચૌહાણ | ડિસેમ્બર ૨૦૧૭ | ૩ માર્ચ ૨૦૨૦ |
૧૧ | હિમ્મત ભાલોડીયા | ૧ જુલાઈ ૨૦૧૭ | ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ |
૧૨ | જયેન્દ્રસિંહ જાદવ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ | ૨૭ જૂન ૨૦૨૨ |
૧૩ | દીપક પટેલ (ચાર્જમાં) | ૨૮ જૂન ૨૦૨૨ | ૨૧ જુલાઈ ૨૦૨૨ |
૧૪ | જયેન્દ્રસિંહ જાદવ | ૨૨ જુલાઈ ૨૦૨૨ | વર્તમાન |
અકાદમી એક સ્વાયત્ત સંસ્થા છે જે તેના બંધારણ અનુસાર સામાન્ય સભાના ૪૧ સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનો અધ્યક્ષ ચૂંટી શકે છે.[૮]
વર્ષ ૨૦૦૩થી ૨૦૧૫ દરમિયાન સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા ન કરવાથી અકાદમીનું અધ્યક્ષ પદ ખાલી રહ્યું હતું.[૩] આ સમયગાળામાં અકાદમીનું સંચાલન પ્રભારી મહામાત્ર તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ દ્વારા કરવામાં આવતુ હતું. એપ્રિલ ૨૦૧૫માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વિના જ નિવૃત સનદી અધિકારી તથા ગુજરાતી ભાષાના લેખક ભાગ્યેશ જહાને અકાદમીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[૬] પરિણામે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ અને કેટલાંક લેખકો (મનિષી જાની, શિરિષ પંચાલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ભરત મહેતા, પરેશ નાયક અને રાજુ સોલંકી) દ્વારા સ્વાયત્ત અકાદમી આંદોલન ચલાવવામાં આવ્યું.[૯] પરિષદે વિરોધ દર્શાવતાં અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો. માર્ચ ૨૦૧૬માં ગુજરાતી કવિ હર્ષ બ્રહ્મભટ્ટે તેમના પુસ્તક માટે આપવામાં આવેલ પુરસ્કારનો અસ્વીકાર કર્યો.[૧૦] પ્રવિણ પંડ્યાએ પણ અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૪માં આપવામાં આવેલ પુરસ્કાર પરત કરી પોતાનો વિરોધ દર્શાવ્યો.[૧૧] અન્ય એક ગુજરાતી લેખક અને સાહિત્યકાર ભરત મહેતાએ અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૮માં આપવામાં આવેલ પુરસ્કાર પરત કરી દીધો.[૮] ધીરુ પરીખે અન્ય ગુજરાતી લેખકો સાથે મળીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં જાહેર હિતની અરજી દાખલ કરી.[૮][૧૧][૬] જાન્યુઆરી ૨૦૨૦માં બીજા એક લેખક બિપીન પટેલે અકાદમી તરફથી તેમના વાર્તાસંગ્રહ 'વાંસના ફૂલ' માટે જાહેર થયેલા એવોર્ડનો અસ્વિકાર કર્યો હતો, અને કહ્યું હતું કે "અકાદમીએ પોતાની સ્વાયત્તતા ૨૦૧૩થી ગુમાવી દીધેલ છે, અને રાજ્ય સરકાર તેને પુન:સ્થાપિત કરવા કોઈ પગલું લઈ નથી રહી".[૧૨]