૧ મે ૧૯૬૦ના રોજ ભૂતપૂર્વ બૃહદ મુંબઇ રાજ્યના ૧૭ ઉત્તરીય જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું હતું. બાદમાં આ જિલ્લાઓના વધુ વિભાજન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં (૨૦૨૨ પ્રમાણે), ૩૩ વહીવટી જિલ્લાઓ છે. અન્ય શહેરોથી વિપરીત, ગાંધીનગરની પોતાની વહીવટી સંસ્થા 'ધ કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન' છે, જેની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૧૯૬૫માં ગાંધીનગરની શહેરમાં સંતુલિત અને શિસ્તબદ્ધ સંચાલન માટે કરવામાં આવી હતી.
ગુજરાતનું સંચાલન ૧૮૨ સભ્યોની વિધાનસભા દ્વારા થાય છે. વિધાનસભાના સદસ્યો (ધારાસભ્યો) ૧૮૨ મતક્ષેત્રોમાંથી વયસ્ક મતદારો દ્વારા ચૂંટવામાં આવે છે, જે પૈકીના ૧૩ મતદાનક્ષેત્ર અનુસૂચિત જાતિ માટે અને ૨૬ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. વિધાનસભાના સભ્યની મુદત પાંચ વર્ષ હોય છે. વિધાનસભા એક અધ્યક્ષની પસંદગી કરે છે, જે વિધાનસભાની સભાઓની અધ્યક્ષતા કરે છે. રાજ્યપાલની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જેઓ દરેક સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાના દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆત પછી ગૃહને સંબોધન કરે છે. બહુમતી પક્ષ અથવા ગઠબંધનનો નેતા અથવા તેમનો પ્રતિનિધી વિધાનસભાના નેતા તરીકે કાર્ય કરે છે. રાજ્યના વહીવટનું નેતૃત્ત્વ મુખ્યમંત્રી કરે છે.
૧૯૪૭માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બૃહદ મુંબઇ રાજ્ય પર શાસન કર્યું (જેમાં વર્તમાન ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો). ૧૯૬૦માં રાજ્યની રચના બાદ કોંગ્રેસે ગુજરાતમાં શાસન જાળવી રાખ્યું. ૧૯૭૫-૭૭ દરમિયાન ભારતની કટોકટી અને તે પછી કોંગ્રેસનો પ્રભાવ ઘટતો ગયો પરંતુ પક્ષે ૧૯૯૦ સુધી સત્તા જાળવી રાખી. ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે જનતા દળ-ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગઠબંધનથી હાર મેળવી અને ચીમનભાઈ પટેલ સત્તા પર આવ્યા. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. તેમની સરકાર માત્ર બે વર્ષ ચાલી અને શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળના ભાજપમાં ભાગલા પડતાં સરકારનું પતન થયું. પરંતુ ત્યાર પછીની ચૂંટણીમાં કેશુભાઇ ફરીથી મુખ્યમંત્રીના પદે આવ્યા. ૨૦૦૧માં, બે પેટા-ચૂંટણીઓમાં હાર મળતા કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ પર આવ્યા. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપે બહુમતી જાળવી રાખી ત્યાર પછી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા. ૧ જૂન ૨૦૦૭ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા મુખ્ય પ્રધાન બન્યા.[૧] ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપે ફરી એક વાર બહુમતી જાળવી રાખી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ પર રહ્યા.
૨૦૧૪ની ભારતની લોક સભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનના ઉમેદવાર તરીકે રજૂ કર્યા. ભાજપે કેન્દ્રમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી મેળવી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. તેથી તેમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું અને આનંદીબેન પટેલે સત્તા સંભાળી. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. ઓગસ્ટ ૨૦૧૬માં વિજય રૂપાણી મુખ્યમંત્રી પર આવ્યા અને ૨૦૧૭ની ગુજરાત વિધાનભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે બહુમતી જાળવી રાખી.
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.[૨] ૧૨ સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ પક્ષના નેતા અને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા.[૩] તેમણે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રીના પદ પર શપથ લીધા.[૪] બાકીના મંત્રીમંડળના શપથ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પૂર્ણ થયા હતા.[૫] ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે ૧૫૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મેળવી હતી અને ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ઈ.સ. ૧૯૬૦માં રાજ્યની સ્થાપના પછી ગુજરાતમાં ૧૬ મુખ્યમંત્રીઓ પદ પર આવ્યા છે. ઈ.સ. ૧૯૬૦થી ઈ.સ. ૧૯૯૫ સુધીના બધાંજ મુખ્યમંત્રીઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના હતા, સિવાય કે ૮ વર્ષો દરમિયાન જનતા પક્ષ/જનતા દળના. જોકે ઈ.સ. ૧૯૯૫થી ૧૮ મહિના સિવાય ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રીઓ પદ પર રહ્યા છે.